બે ખાનગી કંપની વચ્ચેની લડાઈની કચ્છના પર્યટન વ્યવસાય પર માઠી અસર
“રણોત્સવ તો યોજાવાનો જ છે”, માત્ર ટેન્ટ સિટીના ટેન્ડરને લઈ વિવાદ સર્જાયો-ધંધાદારીઓએ જણાવ્યું હતું કે, “અફવાથી બચીને રહેવું અને રણઉત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ
કચ્છ, સામાન્ય રીતે એક નવેમ્બરથી કચ્છના સફેદ રણમાં રણોત્સવ યોજાતો હોય છે. પરંતુ રણોત્સવમાં ટેન્ટ સિટી ઊભી કરવાના ટેન્ડરમાં વિવાદ સર્જાતાં મામલો રાજ્યની વડી અદાલત સુધી પહોંચ્યો હતો અને ટેન્ડરની ફાળવણી રદ કરવામાં આવતાં અગાઉથી હોટેલ અને ટુર્સ બુકિંગ કરાવનારા કચ્છ બહારના પ્રવાસીઓ હવે એડવાન્સ બુકિંગ રદ કરાવતા થયા હોવાનું ટુર ઓપરેટર અને હોટલ સંચાલકોએ જણાવ્યું છે.
બે ખાનગી કંપની વચ્ચેની લડાઈના કારણે કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર અસર થશે ત્યારે હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા ધંધાદારીઓએ જણાવ્યું હતું કે, “અફવાથી બચીને રહેવું અને રણઉત્સવ તો યોજાશે જ માત્ર ટેન્ટસિટી અંગે વિવાદ ચાલી રહ્યો છે.”
વર્ષ ૨૦૧૧થી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સર્વિસ તેમજ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજન ઠક્કરે જણાવ્યું હતું કે, “રણોત્સવ તો ગુજરાત ટુરિઝમ દ્વારા જે દર વર્ષે યોજાય છે તે રણોત્સવ તો યોજવાનો જ છે. મુખ્ય પ્રશ્ન ટેન્ટ સિટીનું જ છે. પરંતુ પ્રવાસીઓમાં ગેરસમજ ફેલાઈ રહી છે કે રણોત્સવ નહીં યોજાય. જેનું કારણ બે કંપની વચ્ચે ચાલી રહેલા ટેન્ડરની પ્રક્રિયા છે તો ૨૦ થી ૨૨ તારીખ સુધીમાં સ્પષ્ટ થઈ જશે કે ટેન્ટ સિટીની સંચાલન કોણ કરશે.
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અંશુલ વછરાજાનીએ જણાવ્યું હતું કે, “કચ્છના સફેદ રણમાં ટેન્ટ સિટીનું આયોજન કરતી બે ખાનગી કંપની વચ્ચેની લડાઈની માઠી અસર કચ્છના પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા ટૂર્સ-એન્ડ ટ્રાવેલ્સ, હોટેલ, હસ્તકલા સહિતના વ્યવસાય ઉપર થઈ રહી છે. પ્રવાસીઓ દ્વારા જ એડવાન્સ બુકિંગના રદ થતાં ધંધામાં ખોટ થઈ રહી છે.
ટૂર્સ-ટ્રાવેલ્સ એસોસિએશનમાં કચ્છમાં ૫૦ જેટલા ટુર ઓપરેટર સંકળાયેલા છે અને હવેનો તો મોટાભાગે ઓનલાઈન બુકિંગ જ પ્રવાસીઓ કરાવતા હોય છે. ત્યારે ૨૦થી ૨૫ ટકા લોકોએ તો રણોત્સવ નહીં યોજાય તેવી અફવાના કારણે એડવાન્સ બુકિંગ રદ કરી દીધા છે. તો કેટલાક પ્રવાસીઓને હોલ્ડ કરવા માટેના સૂચનો પણ ટુર્સ ઓપરેટર દ્વારા આપવામાં આવ્યા છે. લોકોએ ડિસેમ્બર માસની એર ટિકિટો, રેલવે ટિકિટો હાલમાં જ બુક કરાવી હોય છે ત્યારે રદ કરાવવા તેમજ રણોત્સવ યોજાશે કે નહીં તેના માટે ફોન કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેશ-વિદેશમાં બેઠેલા ૭ થી ૧૧ લાખ પ્રવાસીઓ રણોત્સવ તેમજ કચ્છની અન્ય પ્રયટન સ્થળોએ રજા માણવા કચ્છ આવે છે. ત્યારે અફવાના કારણે જો લોકો અહીં પ્રવાસે નહીં આવે તો ૪૦૦ થી ૫૦૦ કરોડનું નુકસાન થઈ શકે તેમ છે. ત્યારે ટેન્ટ સિટીના ટેન્ડર પ્રક્રિયા નવેસરથી ૧૭મી તારીખે થવાની છે અને ત્યારબાદ ટેન્ટ સિટીનું સંચાલન કોણ કરશે તે સ્પષ્ટ થશે.
એક માત્ર અફવાના કારણે પ્રવાસીઓ તમામ બુકિંગ રદ કરી રહ્યા છે. રણોત્સવ તો પરંપરાગત રીતે યોજાશે ત્યારે પ્રવાસન વિભાગ દ્વારા પણ ખુલાસો કરવામાં આવે તેવી વાત પણ હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ધંધાદારીઓએ કરી હતી.