પતિ સાથે ઝઘડો થતાં પત્નિએ બાળકોને ઝેરી દવા પવડાવી પોતે પણ પી આપઘાત કર્યો
રાજકોટના જામ કંડોરણામાં શ્રમિક પરિવારનો સામુહિક આપઘાત
(એજન્સી)રાજકોટ, રાજકોટના જામ કંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા મુળ દાહોદ પંથકના ખેતમજુર પરિવારની પરણીતાએ પોતાના બે સંતાનોની ઝેરી દવા પીવડાવી હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લેતા સનસનાટી મચી ગઈ છે.
પતિ સાથે કામ બાબતે થયેલ ઝઘડાને કારણે પરણીતાએ આ પગલું ભરી લીધું હતું. પોતાની છ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી પરિવારનો માળો વિખાઈ ગયો હતો અને ભારે શોક વ્યાપી ગયો છે.
મળતી માહિતી મુજબ, મુળ દાહોદના અને હાલ જામકંડોરણા તાલુકાના સનાળા ગામે રહેતા ઈશ્વરભાઈની પત્ની સિનાબેન (ઉ.વ.૩૬)એ પોતાની છ વર્ષની પુત્રી કાજલ અને પાંચ વર્ષના પુત્ર આયુષને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી.
ખેતમજુરી કરવા ગયેલ પતિ ઈશ્વરભાઈ જ્યારે પરત આવ્યા ત્યારે પત્નીએ રૂમનો દરવાજો ન ખોલતા આજુબાજુના મજુરોને બોલાવી દરવાજો તોડવામાં આવ્યો હતો. દરવાજો તોડતા અંદરથી સીનાબેન ઈશ્વરભાઈ (ઉંમર વર્ષ ૩૬), દીકરી કાજલબેન ઈશ્વરભાઈ (ઉંમર વર્ષ છ), દીકરો આયુષ ઈશ્વરભાઈ (ઉંમર વર્ષ પાંચ) ત્રણેયની ડેડબોડી મળી આવી હતી.
આ બનાવની જાણ થતાં જામ કંડોરણા પોલીસમથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ બનાવ પાછળ ઘર કંકાસ કારણભૂત હોવાનું જાણવા મળ્યું છે. ઈશ્વરભાઈ અને પત્ની સિનાબેન વચ્ચે ખેતમજુરીનું કામ રાખવા બાબતે માથાકુટ થઈ હતી. જેને કારણે સિનાબેનને લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હતું.
જામકંડોરણા તાલુકાના સનાળા ગામે વાડી વિસ્તારમાં રહેતા મજુરી કામ કરતા મૂળ દાહોદ તાલુકાના ધાનપુર મૂળ કાટુ ગામના રહેવાસી મજૂરી કામ અર્થે સનાળા ગામે પરિવાર સાથે રહેતા હતા તેઓને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હતા પ્રાથમિક તપાસમાં જાણવા મળતી વિગત ઘર કંકાસના કારણે તેઓએ પોતાના બંને સંતાનોને પહેલા ઝેરી દવા પીવડાવી બાદમાં તેઓએ ઝેરી દવા પી લેતા ત્રણેયના ઘટના સ્થળે જ મૃત્યુ પામેલ મળી આવ્યા હતાં.