વડોદરા પાસે દુષ્કર્મ પીડિતાનો ઝાડ પર ગળે ફાંસો ખાઇ આપઘાત

વડોદરા, વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથકની હદમાં દુષ્કર્મ પીડિતા સગીરાએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની હતી.
દાહોદ જિલ્લાના એક ગામ ખાતે ૨૦૨૩માં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરી ગત ૧૯, ફેબ્રુઆરીના રોજ પીડિતા કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. ત્યાર બાદથી તે ટેન્શનમાં રહેતી હતી. ઘર-પરિવારના સભ્યો જોડે કોઇ ખાસ વાતચીત કરતી ન હતી. ઘટના અંગે મૃતકના પિતાએ વરણામા પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકની હાલની ઉંમર ૧૭ વર્ષ હોવાનો અંદાજ છે. સગીરા પર વર્ષ ૨૦૨૩માં દાહોદના એક ગામે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગે દાહોદ જિલ્લાના કતવારા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. હાલ નામદાર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
દરમિયાન સગીરા ૧૯, ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ કોર્ટમાં જુબાની આપવા ગઇ હતી. જુબાની આપીને પરત આવ્યા બાદથી સગીર પીડિતા ટેન્શનમાં રહેતી હતી. અને તેનો ચહેરો પણ ઉદાસ જણાતો હતો.ત્યારબાદથી તે ઘર-પરિવારના સભ્યો સાથે કોઇ ખાસ વાતચીત પણ કરતી ન હતી અને શાંત જ બેસી રહેતી હતી.
જેથી કોર્ટમાં જવાનું થયું હોવાના કારણે તેના મનમાં કંઇ લાગી આવ્યું હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. તા.૨૫ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સવારે ૭ વાગ્યા પહેલા તેણીએ આંબાના ઝાડ પર પ્લાસ્ટીકની દોરી વડે ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું.
ઘટના અંગે મૃતકના પિતાએ વરણામા પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ તુરંત દોડી આવ્યો હતો. વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ મામલે વરણામાં પોલીસ મથકમાં અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે. જે બાદ મામલાની તપાસ એએસઆઇ સંતોષપ્રસાદ સૂર્યમણીને સોંપવામાં આવી છે.SS1MS