રેપિડોની સેવા 30 દિવસ માટે RTOએ સસ્પેન્ડ કરીઃ નોન ટ્રાન્સપોર્ટનો એગ્રીગેટર તરીકે ઉપયોગ
ઉબેર દ્વારા ઓટો રીક્ષા, ફોર વ્હીલર, તથા ટુ વ્હીલરના દસ્તાવેજોની વેલીડીટી પુરી થયેલી હોવા છતાં એગ્રીગેટરી તરીકે ઉપયોગ કરી પેસેન્જરોની સલામતી સાથે ચેડાં કર્યા છે.
(એજન્સી)અમદાવાદ, રીક્ષાચાલકોની અનેક રજુઆતો બાદ રેપીડો અને ઉબેર સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ આરટીઓ દ્વારા રેપીડોને જોગવાઈના ભંગ બદલ ૩૦ દિવસ સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જયારે ઉબેરને જોગવાઈના ભંગ બદલ ૧પ દિવસમાં ટુવ્હીલર વાહનોના ઉપયોગ બંધ કરવા બાંહેધરી આપવા માટે જણાવાયું છે. જો તમે નહે કરવામાં આવે તો ઉબેરનું થ્રી વ્હીલર અને ફોર વ્હીલર લાઈસન્સ રદ કરવાની કરાશે.
ખાનગી એગ્રીગેટર કંપનીઓના નોન ટ્રાન્સપોર્ટ ટુ વ્હીલર બાબતે એસો.દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી હતી. અમદાવાદ આરટીઓ જે.જે. પટેલ દ્વારા એગ્રીગેટર કંપનીઓ સામે કાર્યવાહીના ઓર્ડર કર્યા હોવાનું જાણવા મળે છે.
રેપીડો અંગે કરવામાં આવેલા ઓર્ડરમાં તારણ સામે આવ્યું હતું કે , રેપીડોને અમદાવાદ આરટીઓ કચેરી દ્વારા ફકત થ્રી વ્હીલર ઓટો રીક્ષા માટેના એગ્રીગેટર લાઈસન્સ ઈશ્યુ કરવામાં આવેલા છે. જેની આડમાં રેપીડો દ્વારા ઓનલાઈન એપના માધ્યમથી નોન ટ્રાન્સપોર્ટને એગ્રીગેટર તરીકે ઉપયોગ કરીને તેમજ એગ્રીગેટર તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા વાહનોના દસ્તાવેજોની વેલીડીટી પુરી થયેલી હોવા છતાં એગ્રીગેટર તરીકે ઉપયોગ કરીને પેસેન્જરની સલામતી સાથે ચેડા કરી જોગવાઈનો ભંગ કરવામાં આવ્યો છે.
આમ જોગવાઈનો ભંગ થતો હોવાથી અમદાવાદ આરટીઓ જે.જે. પટેલ દ્વારા રેપીડોને કચેરી દ્વારા ૧પ માર્ચ, ર૦ર૪ના રોજ ઈશ્યુ કરવામાં આવેલી એગ્રીગેટર લાઈસન્સની જોગવાઈના ભંગ બદલ ૩૦ દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. આ સસ્પેન્શનના સમયગાળા દરમ્યાન રેપીડો દ્વારા કોઈ પણ પ્રકારની એગ્રીગેટરને લગતી કાર્યવાહી કરી શકશે નહી.
જો તેમ કરતા જણાશે તો સસ્પેન્શનનો સમયગાળો લંબાવવામાં આવશે, તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉબેર દ્વારા ઓટો રીક્ષા, ફોર વ્હીલર, તથા ટુ વ્હીલરના દસ્તાવેજોની વેલીડીટી પુરી થયેલી હોવા છતાં એગ્રીગેટરી તરીકે ઉપયોગ કરી પેસેન્જરોની સલામતી સાથે ચેડાં કર્યા છે.
કચેરી દ્વારા ફકત થ્રી વ્હીલર ઓટો રીક્ષા અને ફોર વ્હીલર માટેના એગ્રીગેટર લાઈસન્સ ઈશ્યુ થયા છે. જેની આડમાં ઉબેર દ્વારા ઓનલાઈન એપના માધ્યમથી નોન ટ્રાન્સપોર્ટનો એગ્રીગેટરો તરીકે ઉપયોગ કરીને પેસેન્જરની સલામતી સાથે ચેડા થાય છે.