હોસ્પિટલના CCTV ફૂટેજ વેચનારા બે આરોપીઓ મહારાષ્ટ્રમાંથી ઝડપાયા

(એજન્સી)રાજકોટ, રાજકોટની એક હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે.
રાજકોટની એક હોસ્પિટલમાં ચેકઅપ કરાવતી મહિલાઓના ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલ પર આવા વીડિયો વેચતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને એવી પણ માહિતી મળી છે કે તેઓ આ માટે લોકો પાસેથી મોટી રકમ વસૂલ કરી રહ્યા છે.
બીજી તરફ, અમદાવાદ સાયબર ક્રાઈમ પણ સ્પષ્ટતા કરી રહ્યું છે કે રાજકોટની એક હોસ્પિટલના સીસીટીવી આઈપીના આધારે હેક કરવામાં આવ્યા હતા.
ટૂંક સમયમાં અમદાવાદ સાયબર ક્રાઈમ મહારાષ્ટ્રના બંને આરોપીઓને લઈને ગુજરાત પહોંચશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર, ટેલિગ્રામ ચેનલ પર મહિલાઓ સાથે થતી વર્તણૂકના સીસીટીવી ફૂટેજ જોવા માટે અલગ અલગ લોકોને લિંક મોકલવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રના બે અલગ અલગ જિલ્લામાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ, આ બંને આરોપીઓ મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને આ જ રીતે પૈસા કમાતા હતા. આ સમગ્ર દિશામાં હજુ પણ તપાસ ચાલુ છે.
મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. 3 મહિનાના સીસીટીવી IP ચેક કરવામાં આવ્યા છે.
આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફુલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.