રાસ્કા પ્લાન્ટ મામલે GPCB અને મ્યુનિ. કોર્પોરેશન આમને-સામને
જીપીસીબી ના રિપોર્ટ મુજબ પાણીમાં એસ.એસ અને સીઓડીની માત્રા વધુ ઃ પાણીમાં માત્ર લીલ હોવાના દાવા ને મ્યુનિ. તંત્ર માનવા તૈયાર નથી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રાસ્કા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો વિવાદ વધુ વકરી રહયો છે. રાસ્કા પ્લાન્ટમાં કેમીકલયુક્ત પાણી મીક્ષ થયુ હોવાની દહેશતથી છેલ્લા આઠ દિવસથી પ્લાન્ટ બંધ છે. ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા અલગ અલગ ચાર સ્થળેથી પરીક્ષણ માટે સેમ્પલ લેવામાં આવ્યા હતા,
જેના રીપોર્ટ જાહેર કર્યા બાદ જીપીસીબી એ “સબ સલામત”ની આલબેલ પોકારી છે પરંતુ મ્યુનિ. કોર્પોરેશનને હજી ઘણુ બધુ અસલામત લાગી રહયુ હોવાથી પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા નથી. પ્રદુષણ બોર્ડ દ્વારા પાણીમાં કેમીકલ ભળ્યુ હોવાના આક્ષેપનો ઈન્કાર કરવામાં આવી રહયો છે.
પરંતુ તેમના જ રીપોર્ટને આધારે પાણીમાં કેમીકલ હોવાની શંકા નિષ્ણાતો વ્યકત કરી રહયા છે. જી.પી.સી.બી.ના રીપોર્ટમાં એસ.એસ.નું પ્રમાણ ઘણુ જ વધારે છે તેથી જાે પ્લાન્ટ શરૂ કરવામાં આવે તો ગણત્રીની મીનીટોમાં જ મશીનરી જામ થઈ જાય અને ચારથી પાંચ મહીના માટે પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી શકે છે.
રાસ્કા વિયરમાં શેઢી કેનાલ મારફતે પાણી લેવામાં આવે છે, લગભગ આઠ દિવસ અગાઉ રાસ્કાના પાણીમાં ડહોળાશ લાગતા મ્યુનિ. અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા તેમજ પ્રાથમિક તારણમાં કેમીકલ હોવાની શંકા વ્ય્કત કરી પ્લાન્ટ બંધ કરાવ્યો હતો.
ત્યારબાદ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ર૯ જુલાઈએ ચાર અલગ અલગ સ્થળેથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં બપોર બાદ જલામપુરા તથા રાસ્કા પ્લાન્ટમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેના રીપોર્ટ અત્યંત ચોંકાવનારા છે. સુત્રોએ જણાવ્યા મુજબ તમામ સેમ્પલમાં સસ્પેન્ડેડ સોલીડ (એસ.એસ)નું પ્રમાણ વધારે જાેવા મળ્યુ છે.
પરંતુ જલામપુરાના સેમ્પલમાં એસ.એસ.ની માત્રા ૧૪૧૪ છે. સુઅરેજ વોટરમાં એસ.એસ.નું પ્રમાણ ૩૦૦થી ૪૦૦ હોય છે જયારે માહી કેનાલના સેમ્પલમાં સુઅરેજ વોટર કરતા ત્રણથી ચાર ગણા એસ.એસ. હોવાની વિગત બહાર આવી છે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કેમીકલ છોડતા જે પ્રોસેસ હાઉસો સામે કાર્યવાહી કરવામાં આવી હતી
તેમાં એસ.એસ.ની માત્રા ૧૦૦૦થી ૧પ૦૦ જેટલી હતી તેથી કેનાલના પાણીમાં કેમીકલ હોવાની શંકા પ્રબળ બની છે. મ્યુનિ. કોર્પોરેશનના એસટીપીમાં ઈન ફલો સુઅરેજમાં ટ્રીટમેન્ટ થયા બાદ એસ.એસ.ની માત્રા માત્ર ૧૦ હોવી જાેઈએ. એસ.ટી.પી. એસ.એસ. ટ્રીટમેન્ટ થઈ શકે છે
જયારે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં એસ.એસ. ટ્રીટ થઈ શકે નહી જેના કારણે મ્યુનિ. ઈજનેર વિભાગ સાવચેતીપૂર્વક કામ કરી રહયુ છે.રાસ્કા પ્લાન્ટ અંગે જાણકાર સુત્રોએ જણાવ્યા મુજબ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પાણીમાં માત્ર “લીલ” હોવાની વાતો કરે છે પરંતુ પાણી બ્રાઉન કલરનું આવે છે.
તદ્પરાંત ચોમાસાની સીઝનમાં લીલ તૂટતી નથી તેથી પાણીમાં આવવાની શક્યતા રહેતી નથી. નિષ્ણાતોના મંતવ્ય મુજબ લીલમાં એસ.એસ. હોય નહિ તદ્પરાંત પાણીમાં લીલ ડીસોલ્વ થતી નથી, સામાન્ય રીતે લીલ તૂટે તો તેના મોટા ટુકડા જ પાણી સાથે આવે છે,
પરંતુ રાસ્કા પ્લાન્ટ પાસે કેનાલમાં પાલકની ભાજી ગ્રાઈન્ડ કરી હોય તેવા કલરનું પાણી આવે છે તેથી લીલ હોવાનો દાવો ખોટો હોઈ શકે છે, રાસ્કાની સ્થળ તપાસ દરમ્યાન મ્યુનિ. અધિકારીઓને કેટલાક ચોંકાવનારા તથ્યો જાેવા મળ્યા હતા, જે મુજબ કેનાલમાં પહેલા શુધ્ધ પાણી આવ્યા બાદ થોડીવારમાં જ બ્રાઉન કલરનું પાણી આવે છે
ત્યારબાદ ફરી શુધ્ધ પાણી આવે છે. રવિવાર સુધી બપોરે ત્રણથી ચાર વાગ્યાના સમયગાળામાં આ મુજબ પાણી આવતા હતા જયારે સોમવારે સવારે ૧૧ થી ૧ર ના સમયગાળામાં આ પધ્ધતિથી બ્રાઉન પાણી આવ્યુ હતું જયારે મંગળવારે ૧૦૦ ટકા શુધ્ધ પાણી આવ્યા હતા
જેના કારણે મ્યુનિ. અધિકારીઓમાં કેનાલના પાણીમાં “કેમીકલ” હોવાની શંકા પ્રબળ બની છે, આ કારણોસર જ જી.પી.સી.બીની “સબ સલામત” ની આલબેલ પર વિશ્વાસ કરતા પહેલા મ્યુનિ. ઈજનેર વિભાગ ૧૦૦ ટકા ચકાસણી કરવા માંગે છે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.