નવરાત્રી દરમ્યાન આ મંદિરમાં થાય છે ત્રણ વખત આરતીઃ 4 રાજ્યોમાંથી આવે છે લોકો

નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં ભક્તો બાધા આખડી પૂરી કરવા માઁ ના દરબારમાં દર્શનાર્થે ઉમટી પડે છે
રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજના જન્મથી લઈને માઁ હરસિદ્ધિ પ્રસન્ન થયા બાદ રજવાડી નગરીમાં માતાજીના સ્થાનકની સ્થાપનાથી શરૂ થયેલી પરંપરાનો ઐતિહાસિક વારસો આજે પણ યથાવત
માઁ હરિસિદ્ધિને કદાચ રાજપીપળા વધારે પસંદ હતું અને એટલે જ તેઓ અહીં રોકાઈ ગયા હતા, જ્યાં તેમનું મંદિર બન્યું છે : રાજવી પરિવારના શ્રીમતી રૂકમણીદેવી ગોહિલ
ઇ.સ.૧૬૬૦ માં વેરીશાલજી મહારાજે રાજપીપલામાં માઁ હરિસિદ્ધિના મંદિરની સ્થાપના કરી હતી : એક વર્ષ પૂર્વે મંદિર પરિસરમાં વેરીશાલજી મહારાજની પ્રતિમાનું પણ થયું હતું અનાવરણ
વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ મંદિર પરિસરની બહાર યોજાતા ભાતીગળ મેળામાં ચાર રાજ્યના લાખો લોકો બને છે સહભાગી
સામાન્ય રીતે મંદિરોમાં આરતી બે વખત થાય છે, પરંતુ માઁ હરસિદ્ધિના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે, જેનો અનોખો મહિમા રહેલો છે : મંદિરના ટ્રષ્ટી શ્રી ભાસ્કરભાઈ સોની
(આલેખન : દિલીપભાઈ વસાવા) રાજપીપલા, ભારત વર્ષના પ્રથમ ગૃહમંત્રી અને નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત થયા બાદ વિશ્વ કક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે નર્મદાને પ્રસિદ્ધી અપાવનાર સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા બાદ દેશના રજવાડાઓને એક કર્યા,
ત્યારે ભારતમાં રાજાશાહીનો અંત આવ્યો અને લોકશાહીનો ઉદય થયો હતો પણ રાજાશાહી વખતના ભારતનો ઇતિહાસ જેમ જેમ જાણીએ તેમ તેમ તેમાં વધુ ઊંડા ઉતરવાનું જરૂર મન થાય છે. એવો જ કંઈક અલગ ઇતિહાસ નર્મદા જિલ્લાની રજવાડી નગરી રાજપીપલાનો પણ રહેલો છે.
કુદરતી વનસંપદાઓથી આચ્છાદિત નર્મદાને ગુજરાતનું મિની કાશ્મીર પણ કહેવાય છે. ત્યારે વાત કરવી છે રાજપીપલાના ઐતિહાસિક વારસાની. હિન્દુ દેવસ્થાન સિમતિ દ્વારા સંચાલિત માઁ હરિસિદ્ધિ મંદિર ટ્રસ્ટના સંચાલકો પાસેથી મળતી માહિતી મુજબ ઇ.સ. ૧૬૬૦ માં રાજપીપલાના રાજા વેરીશાલજી મહારાજ છેક ઉજ્જૈન(મધ્યપ્રદેશ)થી પોતાના કુળદેવી માઁ હરિસિદ્ધિને પ્રસન્ન કરીને પોતાની સાથે રાજપીપલા લઈને આવ્યા હતા.
રાજપીપલાની ગાદી પર ઇ.સ.૧૬૦૫ ની આસપાસ ગોહિલ વંશના ૨૫ માં ગાદીવારસ તરીકે છત્રસાલજી મહારાજ ગાદી પર બિરાજ્યા હતા. તેમના રાણી હતા નંદકુવરબા. રાજા-રાણી ખૂબ ધાર્મિક હતા. પોતાના કુળદેવી માઁ હરિસિદ્ધિના તેઓ પરમ ઉપાસક હતા. ઇ.સ. ૧૬૩૦ માં તેમને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો.
દરમિયાન રાજ જ્યોતિષીએ રાજા-રાણીને કહ્યું હતું કે, આ પુત્ર આખા કુળનું નામ રોશન કરશે. તેમના ફોઈએ નામ રાખ્યું વેરીશાલજી. યુવાન રાજકુંવર વેરીશાલજી તેમના માતા નંદકુવરબા સાથે ૧૨ વર્ષની વય હતી ત્યારે ઉજ્જૈન સ્થિત તેમના કુળદેવી માઁ હરિસિદ્ધિના દર્શને જતા હતા.
એક દિવસ તેમણે માતા નંદકુવરબાને સવાલ કર્યો કે, કુળદેવી માઁ હરિસિદ્ધિ અહીંયા કેવી રીતે આવ્યાં. તેમને અહીં કોણ લાવ્યું તો માતાએ જવાબ આપ્યો કે માઁ હરિસિદ્ધિ વિક્રમરાજાની માંગણીથી “કોયલા” ડુંગર (ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું સ્થાન)થી અહીં પધાર્યા છે.
માતાનો જવાબ સાંભળી યુવાન રાજકુંવર વેરીશાલજી નિર્દોષ ભાવે બોલ્યા કે, માઁ હરિસિદ્ધિ રાજપીપલા ન આવે? તો તેમના માતાએ કહ્યું કે, મનથી ભક્તિ કરીએ તો આવે. ત્યારથી વેરીસાલજીએ મનોમન નક્કી કર્યું કે હું પણ એક દિવસ માઁ હરિસિદ્ધિને રાજપીપલા લાવીશ. વર્ષો સુધી તેમણે માઁ હરિસિદ્ધિનું મનથી ધ્યાન અને પૂજન કર્યું.
ઇ.સ.૧૬૫૨ માં વેરીશાલજી ૨૨ વર્ષના હતા ત્યારે તેમના પિતા રાજા છત્રસિંહજીનું નિધન થયું અને તેઓ રાજપીપલાની ગાદી પર બિરાજ્યા. તેઓ પોતાના સમય અનુસાર ઉજ્જૈન ખાતે કુળદેવી માઁ હરિસિદ્ધિના દર્શને જતા હતા. ઇ.સ. ૧૬૫૭ માં નવરાત્રીના આઠમને મંગળવારના દિવસે એમેને માઁ હરિસિદ્ધિ સપનામાં આવ્યા અને કહ્યું કે હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું.
તારી ઈચ્છા મુજબ હું તારી સાથે રાજપીપલા આવીશ. પણ મારી શરત એટલી કે હું તારી પાછળ અવીશ પણ તારે પાછળ નજર નહીં કરવાની. તું જે જગ્યાએ શરત ચુક્યો તે જગ્યાએ હું ઉભી રહી જઈશ. ત્યાંથી એક પણ ડગલું આગળ નહિં વધું.
ઇ.સ.૧૬૬૦ રાજા વેરીશાલજી ઉજ્જૈન જવા નીકળ્યા, તેઓ ત્રણ દિવસે ઉજ્જૈન પહોંચ્યા હતા. ઉજ્જૈન પહોંચીને તેમણે માઁ હરસિદ્ધિની પૂજા અર્ચના કરી હતી. રાજા વેરીશાલજીનો એક નિયમ હતો કે, પૂજામાં બેસે પછી કંઈજ બોલવું નહીં. માઁ હરિસિદ્ધિએ તેમની કસોટી કરી, માઁ હરિસિદ્ધિની માયાજાળને લીધે તેઓ કંકુ લેવાનું ભૂલી ગયા.
પૂજા કરતી વખતે તેમણે જોયું તો થાળીમાં કંકુ હતું જ નહીં, ઘડીભરનો વિચાર કર્યા વગર તેમણે પોતાની પાસે રહેલી કટાર ખોલી અને પોતાની જ ટચલી આંગળી પર ફેરવીને પોતાના રૂધીરથી માતાજીને તિલક કર્યો હતો. આ જોઈ માતાજી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું તો રાજાએ વરદાનમાં માંગ્યું કે તમે મને જે સ્વપ્નમાં કહ્યું હતું તે મુજબ રાજપીપલા પધારો.
કારણ કે હવે ઉંમર વધુ થવાના કારણે હું પૂનમે દર્શન કરવા ઉજ્જૈન સુધી આવી શકું તેમ નથી. આપ રાજપીપલા આવો તો કાયમ માટે દર્શન કરવાની મને તક મળે. અને માતાજીએ રાજપીપલા આવવાની તૈયારી દર્શાવી હતી.
રાજા વેરીશાલજી પોતાના ઘોડા સાથે તેજ ગતિએ રાજપીપલા આવવા નિકળ્યા અને તેમની પાછળ માઁ હરિસિદ્ધિ આવી રહ્યાં હતાં. રાજપીપલા પહોંચ્યા તો રાજાને શંકા ગઈ કે માતાજીએ મને ભ્રમિત તો નથી કર્યો ને. અને તેમણે પાછળ નજર કરી તો માઁ હરિસિદ્ધિ બાલિકા સ્વરૂપે વાઘ પર આવી રહ્યાં હતાં.
રાજાને માતાજીએ આપેલી શરત ચૂક્યા એટલે માતાજી ત્યાં જ થોભી ગયા અને તે દિવસ હતો આસો સુદ આઠમ. રાજપીપલામાં આ જ તિથિએ ઈ.સ.૧૬૬૦ માં રાજા વેરીશાલજી મહારાજે માઁ હરિસિદ્ધિનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. જેથી નવરાત્રી દરમિયાન અહીં આઠમનું ખૂબજ મહત્વ રહેલું છે.
માઁ હરસિદ્ધિના મંદિર પરિસરમાં વીર વેતાળ અને મહાબળેશ્વર મહાદેવનું સ્થાન પણ બનાવાયું હતું. રાજપીપલાના માઁ હરિસિદ્ધિના આ મંદિરે હાલમાં પણ લોકો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી લાખો ભાવિકો દર્શનાર્થે આવે છે. અહીં તેમની મનોકામના પૂર્ણ પણ થાય છે.
તે વખતના રાજવી પરિવાર દ્વારા આસો સુદ નૌમના દિવસે મંદિર પરિસરમાં નવચંડી યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવતું હતું. જે પરંપરા આજે પણ ચાલી આવે છે. પ્રતિ વર્ષ રાજવી પરિવારના મોભી શ્રી રઘુવિરસિંહજી ગોહિલ આ યજ્ઞમાં હાજરી આપે છે. સાથોસાથ આ સ્થાનક પર વર્ષોથી યોજાતા ભાતીગળ મેળામાં લોકો મ્હાલવા પણ આવે છે.
રાજપીપલાના ઐતિહાસિક વારસા અને માઁ હરસિદ્ધિના મંદિર પરિસરમાં ચાલી આવતી નવરાત્રિની પરંપરા વિશે વાત કરતા રાજવી પરિવારના શ્રીમતી રૂકમણીદેવી ગોહિલે જણાવ્યું હતું કે, માતાજીનું મૂળ મંદિર ઉજ્જૈનમાં છે ત્યાંથી અહીંયા વેરીશાલજી મહારાજ માતાજીને લાવ્યા હતા.
વેરીશાલજી મહારાજની પ્રતિમાનું ગયા વર્ષે જ મંદિર પરિસરમાં અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. રાજપીપલાનું મંદિર વેરીશાલજી મહારાજે બંધાવ્યું હતું, કદાચ રાજપીપળા માતાજીને વધારે પસંદ હતું એટલે તેઓ અહીં રોકાઈ ગયા હતા અને ત્યારથી આ મંદિર અહીં આવેલું છે.
વેરીશાલજી મહારાજથી લઈને અંદાજે ૪૨૧ વર્ષ થયા ત્યારથી સતત મંદિરમાં રાજવી પરિવાર દ્વારા પૂજા કરવામાં આવે છે. નૌમનો હવન પણ થાય છે. હવે અહીંયાના યુવક મંડળ(રાજપૂત સમાજ) દ્વારા નવરાત્રિમાં છઠના દિવસે તલવાર આરતી પણ કરવામાં આવે છે.
તે પહેલાં રાજવંત પેલેસ ખાતેથી રાજવી પરિવારની આગેવાનીમાં રાજપૂત સમાજ દ્વારા તલવાર રેલી યોજી મંદિર સુધી લઈ જવામાં આવે છે. માઁ હરસિદ્ધિનું અનેરૂં મહત્વ છે અને બહુ જ ચમત્કારી માતાજી છે, એટલે જ આપણે જે પણ ઈચ્છા રાખી હોય તે ભક્તો તેમની સમક્ષ લઈને જાય તો તે માતાજી અવશ્ય પૂરી કરે છે.
હિન્દુ દેવસ્થાન ટ્રસ્ટ રાજપીપલાના ટ્રસ્ટી શ્રી ભાસ્કરભાઈ સોનીએ મંદિરના મહાત્મય અને ભાતીગળ મેળાની પરંપરા અંગે જણાવ્યું હતું કે, રજવાડી અને ઐતિહાસિક નગરી રાજપીપલામાં બિરાજમાન માઁ હરસિધ્ધિના શક્તિપીઠનું એક વિશેષ આકર્ષણ રહેલું છે. લાખોની સંખ્યામાં ભક્તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાંથી નવરાત્રીના નવ દિવસ માટે બાધા આખડી પૂરી કરવા અને પોતાની માનતા પરિપૂર્ણ કરવા માઁના દરબારમાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, માઁ હરસિદ્ધિના ઈતિહાસની વાત કરીએ તો આજથી આશરે ૪૨૧ વર્ષ પહેલાં નવરાત્રીની અષ્ટમીના દિવસે માઁ હરસિદ્ધિ રાજપીપળા નગરીમાં પધાર્યા હતા. આપણે જેના દર્શન કરીએ છીએ તે માઁ હરસિદ્ધિ આ જગ્યાએ સ્થાયી થયા.
કાળક્રમે રાજગાદી જુનારાજથી રાજપીપળા આવી જે નાંદોદ તરીકે ઓળખાતું હતું. આજે રાજપીપલા તરીકે ઓળખાય છે. વર્ષ ૧૯૩૫ માં મહારાજા વિજયસિંહજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ત્યારપછી વખતો વખત મંદિરનો વિકાસ થયો. હાલમાં આ મંદિરનો વહિવટ હિન્દુ દેવસ્થાન કમિટી – રાજપીપલા દ્વારા થઈ રહ્યો છે.
મંદિરના મહાત્મ્ય વિશે વાત કરતા ટ્રસ્ટીશ્રી ભાસ્કરભાઈ જણાવે છે કે, દરેક મંદિરમાં આરતી સવારે અને સાંજે એમ બે વખત કરવામાં આવે છે. પરંતુ માઁ હરસિદ્ધિના મંદિરમાં ત્રણ વખત આરતી થાય છે. સવારે, સાંજે અને રાત્રે ૧૨=૦૦ કલાકે આરતી થાય છે, જેનો અનોખો મહિમા રહેલો છે.
એક વિશિષ્ટ પરંપરા રાજવી પરિવાર સાથેની છે, તેમના કુળદેવી છે એટલા માટે રાજવી પરિવાર વારંવાર આ મંદિરોના દર્શન-મુલાકાત પણ લે છે. નૌમના નવચંડી યજ્ઞામાં રાજવી પરિવાર દ્વારા આયોજન કરવા સાથે વિજયા દશમીના દિવસે પરંપરાગત રીતે રાજવી પરિવાર દ્વારા શસ્ત્રપૂજા પણ કરવામાં આવે છે.
મંદિરમાં દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રતિ વર્ષ રાજપીપલાના જ એક ભક્ત દ્વારા નવરાત્રીમાં આઠમના દિવસે ભક્તો માટે ફરાળી નાસ્તાની સુવિધા કરવામાં આવે છે, આ વર્ષે ૧૮૦૦ કિલો જેટલા નાસ્તાની આઠમના દિવસે વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંદિર પરિસરની બહાર યોજાયા ભાતીગળ મેળા વિશે તેઓએ જણાવ્યું કે, હાલમાં મેળામાં દરરોજ જુદા જુદા વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં આવે છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો પણ આવે છે. આ મેળામાં કોઈને તકલીફ ઊભી ન થાય તે માટે સરકારશ્રીની મેડિકલ ટીમ પણ હાજર રાખવામાં આવે છે.
મંદિર પરિસરમાં ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આ નવરાત્રિના ગરબાનો લાભ લે છે. રાજપીપળા હરસિદ્ધિ મંદિર પરિસરના ગરબાનો લાભ લેવો એ જીવનનો આનંદ બની જાય તેવું છે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ મનોરંજનના જુદા જુદા પ્રકારના ચકડોળ તેમજ દુકાનો માટે સ્ટોલ ઊભા કરવામાં આવે છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મેળાના આયોજનમાં ખૂબ સારો સહયોગ આપવામાં આવે છે. તો રાજપીપલા નગરપાલિકા તરફથી રસ્તાઓ સુંદર બનાવીને સફાઈ, દવા-પાણીના છંટકાવની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.