47 એકરમાં રાજકોટમાં બની રહ્યુ છે, રામાયણની થીમ પર ‘રામવન’
શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને વન પ્રવાસ કરાવશે-પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન કરાવવાના પ્રયાસો
રાજકોટ મહાનગરમાં ફરવાના સૌપ્રથમ ગણાતા સ્થળ આજી ડેમ બાજુમાં જ વિશાળ 47 એકર જગ્યામાં અર્બન ફોેરેસ્ટના નિર્માણનો પ્રોજેકટ પૂર્ણ થઇ ગયો છે.
આ યોજનામાં રામવનની થીમ જોડવામાં આવતા 7.68 કરોડના ખર્ચે અર્બન ફોરેસ્ટ અને 1.61 કરોડના ખર્ચે થીમ આધારીત સ્કલ્પચર બનાવવાનું કામ પૂર્ણ થતા મહાનગરના આ વિશાળ અને આકર્ષક પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદઘાટન કરાવવા મહાપાલિકા તંત્ર દ્વારા પ્રયાસો શરૂ કરાયા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રૂબરૂ ઉપસ્થિત રહે અને વડાપ્રધાન વર્ચ્યુઅલ ઉદઘાટન કરે તે માટેના પ્રયાસો સાથે શ્રાવણ માસમાં જ (ઓગસ્ટ)માં લોકોને આ ભેટ મળી જશે. આજી ડેમ ઉપરાંત વિશાળ પ્રદ્યુમન પાર્ક અને હવે રામવન સાથે પૂર્વ ઝોનમાં આકર્ષક નઝરાણુ બનાવાયું છે.
જુદા જુદા 23 સ્કલ્પચરનું કામ કરવામાં આવ્યું છે જેમાં ભવ્ય ગેટ, રામ,લક્ષ્મણ,સીતા,હનુમાનજીની પ્રતિમાઓ, જટાયુ દ્વાર, શબરી, જુદા જુદા મિલાપ પ્રસંગો, ચાખડી, રામરાજય અભિષેક, યોગ કરતા બાળકો વગેરે સ્કલ્પચર જીવંત કરાયા છે. મેયર ડો.પ્રદીપ ડવ આ પ્રોજેકટનું વડાપ્રધાન લોકાર્પણ કરે તેવા પ્રયાસો કરી રહ્યા છે.
શ્રીરામના વનવાસ સહિતના પૂરા જીવન ચરિત્ર પ્રસંગોને જીવંત કરતા સ્કલ્પચર લોકોને વન પ્રવાસ કરાવશે.
3.4 કિ.મી.ના રસ્તા, અઢી કિ.મી.ની કમ્પાઉન્ડ વોલ, બે તળાવ, પાથ-વે, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવીનીકરણ, સોલાર લાઇટ, રામસેતુ, એક બ્રીજ, 6 ગજેબો, પ્લે ગ્રાઉન્ડ, એમ્ફી થીયેટર, રાશીવન, આર્ટ બેંચીંઝ વગેરે આકર્ષણ ફોરેસ્ટમાં ઉભા કરવામાં આવ્યા છે.
શહેરના નાગરિકોને શહેરના ટ્રાફિક તેમજ પ્રદુષણથી દુર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે વોર્ડ નં 15 માં આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં સર્વે નં 237 પૈકી પર નેશનલ હાઈવે થી નજીક શહેરમાં આશરે 47 એકર (19.02 હેક્ટર)
જમીન પર “અર્બન ફોરેસ્ટ” વિકસાવવા માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં શહેરીજનો ને રામવન થીમ આધારિત સ્કલ્પચરો તથા બ્યુટીફીકેશનની કામગીરી પૂર્ણ થઇ છે.
ગત તા. 9-7-20ના રોજ પૂર્વ સ્ટે.ચેરમેન ઉદયભાઇ કાનગડે અર્બન ફોરેસ્ટ કામનો કોન્ટ્રાકટ સ્ટે.કમીટીમાં મંજૂર કર્યો હતો. તે બાદ થોડા સમય પૂર્વે વર્તમાન ચેરમેન પુષ્કર પટેલે સ્કલ્પચર પ્રોજેકટ મંજૂર કર્યો હતો. જેમાં રામવન સામેલ થયું છે. આમ આ યોજના રાજકોટના જોવાલાયક સ્થળોમાં ટોચ પર સ્થાન પામે તેવું હાલ લાગી રહ્યું છે.