ડિફેન્સમાં રશિયા-ચીનના માર્કેટને તોડતી રાજકોટની કંપનીઓ
રાજકોટની કંપનીની રીવોલ્વર, રાઈફલ જોઈ વિદેશીઓ મોઢામાં આંગળા નાખી ગયા-રાજકોટમાં એક બે નહિ, 100 જેટલી કંપનીઓ ડિફેન્સને લગતું કામ કરે છે.
રાજકોટ, ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા એશિયાનું સૌથી મોટું અને ભારતનું મહત્વપૂર્ણ ડીફેન્સ એક્ઝિબિશન ‘ડીફેન્સ એક્સ્પો 2022’ ‘પાથ ટુ પ્રાઈડ’ની થીમ ઉપર તા.18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર ખાતે યોજાયું છે. જેનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ઉદ્દઘાટન થયું હતું.
આ એક્સ્પોમાં 1300 થી વધુ પ્રદર્શનકર્તા, 31 વિદેશી સંરક્ષણ મંત્રીઓ સહીત 75થી વધુ દેશોના 3000થી વધુ ડેલીગેટસ તથા 12 લાખ કરતા પણ વધુ મુલાકાતીઓ ભાગ લેવાનો અંદાજ છે. જેમાં ગુજરાત પેવેલિયનમાં રાજકોટની કંપનીઓના સ્ટોલ પણ આવેલા છે. રાજકોટની કંપનીઓએ ડિફેન્સ એક્સપોમાં ચાર ચાંદ લગાવ્યા છે.
આ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા રાજકોટથી 200થી વધુ ઉદ્યોગપતિઓ – ડેલીગેટ્સ ગાંધીનગર પહોંચ્યા છે. ત્યાં અહીંની કંપનીઓના સ્ટોલ ઉભા કર્યા છે અને રાજકોટની કંપનીમાં બનતા ડિફેન્સ પાટર્સ, અને આ પાટર્સમાંથી બનેલા હથિયારો પ્રદર્શનમાં મુકાયા છે.
સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ડિફેન્સ ક્ષેત્રે ક્રાંતિ હવે દૂર નથી. ડિફેન્સમાં રશિયા-ચીનની માર્કેટને તોડતી રાજકોટની કંપનીઓ છે.રાજકોટમાં એક બે નહિ, 100 જેટલી કંપનીઓ ડિફેન્સને લગતું કામ કરે છે. કોઈ યુનિટ પાટર્સ બનાવે છે તો કોઈ કંપનીઓ તો આખા પ્રોજેકટ અને પ્રોગ્રામ ઉપર કામ કરે છે.
ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપો ચાલી રહ્યો છે. હથીયારોના આ મેળામાં ભાગ લેવા રાજકોટથી ઉદ્યોગપતિઓ-કંપનીઓના ડિરેકટર્સ-કંપનીઓના મેનેજર સહિત 200થી વધુ ડેલીગેટ્સ ગાંધીનગર પહોંચ્યા છે. ત્યાં રાજકોટની કંપનીઓના સ્ટોલ છે. અહીં રાજકોટની કંપનીઓનો જલવો જોવા મળ્યો છે. ગાંધીનગર ડિફેન્સ એક્સપોમાં રાજકોટની કંપનીઓએ ચાર ચાંદ લગાવ્યા છે. એરોસ્પેસને લગતા પાર્ટ્સ, ગન, રાઇફલ વગેરેનું પ્રદર્શન કરાયું છે.
ડબલ એન્જીન સરકારની ઉદ્યોગ પોલિસીથી રાજકોટમાં ડિફેન્સ ક્ષેત્રે જબરદસ્ત ક્રાંતિના સંકેત મળી રહ્યા છે. હાલ પાર્ટ્સ બની રહ્યા છે, ભવિષ્યમાં હથિયારોની ફેકટરીઓ ઉભી થશે. તે દિવસો પણ દૂર નથી. રાજકોટની કંપનીની રીવોલ્વર, પિસ્તોલ, રાઈફલ, વગેરે જોઈ વિદેશી કંપનીઓ અહીંની કંપનીઓની આવડત જોઈ મોઢામાં આંગળા નાખી ગઈ છે. રાજકોટની કંપનીઓને મોટું કામ મળી રહ્યું છે.
રાજકોટ ઘણા દાયકાઓથી મશીન-ટુલ્સ અને એન્જિનીયરીંગ ક્ષેત્રે દેશ-વિદેશ માટે હબ બન્યું છે ત્યારે હવે ડીફેન્સ ક્ષેત્રે પણ આગળ વધી યશકલગીમાં નવું પીંછુ ઉમેરશે. અત્યાર સુધી સર્વશ્રેષ્ઠ હથિયારો જર્મનીના જ ગણાતા, પરંતુ ઉચ્ચ ગુણવત્તા અને આધુનિક ટેકનોલોજીથી ઘરઆંગણે બનેલા સંરક્ષણના સાધનોથી દેશના નાગરિકોની રક્ષા થઇ શકશે.
અને રાજકોટમાં જ બનેલા ઉચ્ચ ગુણવત્તાના હથિયારો ‘મેડ ઈન રાજકોટ’ની ઓળખથી વિશ્વભરમાં ખ્યાતિ પામશે. સાથે સાથે દેશ આત્મનિર્ભર અને વિશ્વમાં અગ્રેસર બનશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાર્થક કરવા સંરક્ષણ ઉદ્યોગની સ્થાનિક શક્તિ પ્રદર્શિત કરીને ‘મેક ઈન ઈન્ડિયા’ના સંકલ્પને બળ આપવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે સંરક્ષણ માટે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે પાછલા સમયમાં કેટલાક નીતિવિષયક સુધારા પણ કર્યા છે, જેને પરિણામે રાજકોટના ઉદ્યોગ સાહસિકો સંરક્ષણના સાધનોના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બની શક્યા છે.