રશ્મિકાને જીમમાં ઈન્જરી, ‘સિકંદર’નું શૂટિંગ અટવાયું
મુંબઈ, રશ્મિકા મંદાનાએ ‘પુષ્પા’ની સફળતા સાથે જ બોલિવૂડમાં પણ સ્થાન જમાવી લીધું છે. સલમાન ખાનની બિગ બજેટ એક્શન મૂવી ‘સિકંદર’માં રશ્મિકાનો લીડ રોલ છે. ‘પુષ્પા ૨’નું શૂટિંગ પૂરું કર્યા પછી રશ્મિકાએ સલમાનની ફિલ્મ શરૂ કરી હતી. રશ્મિકા પહેલી વખત સલમાન ખાન સાથે કામ કરી રહી છે.
રિપોટ્ર્સ મુજબ, રશ્મિકાને જીમમાં ઈન્જરી થયેલી છે અને તેના કારણે ‘સિકંદર’ના શૂટમાંથી આરામ લેવો પડ્યો છે. ફિટનેસ અને ફિગર બાબતે દરેક એક્ટર વધારે જાગૃત હોય છે અને ચુસ્ત ડાયેટ ઉપરાંત કલાકો સુધી જીમમાં વર્ક આઉટ કરે છે. ‘પુષ્પા’ની સિમ્પલ શ્રીવલ્લી પણ તેમાં અપવાદ નથી.
રશ્મિકા રેગ્યુલર વર્કઆઉટ કરે છે. તાજેતરમાં જીમ વર્કઆઉટ દરમિયાન તેને ઈજા થઈ હતી. રશ્મિકાને ડોક્ટરે આરામ કરવાની સલાહ આપી છે. ‘સિકંદર’નું શૂટિંગ નિર્ણાયક તબક્કામાં પહોંચ્યું છે, પરંતુ રશ્મિકા ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેના ભાગનું શૂટિંગ અટકી પડ્યું છે.
થોડા દિવસના આરામ બાદ રશ્મિકા ફરી ‘સિકંદર’ની ટીમ સાથે જોડાઈ જશે. રશ્મિકાના આ અનિવાર્યની બ્રેકની અસર તેની અન્ય ફિલ્મોના શૂટિંગ પર પણ પડી શકે છે.
‘સિકંદર’ને આ વર્ષે ઈદ પર રિલીઝ કરવાનો પ્લાન છે. એ આર મુરગાદોસના ડાયરેક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં કાજલ અગ્રવાલ, સત્યરાજ, શરમન જોષી અને પ્રતીક બબ્બર પણ મહત્ત્વના રોલમાં છે. સાજિદ નડિયાદવાલા પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મમાં ‘જવાન’ અને ‘પુષ્પા ૨’નો રેકોર્ડ તોડવા સલમાન અને સાજિદ પ્રયાસ કરી રહ્યા છે.SS1MS