બ્રિજનું કામ ૩૦% જેટલું નબળું: સિમેન્ટનું પ્રમાણ ઓછું હોવાથી કામ અટકાવાયું
મનપા દ્વારા ગેરરીતી ઝડપી પાડીને કામ અટકાવી દેવામાં આવ્યું છે અને નવેસરથી તમામ કામ કરવા કોન્ટ્રાક્ટ કંપનીને મનપા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે
મોટામૈવા ખાતે RMCએ પિલર તોડી પાડી નવેસરથી બનાવવાના આદેશ આપ્યા
રાજકોટ, રાજકોટના કાલાવડ રોડ પર મોટામૈવા ખાતે જે બ્રીજ છે તેને બંને તરફ પહોળો કરવા માટેની કામગીરી ચાલી રહી છે. જેમાં બંને તરફ ૮-૮ મીટર પહોળા નવા બ્રીજ બનાવી કુલ ૩૪ મીટરનો બ્રીજ કરવામાં આવશે જે હાલ ૧૭ મીટરનો છે.
આ બ્રિજનું એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં મનપા દ્વારા ગેરરીતી ઝડપી પાડીને કામ અટકાવી દેવામાં આવ્યું છે અને નવેસરથી તમામ કામ કરવા કોન્ટ્રાક્ટ કંપનીને મનપા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા એક તરફ રાજકોટના કાલાવડ રોડ ગૌરવપથ તરીકે વિકસાવવાની વાતો કરવામાં આવે છે આ જ વાતોમાં મનપામાં કોન્ટ્રાકટરો જ બાધારૂપ બનતા હોય તેવું લાગી રહ્યું છે. મોટા મવા ખાતે બ્રીજ પહોળો કરવાની કામગીરી બેકબોન કોન્ટ્રાક્ટ એજન્સીને ૧૩ કરોડના ખર્ચે આપવામાં આવી હતી. બેકબોન કંપની દ્વારા ઑક્ટોબર ૨૦૨૨માં આ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ કામગીરીમાં એક તરફ ૪ પિલર પણ બની ગયા હતા. ત્યારબાદ નિયમ મુજબ મનપાના ઇજનેરો દ્વારા બ્રીજની કામગીરીમાં બનેલા પિલરમાંથી સેમ્પલ લીધા હતા. જેમાં રેતી, કપચી અને સિમેન્ટનું પ્રમાણ જાળવવાના જે માપદંડો હોય છે તે માપદંડો જળવાય નહોતા અને સિમેન્ટ અને રેતીનું પ્રમાણ નક્કી કરાયેલા માપદંડો કરતા ઓછું હોવાનું બહાર આવ્યું હતું.
નક્કી થયેલા માપદંડો મુજબ સ્-૩૫ ગ્રેડ મુજબ કામ કરવાનું હતું એટલે કે રેતી કરી સિમેન્ટ અને કપચીનું પ્રમાણ બમણું રાખવાનું હતું. પરંતુ સેમ્પલમાં રેતી અને કપચીનું પ્રમાણ વધુ અને સિમેન્ટનું પ્રમાણ ઓછું હોવાનું સામે આવ્યું હતું.
આ સમગ્ર બાબતને લઇને બ્રિજનું કામ ૩૦% જેટલું નબળું હોવાનું સામે આવ્યું હતું.
જેને લઇને બનેલા ચારેય પિલર તોડીને નવેસરથી કામ કરવા માટે મનપા દ્વારા કંપનીને આદેશ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ ખર્ચ થશે તે કંપનીએ જ ભોગવવાનો રહેશે. બ્રિજનું કામ પૂરું થવાની મર્યાદા માર્ચ ૨૦૨૪ છે અને આ કંપનીને નિયત સમયમાં જ કામ પૂરું કરવાના પણ આદેશ આપી દેવામાં આવ્યા છે.
કોર્પોરેશન દ્વારા બેકબોન કોન્ટ્રાક્ટ એજન્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને જાે આગળ પણ કંપની આ પ્રકારે નબળી કામગીરી કરશે તો કંપનીને બ્લેકલિસ્ટ પણ કરવામાં આવશે.હવે જાેવાનું રહેશે કે મનપા દ્વારા બેકબોન આ બ્રિજનું કામ બનેલા પિલર તોડીને નવેસરથી કરવાનું કહેતા નિયત કરેલા સમય માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂરું થાય છે કે ફરી એક વખત અન્ય બ્રીજાેની જેમ નિયત કરેલા સમયમાં કામ પૂર્ણ ન થવાની પરંપરા યથાવત રહે છે.