Western Times News

Gujarati News

Rajkot TRP fire: SIT બને છે અને જાય છે, દુર્ઘટનાઓ રોકી શકાતી નથી: હાઈકોર્ટ

રાજકોટ અગ્નિકાંડ મામલે હાઇકોર્ટમાં સુનાવણી થઈ

(એજન્સી)અમદાવાદ, રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકોના મોત થયા હતા એ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુનાવણી દરમિયાન ચાર મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. ત્યારે હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ફરી આરએમસીની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે ‘સીટ બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.

હાઈકોર્ટે આરએમસીને વેધક સવાલો કરતા કહ્યું કે, ગેમઝોન ગેરકાયદે હોવાની જાણ હોવા છતા મનપાએ કોઈ કાર્યવાહી કેમ ન કરી? શું આરએમસીના અધિકારીઓ આગ લાગવાની રાહ જોઈ રહ્યા હતા? હાઈકોર્ટે વધુમાં ઉમેર્યું કે, પ્રથમ વખત આગ લાગ્યા બાદ પણ કેમ કડક કાર્યવાહી ન કરાઈ? હાઈકોર્ટે આરએમસી કમિશનર પાસે એક વર્ષમાં કરેલી કામગીરીનો હિસાબ માગ્યો.

આરએમસી કમિશનરની શું જવાબદારી છે તે અંગે પણ સવાલો કર્યા. હાઈકોર્ટે કહ્યું કે, અન્ય અધિકારીની જેમ કમિશનરને કેમ સસ્પેન્ડ ન કરાય? શું સરકાર દ્વારા મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે? શું સરકાર આવી બીજી અગ્નિકાંડની રાહ જોઈ રહી છે ત્યારબાદ અધિકારીઓ સામે પગલા લેવાશે.’

નોંધનીય છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને આજે દસ દિવસ પૂરા થયા છે.ત્યારે વકીલ એસોસિએશને કહ્યું કે ઘટના બને ત્યારે કાર્યવાહી કરવી, એ રૂટિન પ્રક્રિયા બની ગઈ છે. ૧૦ દિવસમાં સીટને રિપોર્ટ આપવા કહ્યું હતું, હવે સમય માંગે છે. ત્યાં સુધીમાં પુરાવા નાશ થઈ જાય. વકીલ એસોસીએશને માંગ કરી કે અધિકારીને સસ્પેન્ડ કરવા જ જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.