Rajkot TRP fire: એક પછી એક અર્થી ઉઠતાં પરિવારોનું હૈયાફાટ રૂદન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/05/Rajkot-TRP1.jpg)
(એજન્સી) રાજકોટ, રાજકોટમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ર૮ લોકો ભડથું થઈ ગયા છે. જેમાં સુનીલ સિદ્ધપુરા નામની વ્યક્તિનો પ્રથમ મૃતદેહ પરિવારને હોસ્પિટલ દ્વારા સોંપવામાં આવ્યો છે. નોકરી પ્રત્યે ઈમાનદારી રાખનારો સુનીલ ૧પ દિવસ પહેલાં જ નોકરી પર લાગ્યો હતો અને જોતજોતામાં તે ભડથું થઈ ગયો હતો. આગ લાગી ત્યારે સુનીલ બીજાને સલામત બહાર કાઢવા લાગ્યો હતો અને અંતે તે ખુદ આગમાં ફસાઈ ગયો હતો.
દસ વર્ષની દીકરી પપ્પા સુનીલની રાહ જોતી હતી અને તેની સળગેલી લાશ ઘરે પહોંચી છે. સુનીલનો મૃતદેહ ઘરે પહોંચતાની સાથે આસપાસનો વિસ્તારમાં હિબકે ચડયો છે. સુનીલ ૧પ દિવસ પહેલાં જ ગેમ ઝોનમાં નોકરી પર લાગ્યો હતો. સુનીલ પોતાની દસ વર્ષની દીકરીના સપના પૂરા કરવા માટે ગેમ ઝોનમાં નોકરી પર લાગ્યો હતો જ્યારે ગેમ ઝોનમાં આગ લાગવાની શરૂ થઈ ત્યારે સુનીલ પોતે બચીને બહાર નીકળવાની જગ્યાએ તમામ લોકોને રેસ્કયુ કરવામાં રહ્યો હતો જેના કારણે તે અંદર ફસાઈ ગયો હતો.
ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં ભડથું થઈ ગયેલા મૃતકોના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવયા હતા. ર૮ જેટલા મૃતદેહ હોસ્પિટલે પહોંચ્યા હતા. ગેમ ઝોનમાં ગયેલા સ્વજન લાપતા થતાં તેમના મૃત્યુ થયાની શંકાએ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. લાપતા થતાં તેમના મૃત્યુ થયાની શંકાએ પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા. લાપતા થયેલી વ્યક્તિના સ્વજન પોસ્ટમોર્ટમ રૂમ સુધી પહોંચતા હતા પરંતુ મૃતદેહ એટલી હદે સળગી ગયા હતા કે ર૮માંથી એક પણ લાશનો ચહેરો ઓળખાયો ન હતો.
મૃતકની ઓળખ મેળવવા માટે તંત્રએ તમામ મૃતકના ડીએનએ ટેસ્ટનો નિર્ણય કર્યો હતો. તમામ ર૮ સળગેલી લાશને નંબર આપવામાં આવ્યા હતા અને તમામ મૃતદેહમાંથી લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે વ્યક્તિની શોધમાં તેમના પરિવારજનો આવ્યા હોય તેમને સમજાવીને તેમના લોહીના સેમ્પલ ડીએનએ ટેસ્ટ માટે લેવામાં આવી રહ્યા હતા.
હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, મૃતકના માતા-પિતા, ભાઈ, બહેન અથવા સંતાન પૈકી કોઈ પણ બે વ્યક્તિના લોહીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ તમામ ર૮ લાશ અને તેમની ભાળ માટે આવેલા તેમના સ્વજનોના લોહીના સેમ્પલ લઈને ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હોસ્પિટલના સત્તાધીશોએ કહ્યું હતું કે, ત્રણેય દિવસમાં ડીએનએ રિપોર્ટ આવશે.
જે નંબરની લાશ સાથે જે જીવિત વ્યક્તિના લોહીના સેમ્પલ મેચ થયા હશે તે જીવિત વ્યક્તિને તે મૃતદેહની ત્રણ દિવસ પછી સોંપણી કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમના કોલ્ડરૂમમાં ૧૦ મૃતદેહ સાચવવાની ક્ષમતા હોઈ અન્ય ૧૮ મૃતદેહ એઈમ્સ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલી આપવામાં આવ્યા હતા.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પીએમ રૂમ ખાતે ર૮ મૃતદેહ લાવવામાં આવ્યા છે. જેમના પોસ્ટમોર્ટમ અર્થે સૌપ્રથમ તેમની ઓળખ થઈ શકે તે માટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો હોવાથી તેઓનું સેમ્પલિંગ લેવામાં આવી રહ્યું છે. આ માટે સિવિલ હોસ્પિટલના નવા બ્લોક સ્પેશિયલ રૂમ ફાળવવામાં આવ્યો છે.
આ સાથે પોસ્ટમોર્ટમ માટે જરૂરી પંચનામાની કામગીરી અર્થે રાજકોટ ગ્રામ્યના પીએસઆઈ પ્રજ્ઞેશ ત્રાજિયાની આગેવાનીમાં ૧૦થી વધુ પોલીસની ટીમ ખડેપગે કામગીરી કરી રહી છે. સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી ચાર લોકોના મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે.