રાજકોટ TRP અગ્નિકાંડના પીડિત પરિવારોએ આ કારણસર કોંગ્રેસની યાત્રામાં ભાગ ન લીધો
રાજકોટ, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અÂગ્નકાંડના ર૭ મૃતકોમાંથી ૧પ જેટલા પરિવારોએ કોંગ્રેસની ન્યાય યાત્રાને જાકારો આપ્યો છે. આ પરિવારોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં ન જોડાવાની જાહેરાત આજે રાજકોટમાં મીડિયા સમક્ષ કરી હતી.
મૃતકોના પરિવારજનોએ કહ્યું હતું કે, ન્યાયયાત્રામાં જોડાવાથી ન્યાય મળવાનો નથી, ન્યાય તો કોર્ટમાંથી મળશે. હાઈકોર્ટમાં સ્પેશિયલ પીપી તેમજ ફાસ્ટટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવા માટેની માગણી ભાજપ સરકારે સ્વીકારી છે, જેથી અમને રાજ્ય સરકાર પાસેથી ન્યાયની પૂરેપૂરી આશા છે. અમે રાજકારણ કરવા માંગતા નથી. જેથી હવે કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવાની નથી.
વધુમાં પીડિત પરિવારની મહિલાએ કહ્યું કે, ગઈકાલે ભાજપના લોકો અમારા ઘરે આવ્યા હતા અને બધાને ભેગા થવા જણાવ્યું હતું. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન પીડિત પરિવારના પ્રદીપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ન્યાયયાત્રામાં કોઈ ન્યાય આપી શકતું નથી. ન્યાયયાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે બેથી ત્રણ મહિના સુધી ન્યાયયાત્રામાં જવું જોઈએ.
જો કે, અમારા ૧પ પરિવારો છે, તેઓ આ ન્યાયાયાત્રામાં જોડાવાના નથી. સરકાર અમારી માંગ સ્વીકારવા માટે તૈયાર છે તો પછી ખોટું દોડવાનો કોઈ મતલબ નથી. અમારી હાઈકોર્ટમાં સ્પેશિયલ પીપી અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તેવી માગણી છે જ્યારે અમિતાબેન મોડાસિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ ટીઆરપી ગેમઝોન અÂગ્નકાંડમાં મારી ર દીકરી અને ૧ જમાઈ મૃત્યુ પામ્યા છે.
અમારી એક જ માગણી છે કે અમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ અને ફરી વખત આવી ઘટના અન્ય કોઈ સાથે ન બનવી જોઈએ. અમારે કોઈ રાજકારણ કરવું ન હોવાથી કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાયા નથી. રાજ્ય સરકાર પાસેથી એવી આશા છે કે અમને પૂરો ન્યાય મળશે. ભાજપના લોકો અમદાવાદમાં અમને મળ્યા હતા અને ગઈકાલે પણ તેઓ અમને મળવા માટે આવ્યા હતા.
અમને ભાજપા લોકોએ કહ્યું હતું કે, તમે બધા એકત્ર થજો. પીડિત પરિવારના ચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગેમઝોન અÂગ્નકાંડમાં મારા પરિવારના પાંચ લોકો મૃત્યુ પામ્યા છે. અમે અગાઉ ન્યાય માટે ગાંધીનગર ગયા હતા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત હર્ષ સંઘવી અને ભાનુબેન બાબરિયા અમને મળ્યા હતા. કયારેય પણ જરૂર પડે તો અમે તમારી સાથે છીએ તેવું કહ્યું હતું. અમને હાઈકોર્ટમાં જવા સુધીની સગવડ આપવા માટેની બાંહેધરી આપવામાં આવી છે. આરોપીઓને એ પ્રકારની કડક સજા કરવી જોઈએ કે ગુજરાતમાં દાખલો બેસે.