ચાર વર્ષે સોલો રિલીઝના કારણે રામ ચરણને એકલતાનો અનુભવ
મુંબઈ, કિઆરા અડવાણી અને રામ ચરણની ‘ગેમ ચેન્જર’ની રિલીઝ પૂર્વે ફિલ્મની ટીમ દ્વારા દેશના વિવિધ શહેરોમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મુંબઇ ખાતે યોજાએલી કોન્ફરન્સમાં રામ ચરણ, એસજે સૂર્યા, દિલ રાજુ અને અનિલ થડાની હાજર રહ્યાં હતાં.
કિઆરા અડવાણીને ડોક્ટર દ્વારા આરામ કરવાની સલાહ આપવામાં આવી હોવાથી તે આ કોન્ફરન્સમાં હાજર રહી શકી નહોતી. આ ઇવેન્ટ દરમિયાન રામ ચરણે કહ્યું કે આ વખતે તેને બહુ એકલું લાગે છે કારણ કે આ વખતે ચાર વર્ષ પછી તેની એકની જ ફિલ્મ રિલીઝ થઈ રહી હોય તેવું બન્યું છે.
આ ઇવેન્ટ દરમિયાન રામ ચરણે કહ્યું,“પહેલી વખત, હાલ મને બહુ એકલું લાગે છે, પરંતુ સાથે મને ઘણો આવકાર પણ મળી રહ્યો છે, કારણ કે તમે બધાં અહીં હાજર છો. ખબર નહીં, મારે પણ જલ્દી-જલ્દી ફિલ્મો કરવી છે, પણ ખબર નહીં કેમ આટલી વાર લાગે છે.”
આ ફિલ્મમાં ડિરેક્ટર શંકર સાથે કામ કરવાના અનુભવ અંગે તેણે કહ્યું કે તે આરઆરનું છેલ્લું શૂટ કરી રહ્યો હતો ત્યારે તેને શંકરનો કોલ આવ્યો હતો જે તેના માટે સપનું સાકાર થવા જેવી બાબત હતી. કારણ કે તે શંકરની ફિલ્મો જોઈને મોટો થયો છે. તેઓ કમર્શીયલ અને ભવ્ય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે.
“તેમણે જ અમને બધાને પૅન-ઇન્ડિયા ફિલ્મની વ્યાખ્યા શીખવી છે. એ આપણા પ્રથમ પૅન ઇન્ડિયા ડિરેક્ટર છે.” રામ ચરણે એવું પણ કહ્યું કે તે નસીબદાર છે કે તેને રાજામૌલી અને શંકર જેવા ડિરેક્ટર સાથે કામ કરવાની તક મળે છે. આ ફિલ્મની સ્ટોરી કાર્તિક સુબ્બારાજે લખી છે, જ્યારે સંગીત થામને આપ્યું છે.
શંકરની ગેમ ચેન્જર ૧૦ જાન્યુઆરીએ થિએટરમાં રિલીઝ થશે.‘ગેમ ચેન્જર’ના પ્રમોશન માટે બેંગલુરુ ખાતે ઈવેન્ટ યોજાઈ હતી, જેમાં પવન કલ્યાણ અને ચિરંજીવી સહિત ફિલ્મની સમગ્ર ટીમે હાજરી આપી હતી. બેંગલુરુ ખાતે આ ઈવેન્ટમાં મોટી સંખ્યામાં ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
ઈવેન્ટ પૂરી થયા પછી ચાહકો ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે બાઈકસવાર બે ચાહકો માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમને તરત હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ તેમના મોત નીપજ્યા હતા. આ ઘટના અંગે શોક વ્યક્ત કરતાં રામચરણ અને ફિલ્મના પ્રોડ્યુસરે બંને મૃતકોના પરિવારજનોને રૂ.૧૦-૧૦ લાખની સહાય જાહેર કરી હતી.SS1MS