રક્ષાબંધનના દિવસે માતા પિયર જતાં પુત્રી પર પિતાએ જ કર્યો બળાત્કાર
સગીરાની માતાની ફરિયાદ લઈ પોલીસે પિતા સામે પૉક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે-૧૪ વર્ષીય સગીર પુત્રી પર પિતાએ બળાત્કાર ગુજાર્યો
વીસનગર, વીસનગર તાલુકા પોલીસ મથકમાં ચોંકાવનારો ગુનો નોંધાયો છે, જેમાં એક પિતાએ પોતાની ૧૪ વર્ષની સગીરા સાથે બળાત્કાર કરી તેને ગર્ભવતી બનાવતાં તેણે બાળકનો જન્મ આપ્યો છે. એમાં સગીરાની માતા કામ અર્થે નીકળી હતી અને થોડીવાર પછી એના પતિ બોલાવવા આવ્યા અને કહ્યું, આપણી દીકરીને પેટમાં દુખાવો થાય છે.
આમ, પેટમાં દુખાવો વધતાં બંને જણા એક્ટિવા પર બેસાડી સગીરાને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં ડૉકટરે રિપોર્ટ તેમજ સોનોગ્રાફી કરી સગીરા સાડાસાત મહિનાથી ગર્ભવતી હોવાની વાત જણાવી હતી.
આ વાત સાંભળતાં જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યાં ડૉકટરે સગીર ગર્ભવતીની સારવાર કરી ન હતી. સગીરાની માતા અને પિતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયાં હતાં, જ્યાં તેની નોર્મલ ડિલિવરી કરતાં સગીરાએ નવજાત દીકરાને જન્મ આપ્યો હતો.
આ સમગ્ર મામલે માતાએ દીકરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે આઠેક મહિના પહેલાં હું અને મારાં ભાઈ-બહેન હાજર હતાં. તું મજૂરીકામ અર્થે બહાર ગઈ હતી. એ વખતે હું મારા પપ્પાની બાજુમાં સૂઈ ગઈ હતી. ત્યારે મારા પિતાએ મારી સાથે જબરદસ્તી કરી મારાં કપડાં કાઢી મારી મરજી વિરુદ્ધ મારી સાથે દુષ્કર્મ આચર્યું અને મને કહ્યું હતું કે જાે તું આ વાત તારી મમ્મીને કે બીજા કોઈને કહીશ તો હું તને ઘરમાંથી કાઢી મૂકીશ અને જાનથી મારી નાખીશ.
આ દુષ્કર્મની ઘટના ત્યાં જ થંભતી નથી. આગળ દીકરી તેની માને જણાવતાં કહે છે, મારા પિતા મને અનેકવાર બિવડાવતા હતા, આ વાત કોઈને હું ન કરું એ માટે. ત્યાર બાદ રક્ષાબંધનના દિવસે બીજી વાર જ્યારે તું તારા પિયર ગઈ હતી ત્યારે હું અને ભાઈ-બહેન ઘરે હતાં.
એ વખતે રાત્રિના સમયે બધાં સૂઈ ગયાં હતાં. રાત્રિના સમયે મારા પિતાએ ફરી મારી સાથે જબરદસ્તી કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. દીકરીએ માસિક અનિયમિત આવતું હોવાની જાણ કોઈને કરી ન હતી અને પેટમાં દુખાવો ઊપડતાં હોસ્પિટલમાં લઈ જઈ તપાસ કરતાં સગીરા ગર્ભવતી હોવાનું માલૂમ પડતાં તેણે નવજાત દીકરાને જન્મ આપ્યો હતો,
જેથી માતાએ તેના પતિ સામે વીસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આમ, વીસનગરમાં પિતાની હેવાનિયત સામે આવી છે અને શરમજનક કિસ્સાથી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે સગીરાની માતાની ફરિયાદ લઈ પોલીસે પિતા સામે પૉક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.