રાજકોટ યાર્ડના વેપારીઓને રૂ. ૯૦ લાખથી રૂ.૪ કરોડ ભરવા ઈન્કમટેક્ષની નોટિસ ફટકારાઈ
ખેડૂતોને કરેલા ચૂકવણાંને આવક ગણાવતાં દેકારો
રાજકોટ, રાજકોટ માર્કેટીંગ યાર્ડના વેપારીઓને રૂ.૯૦ લાખથી લઈને ૪ કરોડ ભરવા સુધીની ઈન્કમટેકસ દ્વારા સામુહિક નોટીસ ફટકારાઈ છે. જેના કારણે વેપારીઓમાં દેકારો બોલી ગયો છે. આ નોટિસ મળતા વેપારીઓ ઈનકમટેકસ કચેરીએ દોડી ગયા હતા ખોટુ અર્થઘટન કરવા મુદ્દે ચીફ કમિશનરને આવેદન પાઠવ્યું હતું.
આ અંગે રાજકોટ યાર્ડના સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટયાર્ડ કમીશન એજન્ટ એસોસીએશન દ્વારા રજુઆતમાં જણાવ્યું છે કે રાજકોટ યાર્ડમાં વિવિધ જણસીના સોદાઓ કમિશન એજન્ટો દ્વારા થતા હોય છે.
જેમાં એજન્ટોને બે ટકા કમિશન નકકી કરવામાં આવ્યું છે અને તે પણ માર્કેટ યાર્ડ જ નકકી કરે છે. આ કમિશનને આયકર વિભાગે આવક ગણી લીધી છે અને નોટિસ ફટકારી છે અને સાત દિવસમાં જવાબ રજુ કરવા સુચના આપવામાં આવી છે જે ખરેખર અન્યાય કર્તા છે.
વધુમાં વેપારીઓએ જણાવ્યું હતું કે ૧૩૯ કલમ હેઠળ વેચાણને કુલ આવક ગણી નોટીસ ફટકારવામાં આવી છે. કમીશનમાં ખેડુતને ચુકવેલ નાણાને પણ ગણી લેવાતા આવક ૪૯૦૦ ટકા વધુ આકારી લીધી હોય જ અંતર્ગત નોટીસ ફટકારવામાં આવી છે. ખરેખર કમિશન એજન્ટને આવક નથી હોતી પરંતુ બે ટકા કમિશન જ હોય છે તેમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા ખોટુ અર્થઘર્ટન કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
વધુમાં એસોસીએશનના આગેવાનોએ જણાવ્યું છે કે આયકર વિભાગ દ્વારા કમિશન એજન્ટોને રૂ.૯૦ લાખથી રૂ.૪ કરોડ સુધીની નોટીસ ફટકારવામાં આવી છે. આખા વરસની ૧૦ લાખ કમિશન થતું નથી અને ૯૦ લાખની નોટીસ કેટલી વ્યાજબી છે. આ નોટીસ રદ કરવા માટે ચીફ કમિશનરને આવેદન પાઠવી રજુઆત કરાઈ છે.