રાજુ શ્રીવાસ્તવની દીકરીને ૧૨ વર્ષની ઉંમરે મળી ચૂક્યો છે વીરતા પુસ્કાર
મુંબઈ, મશહૂર હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે બુધવારના રોજ ૫૮ વર્ષની વયે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૧૦ ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ છેલ્લા ૪૦થી પણ વધારે દિવસથી રાજુ શ્રીવાસ્તવની તબિયત ખરાબ ચાલી રહી હતી.
રાજુ શ્રીવાસ્તવના નિધનથી પરિવાર આઘાતમાં છે, તો ફેન્સ પણ ભીની આંખોએ તેમને અંતિમ વિદાય આપી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને સંતાનમાં બે બાળકો છે- અંતરા અને આયુષ્યમાન. રાજુ શ્રીવાસ્તવની જેમ તેમના બાળકોમાં પણ ટેલેન્ટ છલોછલ ભરાયેલું છે, અને તેમાં પણ ખાસ કરીને અંતરા શ્રીવાસ્તવ મલ્ટી ટેલેન્ટેડ છે.
જાણો રાજુ શ્રીવાસ્તવની દીકરી અંતરા શ્રીવાસ્તવ વિશે. અંતરાનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૯૪માં લખનૌમાં થયો હતો. તેની પાસે માસ મીડિયાની બેચલર્સ ડિગ્રી છે. પિતા રાજુ શ્રીવાસ્તવની જેમ તેમની દીકરી અંતરા કોઈ કોમિડિયન તો નથી, પણ તે ફિલ્મ અને ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. અંતરા એક ડાયરેક્ટર છે, અને તેણે ઘણી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.
આ ઉપરાંત અંતરાએ શ્રેયલ તલપડે સ્ટારર શોર્ટ ફિલ્મ ‘સ્પીડ ડાયલ’, લવ બર્ડ્સ સહિતની ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી છે. આ ઉપરાંત ફુલ્લુ, પલટન જેવી કેટલીક ફિલ્મોમાં તેણે આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે. ૨૦૧૩માં તે ફ્લાઈંગ ફિલ્મ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરતી હતી.
અદમ્ય સાહસનો પરચો દેખાડવા બદલ અંતરાને ૧૨ વર્ષની વયે રાષ્ટ્રપતિના હસ્તે વીરતા પુરસ્કાર મળી ચૂક્યો છે. વર્ષ ૨૦૦૫માં રાજુ શ્રીવાસ્તવના અંધેરી સ્થિત ઘરમાં હથિયારબંધ લૂંટારા લૂંટના ઈરાદે ઘૂસી આવ્યા હતા.
આ સમયે અંતરા પોતાની માતા સાથે ઘરમાં એકલા હતા. હથિયારબંધ લૂંટારા ઘૂસતાં જ અંતરા માતાને લઈને બેડરૂમમાં દોડી ગઈ હતી. અને તરત જ તેણે પોતાના પિતા રાજુ શ્રીવાસ્તવ અને પોલીસને ફોન કરી દીધો હતો. એટલું જ નહીં, પણ રૂમની બારીમાંથી મદદ માટે બૂમો પાડવા લાગી હતી.
જેને કારણે ગભરાઈને ચોરો ઘર છોડીને ભાગી ગયા હતા. જે બાદ ૨૦૦૬માં પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે તેને વીરતા પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. અતરા શ્રીવાસ્તવના નાના ભાઈ આયુષ્યમાન એક સિતાર વાદક છે. તે અનેક શોમાં પણ ભાગ લઈ ચૂક્યો છે. અંતરા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહે છે. તે ૨૦૧૮માં કે.કે.મેનનની ફિલ્મ “વોડકા ડાયરીઝ”માં કાવ્યાના રોલમાં જાેવા મળી હતી. અંતરાને સ્કેચિંગ કરવાનો પણ શોખ છે અને તે ખુબ સારા સ્કેચ બનાવે છે.SS1MS