Western Times News

Gujarati News

Rajkot TPO સાગઠીયાનો પીટારો ખુલ્યોઃ 20 કિલો સોનુ તથા 2 કિલો ચાંદી, 3 કરોડ રોકડા મળ્યા

અમદાવાદ અદાણી શાંતિગ્રામ ટાઉનશીપમાં ફલેટ, અહિ જ બી-૭, ૮૦૨, લા મરીના ફલેટ, બે હોન્‍ડા સીટી સહિત છ વાહનો તેની પાસે હોવાનું જાહેર થયું હતું.

રાજકોટ, શહેરના નાના મવા રોડ ટીઆરપી ગેમ ઝોનમાં ભભૂકેલી આગ બાળકો સહિત ૨૭ જણાનો ભોગ લઇ ગઇ હતી. આ ગોઝારા અગ્નિકાંડ અંગે તાલુકા પોલીસે સાપરાધ મનુષ્‍યવધની કલમો હેઠળ ગુનો નોંધી ગેમ ઝોનના સંચાલકો મનપાના અધિકારીઓ મળી પંદરની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતાં.

બીજી તરફ આ ગુનામાં પકડાયેલા મોટુ માથા ગણાતા મનપાના સસ્‍પેન્‍ડેડ ટીપીઓ મનસુખ ડી. સાગઠીયા સામે એસીબીનો એક મળી ત્રણ ત્રણ ગુના નોંધાઇ નોંધાયા હતાં. અપ્રમાણસર મિલ્‍કતના ગુનામાં મનસુખ સાગઠીયાનો એસીબીએ જેલમાંથી કબ્‍જો મેળવી તેને સાથે રાખી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે ટ્‍વીન ટાવરમાં નવમા માળે આવેલી તેની ઓફિસના રાતે સીલ ખોલી સર્ચ ચાલુ કર્યુ હતું. સવાર સુધી આ કામગીરી ચાલી હતી. જેમાં ત્રણ કરોડ રોકડા અને ૨૦ કિલો સોનુ તથા ૨ કિલો ચાંદી મળી આવતાં ખળભળાટ મચી ગયો છે.

ACBના કર્મચારીઓનો કાફલો રાતે અગિયારેક વાગ્‍યે મનસુખ ડી. સાગઠીયાને સાથે રાખી તેની ટ્‍વીન ટાવરના નવમા માળે આવેલી ૯૦૧ નંબરની ઓફિસે પહોંચ્‍યો હતો. એસીબીએ અગાઉ તપાસ શરૂ કરી એ પહેલા જ આ ઓફિસને સીલ લગાવી દેવાયુ હતું. આ સીલ ખોલીને એસીબીની ટીમો અંદર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સર્ચ દરમિયાન ઓફિસમાં આવેલી મસમોટી તિજોરી તપાસતાં તેમાંથી રોકડ અને સોનાના દાગીના મળી આવ્‍યા હતાં. એસીબી સુત્રોના જણાવ્‍યા મુજબ ત્રણ કરોડની રોકડ અને સાતથી આઠ કિલો સોનાના દાગીના મળી આવ્‍યા છે. એસીબીમાં અગાઉ અપ્રમાણસર મિલ્‍કતનો ગુનો સાગઠીયા વિરૂધ્‍ધ દાખલ થયો હતો ત્‍યારે ૪૦૦ ગણી વધુ મિલ્‍કત આવક કરતાં સામે આવી હતી.

અગાઉની વિગતો જોઇએ તો સાગઠીયા વિરૂધ્‍ધ સાપરાધ મનુષ્‍ય વધ અને બોગસ મિનીટ્‍સ બૂકના ગુના દાખલ થયા પછી એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ પણ તેને સાણસામાં લઇ કાર્યવાહી કરી હતી. સાગઠીયાએ પોતાના ફરજ કાળ દરમિયાન ભ્રષ્‍ટાચાર આચરીને વસાવેલી ૧૦.૫૫ કરોડની અપ્રમાણસર મિલ્‍કતો એસીબીએ શોધી કાઢી હતી અને ગુનો દાખલ કર્યો હતો.

છેલ્લા દસેક કરતા વધુ વર્ષોથી મનપાની ટીપી શાખામાં ફરજ બજાવતા વર્ગ-૧ના અધિકારી મનસુખ ધનાભાઇ સાગઠીયાની અગ્નિકાંડમાં ધરપકડ થયા બાદ તેણે ભ્રષ્ટાચાર આચરી કરોડોની મિલ્‍કતો વસાવ્‍યાની ચર્ચાઓ શરૂ થઈ હતી.

તેની મિલ્‍કતોના ફોટાઓ પણ સોશિયલ મીડીયા ઉપર વાયરલ થતા હતા. તે અંતર્ગત આ અંગે એન્‍ટી કરપ્‍શન બ્‍યુરોએ પણ તપાસમાં ઝુકાવ્‍યું હતું. તપાસના અંતે ગત સાંજે એસીબી રાજકોટના ફિલ્‍ડ ઓફિસર પીઆઇ જે. એમ. આલની ફરિયાદ પરથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમો હેઠળ ગુનો સાગઠીયા વિરૂધ્‍ધ ગુનો દાખલ કરાયો હતો. એસીબીએ સાગઠીયાની ૨૦૧૨ની સાલથી લઈ ૨૦૨૪ની સાલ સુધીની કાયદેસરની આવકની તપાસ કરતા તે ૨.૫૭ કરોડ હોવાનું બહાર આવ્‍યું હતું.

જો કે આ આવક સામે સાગઠીયા અને તેના પરિવારના નામે ૧૩.૨૩ કરોડની મિલ્‍કતો અને ખર્ચ હોવાનું બહાર આવ્‍યું હતું. આ રીતે સાગઠીયાની કાયદેસરની આવક કરતાં રૂા. ૧૦.૫૫ કરોડની વધુ એટલે અપ્રમાણસર મિલ્‍કતો મળી આવી હતી. જે તેની કાયદેસરની આવક કરતા ૪૧૦.૩૭ ટકા વધુ હતી. બોગસ મીનીટસ બુકના ગુનામાં રિમાન્‍ડ પુરા થયે જેલહવાલે થયા બાદ સાગઠીયાનો ગત સાંજે એસીબી અપ્રમાણસર મિલ્‍કતના ગુનામાં કબજો મેળવી ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સાગઠીયાએ દુબઇ, યુરો, સાઉથ આફ્રિકા, ઓસ્‍ટ્રેલિયા, યુકે, મલેશીયા, માલદિવ અને શ્રીલંકા મળી આઠ વિદેશ પ્રવાસ પણ કર્યા હોવાનું ખુલ્‍યું હતું. એસીબીના ઇન્‍ચાર્જ ડીવાયએસપીશ્રી આશિષ પરમારની આગેવાનીમાં રાજકોટ શહેર, ગ્રામ્‍ય, સુરેન્‍દ્રનગર એસીબીની ટીમોના પીઆઇ એમ. જે. આલ, પીઆઇ લાલીવાલા, પીઆઇ ડેકાવાડીયા સહિતના ૨૦ અધિકારીઓ, કર્મચારીઓના કાફલાએ દરોડો પાડી પાડ્યા હતા. હવે સાગઠીયાને રિમાન્‍ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરી વિશેષ કાર્યવાહી થશે. બેંક લોકરો અંગે પણ તપાસ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.