રાજકોટમાં પાણીમાં ફસાયેલા ૪૦૦થી વધુ લોકોનું ફાયરબ્રિગેડની ટીમે સ્થળાંતર કરાવ્યું
રાજકોટ શહેરમાં ગતરાતથી શરૂ થયેલા ભારે વરસાદથી અનેક જગ્યાએ મુશ્કેલીઓ સર્જાઈ હતી, પરંતુ રાજકોટ ફાયરબ્રિગેડના ૨૦૦ જેટલા જવાનોએ વરસાદી આપત્તિ વચ્ચે સતત દોડતા રહીને સરકારી તંત્રની અસરકારક કામગીરી તેમજ ફરજનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ફાયરબ્રિગેડના જવાનોએ શહેરના જૂદા-જૂદા વિસ્તારોમાં વરસાદી પાણીમાં ફસાયેલા આશરે ૪૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કર્યું છે, તેમજ ઝાડ પડી જવા, કાચું મકાન પડી જવા, મકાનમાં આગ લાગવા, વિસ્તારોમાં પાણી ભરાઈ જવા સહિતની ૧૮ જેટલી ફરિયાદોમાં વીજળીની ઝડપે કામગીરી કરીને લોકોને રાહત પહોંચાડી છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં ગતરાતથી વરસાદ શરૂ થયો ત્યારથી, ફાયરબ્રિગેડના વિવિધ ઓફિસરો સહિત ૨૦૦ જેટલા જવાનો ખડેપગે છે. ફાયરબ્રિગેડને જેવી કોઈ ફરિયાદ મળે તે તુરંત રિસ્પોન્સ આપતાં સ્થળ પર જઈને રાહત-બચાવ કામગીરી કરે છે.
રાજકોટ ફાયર કંટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારે વરસાદ વચ્ચે શહેરમાં વિવિધ ૧૮ જેટલી ફરિયાદો મળી હતી. જેમાં વિભાગના જવાનોએ તુરંત એક્શનમાં આવીને અસરકારક કામગીરી કરી છે. કંટ્રોલરૂમને માર્કેટિંગ યાર્ડ પાસે કાર ફસાઈ હોવાની ફરિયાદ મળી હતી.
ઉપરાંત લલુળી વોંકળી વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે આશરે ૪૦૦થી વધુ લોકો ફસાયા હોવાની ફરિયાદ મળી હતી. આ તમામ લોકોનું સ્થળાંતર કરીને તેમને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે.
ઉપરાંત સંત કબીર રોડ પર શાળાની પાછળના વિસ્તારમાં ૧૫થી ૨૦ માણસો ફસાયા હતા, જેનું સ્થળાંતર કરાયું છે. આરાધના સોસાયટી પાસે એક મકાનમાં માણસો ફસાયા હતા, જેને સલામત સ્થળે બહાર કઢાયા છે.
ચુનારાવાડ વિસ્તારમાં શેરી નંબર-૨માં એક મકાનમાં આગ લાગ્યાની ઘટના સામે આવી હતી. જેને કાબુમાં લેવાઈ હતી. કોઠારિયામાંથી એક વ્યક્તિ તણાયાની ફરિયાદ મળી હતી. જો કે રામનાથ પરા પાસેથી એક વ્યક્તિની તણાયેલી લાશ મળી છે. આ લાશ તણાયેલી વ્યક્તિની છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે. કિસાનપરા-૫માં એક જૂનું મકાન પડી ગયું હતું.
જો કે તેમાં કોઈને કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નથી. જિલ્લા ગાર્ડન પાસે સ્લમ ક્વાર્ટર પાસે પાણી ભરાયા હતા. રેલનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યાં પમ્પિંગ સહિતની કામગીરી ચાલુ કરાઈ હતી.
જ્યારે શહેરની પંચશીલ સોસાયટી, પંચવટી મેઇન રોડ ઉપર, ઢેબરરોડ ગીતાનગરમાં, વાણીયા વાડી શેરી નંબર-૫, સરદારનગર-૧ ગોંડલ રોડ પર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, જામટાવર પાસે એમ વિવિધ વિસ્તારમાં ઝાડ પડ્યા હતા. જેમાં ફાયરબ્રિગેડના જવાનોએ તત્કાલ સ્થળ પર જઈને ઝાડ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી હતી.