Western Times News

Gujarati News

રાજકોટ કલેક્ટર કચેરી તોડફોડ કેસમા ઇન્દ્રનિલ સહિતના દસને સજા

કોર્ટે ચુકાદા દ્વારા અશોક ટાંગર, દેવજી ફતેપરા, મહંમદ પીરઝાદા સહિતના દસને કરેલી એક વર્ષની સજા
રાજકોટ,  વર્ષ ૨૦૦૮માં રાજકોટ કલેક્ટર કચેરી ખાતે થયેલી તોડફોડના ચકચારભર્યા કેસમાં રાજકોટ કોર્ટે આજે એક મહત્વના ચુકાદા મારફતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ઉપરાંત, મહેશ રાજપૂત , મહંમદ પીરજાદા, અશોક ડાંગર , ગોવિંદ રાણપરિયા , દેવજી ફતેપરા , જશવંત સિંહ ભટ્ટી , વિઠ્ઠલભાઈ રાદડિયા , ભીખુભાઈ વાડોદરિયા , ગોરધનભાઈ ધામેલિયા અને પોપટભાઈ જીંઝરીયાને એક વર્ષની સજા ફટકારી છે.

કોર્ટે આ આરોપીઓને વધુમાં ૫૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. આ કેસમાં બે પૂર્વ ધારાસભ્યો, બે પૂર્વ સંસદસભ્યો અને વાંકાનેરના ધારાસભ્ય સહિત કુલ ૧૨ આરોપીઓને કોર્ટે દોષિત ઠરાવ્યા હતા. જા કે, વિઠ્ઠલભાઇ રાદડિયા અને પોપટભાઇ જીંઝરીયાનું મૃત્યુ થઇ ગયુ હોઇ કુલ દસ આરોપીઓને સજા થઇ છે. બીજીબાજુ, કોર્ટે આ કેસના ચુકાદામાં ટોળા પૈકીના ૧૫૦ જેટલા લોકોને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૮માં તત્કાલીન કોંગી ધારાસભ્ય કુંવરજી બાવળિયાની જમીન કૌભાંડના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ ધરણાં પર બેઠા હતા. તે સમયે મામલો બીચકતા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

આ કેસમાં ૧૭૯ કોંગી આગેવાનો સહિત ૧૫૦૦ લોકોના ટોળા સામે આઈપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૧૮૬, ૧૮૮ તથા પબ્લીક પ્રોપર્ટીના નુકશાન કરવાની કલમ ૩-૭ મુજબ ગુનો અને ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા હતા. રાજકોટની કોર્ટમાં આ કેસ ચાલી જતા ૧૧ વર્ષે આજે અદાલતે ૧૨ રાજકીય આગેવાનોને તકસીરવાન ઠેરવ્યા હતા. આ કેસનો ચુકાદો આજે સંભળાવતાં રાજકોટ કોર્ટે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂ સહિત દસ આરોપીઓને એક-એક વર્ષની સજા ફટકારી હતી અને આ તમામને રૂ.પાંચ-પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

જે ૧૨ આરોપીઓને કોર્ટે તકસીરવાર ઠરાવ્યા તે પૈકીના વિઠ્ઠલભાઈ રાદડિયા અને પોપટભાઈ જીંઝરીયાનું અવસાન થઈ ચુકયુ હોઇ તેમની સામેનો કેસ રહેતો નથી. એટલે કે, કોંગ્રેસના દસ નેતાઓને સજા કરવામાં આવી છે. સજાના આદેશ બાદ તમામ દોષિત સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. હાલ તેમને ૫૦૦૦ રૂપિયાના જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ સેશન્સ કોર્ટના આ ચુકાદાને પગલે કોંગ્રેસ પક્ષમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા અને સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.