રાજકોટનાં આંગણે સદભાવના વૃદ્ધાશ્રમનાં ઉપક્રમે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”
આધ્યાત્મિક ગુરુ અને શ્રીમદ ભાગવત કથાકાર પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વૈશ્વિક રામ કથામાં હાજરી આપશે
સાંદિપની વિદ્યાનિકેતનના નિર્માતા, ભાગવતચાર્ય, ભાગવતરત્ન, વિશ્વ વિખ્યાત કથાકાર “બ્રહ્મગૌરવ” ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો વૈશ્વિક ફલક પર પ્રચાર-પ્રસાર કરનાર, આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” માં હાજરી આપશે.
ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રીએ દેશ-વિદેશમાં ભાગવત કથા અને વેદ, ઉપનિષદ તથા શાસ્ત્રોનું ભાવિકોને રસપાન દ્રારા ભારતીય સંસ્કૃતિનો પરિચય વિશ્વને કરાવ્યો છે. તેઓ ભક્તિ અને સાદગી સાથે આધ્યાત્મિક જીવનશૈલીના ભક્ત છે. તેઓ ધર્મ, સંસ્કૃતિ અને સેવાના જીવન બળથી લોકોના જીવનને ઉજાગર કરે છે.
વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”માં તેમની હાજરી સૌ કોઈ આધ્યાત્મિક પ્રેરણા લેશે. સદભાવના વૃદ્ધાશ્રમની ટીમને આશીર્વાદ આપતા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, “માણસ મંદિરો બનાવવામાં જેટલું ધ્યાન રાખે છે તેટલું જ ધ્યાન ઝાડ વાવવામાં કેન્દ્રિત કરે તો મનુષ્ય જીવનનો ઉદ્ધાર નિશ્ચિત છે. જો એક મંદિર એ પણ બહુ સારું બનાવો તો એ 250 કરોડનું થશે
જો આટલો ખર્ચો મંદિર માટે કરીએ જ છીએ તો એ મંદિરની આજુબાજુ અઢી લાખ ઝાડ પણ ઉગાડી દેવા જોઈએ. ઘણા સમજદાર લોકો આવું કરી પણ રહ્યા છે. જો સાધારણ મનુષ્યનાં મનમાં એવો ભાવ હોય કે મારે ધર્મશાળા બનાવવી છે, અન્નક્ષેત્ર બનાવવું છે, નિ:શુલ્ક દવાખાનું બનાવવું છે અથવા કોઈ મંદિર બનાવવું છે અને એ દ્વારા લોકોની સેવા કરવી છે પણ આના માટે મારી પાસે પૂરતા રૂપિયા નથી તો ફક્ત એક ઝાડ વાવવાથી આ બધા જ કાર્યો સિદ્ધ થઇ શકે છે,
કારણ કે વૃક્ષ એ પક્ષીઓ માટે વર્ષો સુધીનું અન્નક્ષેત્ર છે, રહેવા માટે ધર્મશાળા છે, એ એક એવું મંદિર છે જ્યાં જીવતા ભગવાન રહે છે વળી વૃક્ષ ઘણા વટેમાર્ગુઓ અને પશુઓ પણ વિસામો કરવા આવે. ઝાડની શુદ્ધ હવાથી વાતાવરણમાં ફેલાયેલા રોગોને દુર કરી શકાય છે. આ ઉપરાંત ઝાડ – પાનમાં રહેલી ઔષધિઓ વિવિધ પ્રકારની દવાઓ બનાવવા માટે ઉપયોગી બને છે. ફક્ત રૂપિયા હોય તો સેવા નથી થતી.
જો સેવાનો ભાવ હોય તો જ સેવા થઇ શકે. ભગવાન મંદિરમાં ક્યાં સુધી કેદ રહેશે ? ઝાડ વાવશો તો મુરલી મનોહર એ ઝાડની નીચે ઉભો રહીને મુરલી વગાડશે, પોતાની ગાયોને ત્યાં બોલાવશે. માણસ પ્રકૃતિનાં પ્રત્યેક તત્વનો ઋણી છે, આકાશ,વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ પંચમહાભૂતનો વિનાશ ન થાય, તે પ્રદૂષિત ન થાય તેવી રીતે જીવતા શીખવું જોઇએ. જળ અને વાયુ પ્રદૂષિત થવા ન જોઇએ જો તે પ્રદૂષિત થશે તો માણસ જ માંદો પડશે,
મોટા શહેરોમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે અને ત્યાંના લોકોની આયુષ્ય સરેરાશ કરતા છ થી સાત વર્ષ ઘટી રહી છે, વિકાસની વાતો કરતા આપણે ભોગવાસમા જીવી રહ્યા છીએ, ગંદકી કરી રહ્યા છીએ અને વૃક્ષોનું નિકંદન કાઢી રહ્યા છીએ, ઝાડ તો વરસાદને બોલાવવાની કંકોત્રી છે. કોઈ પણ રાજ્યનાં 33 ટકા ભૂમિમાં જંગલ હોવું જોઈએ. ગુજરાત રાજ્ય આમાં પાછળ છે. 151 કરોડ વૃક્ષો વાવી, તેનો ઉછેર કરી સમગ્ર ભારતને ગ્રીન બનાવવાની સદભાવના વૃદ્ધાશ્રમની પહેલ ખુબ જ સરાહનીય છે.”
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા. 23 નવેમ્બર–2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ,રાજકોટ ખાતે પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના” યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે. વૈશ્વિક રામકથા કાર્યાલય : ધ ટવિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.