રાજકુમાર રાવે ફરી પોતાની જાતને સાબિત કરી બતાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/06/Rajkumar-Rao-1024x538.jpg)
મુંબઈ, રાજકુમાર રાવે ૨૦૨૪ની શરૂઆતમાં બોક્સ ઓફિસ પર જાણે રાજ કર્યું છે. તેની એક પછી એક સફળ ફિલ્મો રિલીઝ થઈ છે, જેમાં ‘શ્રીકાંથ’ અને ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ બંને ફિલ્મો છે.
બંને ફિલ્મો બહુ ટૂંકા સમયગાળામાં રિલીઝ થઈ છે, છતાં બંનેના અલગ વિષય અને બંનેમાં રાજકુમારના અભિભૂત કરનારા અભિનયથી દર્શકોને આકર્ષવામાં તે સફળ રહ્યો છે.આ બંને ફિલ્મોની સફળતાએ તેને બોલિવૂડમાં એક કમાણી કરવા માટે પણ સક્ષમ કલાકારની યાદીમાં મુકી દીધો છે. તાજેતરમાં જ ટી સિરીઝના ભૂષણ કુમારે રાજકુમારના ખુબ વખાણ કર્યા હતા.
તેણે કહ્યું, “૨૦૨૪નું વર્ષ રાજકુમાર રાવનું વર્ષ છે, તે કેવો કલાકાર છે તે તો તેની સફળતા જ કહી દે છે. તે માત્ર કોઈ પણ પાત્ર જ ભજવવામાં નહીં પણ ફિલ્મ મેકિંગના બિઝનેસને સમજવામાં પણ સફળ રહ્યો છે. તેના જેવો કલાકાર મળવો મુશ્કેલ છે જે ફિલ્મની આર્થિક બાબતો અંગે પણ બહુ સજાગ રહે છે, તેથી તે પ્રોડ્યુસર્સની પણ પસંદ છે.”
ભુષણ કુમારે આગળ કહ્યું, “તેની પોતાની સર્જનાત્મક દૃષ્ટિકોણને સંતોષવાની ક્ષમતા અને દર્શકોને થિએટર સુધી ખેંચી લાવવાની આવડતના કારણે જ તે બોક્સ ઓફિસ પર પણ સફળ રહ્યો છે. તેના માટે માત્ર સ્ક્રિપ્ટ જ મહત્વ ધરાવે છે.
બાકીની કોઈ બાબત તેની પ્રાથમિકતામાં આવતી જ નથી. એ જે પણ પાત્ર ભજવે છે તેમાં તેની કલા માટેની ગંભીરતા અને પ્રેમ છલકાય છે. તે એક કલાકાર તરીકે બિલકુલ વિશ્વાસપાત્ર કલાકાર છે.”
આટલા વર્ષોમાં રાજકુમાર રાવે કમર્શીયલ અપીલ અને ક્વોલિટી કન્ટેન્ટના મિશ્રણવાળી ફિલ્મોથી લોકોને હસાવ્યા પણ છે અને રડાવ્યા પણ છે, તેનાથી આજે તે ટોચ પર પહોંચ્યો છે. આ વર્ષે તેની હજુ બે ફિલ્મો આવે છે, ‘સ્ત્રી ૨’ અને ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’.SS1MS