રણદીપ હુડા હોલિવૂડ ફિલ્મના શૂટિંગ માટે બુડાપેસ્ટ પહોંચ્યો
મુંબઈ, રણદીપ હુડાની ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’ એક તરફ ૨૦૨૫માં ભારત તરફથી ઓસ્કારની ઓફિશિયલ એન્ટ્રી તરીકે મોકલવામાં આવી છે, બીજી તરફ રણદીપ હવે હોલિવૂડની ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યો છે. જેના માટે તે બુડાપેસ્ટ પહોંચી ગયો છે.
૨૦૨૦માં તેણે હોલિવૂડની ફિલ્મ ‘એક્સ્ટ્રેક્શન’ માટે કામ કર્યું હતું, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. તેના અભિનયના હંમેશા વખાણ થયા છે, કારણ કે તેણે હંમેશા અલગ પ્રકારના રોલ પસંદ કર્યા છે. તેની ફિલ્મ ‘સ્વાતંર્ત્ય વીર સાવરકર’ને ઓડિયન્સે ખૂબ વખાણી હતી.
જોકે, તેની હોલિવૂડની ફિલ્મ અંગે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ત્યારે રણદીપના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર,“રણદીપ આ ફિલ્મ માટે ઘણો ઉત્સાહી છે. હાલ આ તબક્કે ખાસ માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ આ ફિલ્મમાં રણદીપ બિલકુલ નવા અંદાજમાં જોવા મળશે.
આવતા અઠવાડિયે બુડાપેસ્ટમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.”રણદીપે ‘એક્સ્ટ્રેક્શન’માં ક્રિસ હેમ્સવર્થ સાથે કામ કર્યું હતું. તેમાં તેની એક્શન સીક્વન્સ ખાસ વખણાઈ હતી. જ્યારે તેની વીર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ હવે ઓસ્કાર નોમિનેશન માટે ‘કંગુવા’, ‘સંતોષ’, ‘ગર્લ્સ વિલ બી ગર્લ્સ’, ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’, ‘ધ ગોટ લાઇફ’ તેમજ ‘પુતુલ’ સાથે રેસમાં હતી.
આ ઉપરાંત તે સની દેઓલ સાથે ‘જાટ’માં પણ કામ કરે છે, જે એપ્રિલમાં રિલીઝ થવાની છે. ગોપીચંદ માલિનેનીએ આ ફિલ્મ બનાવી છે. રણદીપે ૨૦૦૧માં ‘મોનસૂન વેડિંગ’થી ડેબ્યુ કર્યું હતું.SS1MS