તારા પપ્પાને મારીને ફેંકી દીધા છેઃ હત્યા પછી મૃતકના પુત્રને હત્યારાએ ફોન કર્યો
રાજકોટમાં પત્નીના પ્રેમીએ જ મિત્ર સાથે મળી હિસ્ટ્રીશીટરની હત્યા કરી-પોલીસે હત્યારા રિક્ષાચાલક અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે-મિત્ર સંજય સાથે મળી પ્રમિકાના પતિ મુકેશનો કાંટો કાઢી નાખ્યો હતો
રાજકોટ, રાજકોટમાં આજીડેમ ચોકડી અમુલ સર્કલ નજીક મૂળ હિસ્ટ્રીશીટરની છાપ ધરાવતાં શખ્સની હત્યા તેની પત્નીના પ્રેમીએ જ મિત્ર સાથે મળીને કરી હતી. હત્યા પછી આરોપીએ મૃતકના પુત્રને ફોન પણ કર્યો હતો.
પોલીસે હત્યારા રિક્ષાચાલક અને તેના મિત્રની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. મુકેશ અરજણભાઇ ગુજરાતી (ઉ.૪૧-રહે. મુળ પેઢલા ગામ તા. જેતપુર હાલ રાજકોટ)નો પુત્ર સાહિલ અને તેનો નાનો ભાઈ દેવરાજ સાથે ઘરે હતા ત્યારે મમ્મી શોભનાબેન સાથે સાગર મનસુખભાઈ મકવાણા રિક્ષા લઇને આવ્યો હતો. મુકેશે પત્ની શોભાનાને તે બીજુ ઘર કર્યુ છે તો અહિ શું કરવા આવી છો?
તેમ કહી મારવા જતાં શોભના ત્યાંથી ભાગી ગઇ હતી. એ પછી સાહિલ અને પિતા મુકેશભાઈ અને મામા અર્જુનભાઇ તથા સાગર મકવાણા બધા મળી સાગરની રિક્ષામાં બેસી શોભનાને શોધવા માટે નીકળ્યા હતાં. સાંજના છ વાગ્યા સુધી શોભાના નહી મળતા બધા ઘરે આવી ગયા હતાં.બાદ મુકેશભાઇ અને સાગર મકવાણા રિક્ષામાં બહાર જતાં રહ્યા હતાં.
સાહિલે ફોન કરતા સાગરે તારા પપ્પાને મેં મારીને અમુલ સર્કલ પાસે ૮૦ ફુટ રોડ પર ફેંકી દીધા છે, એમ કહીને સાગરે ફોન કાપી નાખ્યો હતો. સાહિલે તેના નાના ભાઇ દેવરાજ સાથે અમુલ સર્કલ પાસે રિક્ષામાં ગયા હતાં. જ્યાં મુકેશની હત્યા કરેલી લાશ પડી હતી. શોભના પતિ મુકેશને મુકીને સાગર મકવાણા સાથે રહેવા જતી રહી છે, ત્યારથી સાગર અને મુકશ વચ્ચે ઝઘડા થતાં હતાં.
સાગર અને શોભના વચ્ચે પ્રેમસંબંધ બંધાઇ ગયો હોઇ આ પ્રેમસંબંધમાં મુકેશ અડચણરૂપ બનતો હોવાથી વારંવાર ઝઘડા તકરાર કરતો હતો. અંતે સાગરે મિત્ર સંજય સાથે મળી પ્રમિકાના પતિ મુકેશનો કાંટો કાઢી નાખ્યો હતો. આ મામલે એલસીબી ઝોન-૧ના પીએસઆઇ બી.વી. બોરીસાગર અને તેમની ટીમે હત્યામાં સંડોવાયેલા સાગર અને તેના મિત્ર સંજયને ઝડપી લીધા હતા.
પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, હત્યાનો ભોગ બનનાર મુકેશ અરજણભાઈ ગુજરાતી વિરૂધ્ધ અગાઉ એ-ડિવીઝન, ભક્તિનગર, ચોટીલા, ગોંડલ સીટીમાં ચોરીના ગુના નોંધાયેલા છે. તેમજ ૩૦૦ પેટી દારૂના કેસમાં પણ તે પોલીસના હાથે પકડયો હતો.