Western Times News

Gujarati News

કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન

શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. તે સમયે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળ્યું તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પાટો બાંધ્યો આ જોઇને પ્રભુએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા. તે દિવસે શ્રાવણમાસની પૂર્ણિમા હતી.

શ્રાવણ પૂર્ણિમાના દિવસે બહેનો પોતાના ભાઇને રાખડી બાંધી તેનું સર્વ પ્રકારથી રક્ષણ થાય તેવું ઇચ્છે છે.શુધ્ધ ભાવે,ખરા અંતઃકરણપૂર્વક કોઇના કલ્યાણ માટે કરાયેલી પ્રાર્થના નિષ્ફળ જતી નથી. રક્ષાબંધન સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી એવો સંદેશ આપનાર પવિત્ર તહેવારને કુટુંબ-જાતિ કે ધર્મ પૂરતો મર્યાદિત ન બનાવતાં તમામની મંગલકામના અને વિશ્વકલ્યાણનો તહેવાર બનાવવો જોઈએ.

કોઈની રક્ષા કરવા બંધનમાં બંધાવું એટલે રક્ષાબંધન.ભાઇના જીવનવિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને શુભેચ્છાનું પ્રતિક,અંતરથી અપાયેલા આશીર્વાદનું કવચ, હેતભરી શુભ ભાવનાનું, ભગવાનને સાચા દિલથી કરેલી પ્રાર્થના વડે બનેલ સૂક્ષ્મ રક્ષણ એટલે રક્ષાબંધન. રાખડીનાં તાંતણામાં ભાઇ-બહેનનાં હૃદયનો પ્રેમ નીતરતો હોય છે.રાખડી એ ફક્ત સૂતરનો દોરો નથી પરંતુ શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે.

પોતાનો ભાઇ એની અંદરનાં શત્રુઓ કામ ક્રોધ લોભ મોહ વગેરે ઉપર પણ વિજય મેળવે એવી આશા રાખે છે.રાખડી બાંધતી વખતે બહેન ભગવાનને જે પ્રાર્થના કરે તે પ્રાર્થનાના કવચથી ભાઇની રક્ષા થતી હોય છે.

પૌરાણિક કથા અનુસાર કુંતામાતાએ અભિમન્યુને રાખડી બાંધી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો હતો. બહાદુરશાહે ચિત્તોડ પર ચઢાઇ કરી ત્યારે ચિત્તોડના મહારાજાની વિધવા રાણી કર્ણાવતીએ દિલ્હીના સુલતાન હુમાયુને ચિઠ્ઠી તથા એક રાખડી મોકલી મદદ કરવાની માગણી કરી હતી. હુમાયુએ પોતાનું સૈન્ય ચિત્તોડ મોકલ્યું પરંતુ દિલ્હીથી ચિત્તોડ દૂર હોવાથી બહાદુર શાહે ચિત્તોડનો કિલ્લા ઉપર જીત મેળવી અને રાણી કર્ણાવતીને બંદી બનાવવા કિલ્લામાં પ્રવેશ કર્યો.

રાણી કર્ણાવતીએ બહાદુરશાહના હાથમાં આવીને અપમાનિત થવાને બદલે તમામ સ્ત્રીઓ સહિત સતી થવાનું પસંદ કર્યું. થોડા દિવસો બાદ હુમાયુ ચિત્તોડ પહોંચ્યો અને બહાદુરશાહને લડાઇમાં હાર આપીને ચિત્તોડ પર ફરી રાણાઓનું રાજ સ્થાપ્યું.રાણીના પુત્ર વિક્રમસિંહને ગાદી ઉપર બેસાડ્યા બાદ જ હુમાયુએ ચિત્તોડ છોડ્યું હતું.

બલીરાજાને ભગવાન વિષ્ણુએ વરદાન આપ્યું હતું કે પોતે તેનાં રાજ્યની રક્ષા કરશે. વરદાન અનુસાર પ્રભુ વૈકુંઠ છોડીને બલિરાજા સાથે તેનાં રાજ્યની રક્ષા માટે પાતાળમાં જવું પડ્યું.બીજી બાજું લક્ષ્મીમાતા વૈકુંઠમાં એકલાં પડી ગયાં.પ્રભુને વૈકુંઠમાં પરત કેવી રીતે લાવવા? આ પ્રશ્ન ઊભો થયો.

નારદે લક્ષ્મી માતાને એક ઉપાય બતાવ્યો તે અનુસાર શ્રાવણી પૂનમના દિવસે ર્માં લક્ષ્મી બલિના ઘરે જાય છે અને બલિરાજાને રાખડી બાંધે છે.બહેન જ્યારે રાખડી બાંધે ત્યારે ભાઇ પાસે જે કંઇ માગે તે આપવું જોઈએ એટલે બલીએ કહ્યું કે બહેન જે ઇચ્છા હોય તે માગો.લક્ષ્મીમાતાએ ભગવાન વિષ્ણુને તેમના વરદાનથી મુક્ત કરવા માંગણી કરી.આમ વૈકુંઠમાં ફરીવાર નારાયણ અને લક્ષ્મીનો મેળાપ થયો.

રક્ષાબંધનને બળેવ અથવા નાળિયેરી પૂનમ તરીકે પણ ઉજવવામાં આવે છે, સંત સમાજ જનોઈ બદલાવે છે. આ દિવસે ભારતના સાગરખેડુઓ માછીમારી કરવા દરિયો ખેડે છે. નાળિયેર અર્પણ કરીને તેઓ દરિયાદેવ પાસે પોતાની ખેપ સફળ થાય અને ખૂબ માછલીઓ પકડાય અને કોઈ વેપારી વહાણ હોય તો એનો માલસામાન સહી સલામત યોગ્ય સ્થળે પહોંચી જાય અને પરત ફરતી વખતે વહાણ ભરેલું જ આવે તેવી પ્રાર્થના કરે છે.

જ્યારે શિશુપાલ કૌરવસભામાં ભગવાન કૃષ્ણને ગાળો બોલવા લાગ્યો ત્યારે પોતાનાં ફોઈને આપેલા વરદાન પ્રમાણે તેની ૧૦૦ ભૂલોની ક્ષમા કરી. જેવો ૧૦૧મો અપશબ્દ નીક્ળ્યો કે તરત સુદર્શન ચક્રથી શિશુપાલનું મસ્તક કાપી નાખ્યું. તે સમયે ભગવાનની આંગળીમાંથી લોહી નીકળ્યું તે સમયે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને ભગવાનની આંગળી પર પાટો બાંધ્યો આ જોઇને પ્રભુએ દ્રૌપદીને આશીર્વાદ આપ્યા.તે દિવસે શ્રાવણમાસની પૂર્ણિમા હતી.

જ્યારે હસ્તિનાપુરની રાજ્યસભામાં દુશાસન દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરતો હતો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ૯૯૯ ચીર પૂરીને દ્રોપદીની લૂંટાતી આબરૂ બચાવી હતી.આ રીતે રાખડી બાંધનાર બહેનની આબરૂ-શીલની રક્ષા કરવી તે દરેક ભાઇનું પરમ કર્તવ્ય બને છે. આ દિવસે બલરામ જયંતી પણ ઉજવવામાં આવે છે.ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઇ બલરામનો જન્મ પણ શ્રાવણી પૂનમનાં દિવસે થયો હતો.

રક્ષાબંધનનો આધ્યાત્મિક અર્થ છે પવિત્ર બનવું. નાશવંત શરીરમાં ચૈતન્ય આત્મા છે જે અજર અમર અવિનાશી છે. જેનો કોઈ નાશ કરી શકતું નથી તો શરીરની રક્ષાનું આટલું મહત્વ કેમ? આપણને મળેલ સમયનો સદુપયોગ કરી મનને વિકારોથી દૂર રાખવાના છે. બહેન ભાઈના કપાળ ઉપર જ્યાં આજ્ઞાચક્ર છે ત્યાં તિલક કરે છે કેમકે સમગ્ર પ્રવૃત્તિનું સંચાલન મગજ દ્વારા થાય છે તેથી જો મગજમાં સારા વિચારો આવશે તો સદપ્રવૃત્તિ થશે.મીઠાઈ ખવડાવી મોં મીઠું કરાવવાનો અર્થ છે મધુર વાણી બોલો,દ્વેષભાવ ન રાખો.

સ્ત્રીનો આદર સત્કાર થાય તો જ સંસ્કૃતિનું રક્ષણ થશે.વર્તમાન સમયમાં નિર્દોષ યુવતીઓ પર શારીરિક છેડછાડ,બળાત્કાર અને અપહરણ જેવી ઘટનાઓ બને છે તેથી દરેક પુરૂષનું કર્તવ્ય છે કે દરેક સ્ત્રીનું રક્ષણ કરે.રક્ષાબંધન સ્ત્રીના સન્માનનું પર્વ છે.દરેક સ્ત્રીઓને પોતાની બહેન માનીને તેનું રક્ષણ કરવું જોઇએ. આલેખનઃ વિનોદભાઇ માછી નિરંકારી નવીવાડી,તા.શહેરા,જી.પંચમહાલ ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.