અમદાવાદ જિલ્લાના વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથનો દસ્ક્રોઈના વિસલપુરથી શુભારંભ
‘20 વર્ષનો વિશ્વાસ 20 વર્ષનો વિકાસ’ સૂત્ર સાથે રાજ્ય સરકાર છેલ્લા 20 વર્ષમાં થયેલા વિકાસ કાર્યોની ઝાંખી પ્રજા સમક્ષ મૂકશે
બે દાયકામાં ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી : શ્રી બાબુભાઈ જ. પટેલ
રાજ્યભરમાં આજથી શરૂ થઈ રહેલી વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત અમદાવાદ જિલ્લાના વંદે ગુજરાત રથનું પૂર્વમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને દસક્રોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી બાબુભાઇ જ. પટેલે દસક્રોઈ તાલુકાના વિસલપુર ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું. Rath of Vande Gujarat Vikas Yatra 2022 of Ahmedabad district started from Visalpur of Daskroi
આ પ્રસંગે પૂર્વમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ૨૦ વર્ષના વિકાસનો આજે આપણે જે ઉત્સવ ઊજવી રહ્યા છીએ એનું એકમાત્ર પ્રમુખ કારણ છે રાજ્યની પ્રજાએ સરકારમાં મૂકેલો અતૂટ વિશ્વાસ. સરકાર રાજ્યની પ્રજાની આભારી છે કે સતત ૨૦ વર્ષથી પ્રજાએ સેવા કરવાનો મોકો આપ્યો છે, જેના ફળસ્વરૂપે આજે ગુજરાતનો વિકાસ નવી ઊંચાઈઓનેં આંબે છે.
છેલ્લા ૨૦ વર્ષમાં સરકાર હરહંમેશ પ્રજાના વિશ્વાસ પર ખરી ઊતરી છે. રાજ્યમાં દરેકે દરેક ક્ષેત્રે સરકારે નાગરિકોને ઉચ્ચસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધતા બતાવી છે. છેલ્લાં વીસ વર્ષમાં રાજ્યમાં ગામડાઓ પાકા રસ્તાઓથી શહેરો સાથે જોડાયા છે. રિંગરોડ, ફ્લાય ઓવર, સિકસ લેન, ફોરલેન, અંડરપાસ વડે શહેરો અને ગામડાઓમાં ઉત્કૃષ્ટ પરિવહન સુવિધાઓ ઉપલબ્ધ બની છે .
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડીલો અને વૃદ્ધોએ રાજ્યમાં ટેન્કરરાજ, પીવાના અને સિંચાઇના પાણીની તંગી અને દુષ્કાળના દિવસો જોયેલા છે. રાજ્યમાં સરકારે છેલ્લાં વીસ વરસમાં ૬૯ હજાર કિલોમીટર લાંબું કેનાલ માળખું બનાવીને નર્મદાના પાણી ઘેર ઘેર પહોચાડ્યા છે. છેલ્લાં વીસ વર્ષથી ખેડૂતોને બંને સીઝનમાં પાણી મળતા થયા છે છે. પેહલા એક પાક લેવાતો હતો આજે બે પાક લેવાય છે. ખેડૂતોની ઉત્પાદકતા વધી છે, ખેડૂતો સમૃદ્ધ બન્યા છે.
આરોગ્ય ક્ષેત્રે “PMJAY-MAA” યોજના અંતર્ગત ચાર કરોડ ગુજરાતીઓને આયુષ્માન કાર્ડ થકી વાર્ષિક રૂપિયા પાંચ લાખનું આરોગ્ય કવચ મળી રહ્યું છે તેમજ હૃદય રોગ, કેન્સર, કિડની, આકસ્મિક સારવાર, ડિલિવરી, ન્યુરોસર્જરી જેવી ગંભીર બીમારીઓની કેશલેસ સારવાર મળી રહી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સુવિધા ના કારણે આજે અકસ્માતને કારણે થતા મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
આજે ઘેર ઘેર શૌચાલય બન્યા છે. અગાઉના વર્ષોમાં સ્ત્રીઓને સૂર્યાસ્ત પછી શૌચ ક્રિયા માટે જવું પડતું, જે આજે બંધ થયું છે. હવે લગ્નોમાં કરિયાવરમાં હાથપંખા આપવા નથી પડતા, કારણકે આજે ૨૪ કલાક થ્રી ફેઝ વીજળીની સુવિધા થકી રાજ્યના ગામડાઓ ગોકુળિયા ગ્રામ અને જ્યોતિગ્રામ બન્યા છે.
આજે મહિલાઓને લાકડાના ચૂલાથી મુક્તિ મળી છે, ઉજ્વલા ગેસ સિલિન્ડર થકી આજે ગ્રામ્ય મહિલાઓમાં ધુમાડાને કારણે ઉદભવતી ટીબી જેવી ગંભીર બીમારીઓનું જોખમ બંધ થયું છે. રાજ્યનો આ વિકાસ પ્રજાના એક એક એક મતની તાકાત બતાવે છે.
આ પ્રસંગે સંબોધન કરતા ધારાસભ્ય શ્રી બાબુભાઈ જ. પટેલે જણાવ્યું કે, ૨૦ વર્ષ પહેલા દસક્રોઈ સહિત જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પાયાની અને માળખાગત સુવિધાઓનો સદંતર અભાવ હતો. ગામડાઓમાં પીવાના અને સિંચાઇના અપૂરતા અને દૂષિત પાણી, શૌચાલયોનો અભાવ, કાચા રસ્તા, અપૂરતી વીજળી સહિતનીની સમસ્યાઓ હતી.
વરસાદની ઋતુમાં ગામડાઓમાં ઘૂંટણ સમાં પાણી અને કાદવ કીચડ રોજની સમસ્યાઓ હતી. માનનીય નરેન્દ્ર મોદીજીના મુખ્યમંત્રી બન્યા બાદ ગુજરાતે છેલ્લા ૨૦ વર્ષમાં વિકાસ હરણફાળ ભરી છે.
આજે ગામડાઓમાં પાકા રસ્તાઓ, ૨૪ કલાક વીજળી, પીવાના શુદ્ધ પાણી, પાકના યોગ્ય ટેકાના ભાવો, ઘરે ઘરે શૌચાલય જેવી તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ બની છે. આજના યુવાનોને કર્ફ્યું એટલે શું એ જ ખબર નથી. આમ, રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષમાં ગામે ગામ સુધી તમામ માળખાકીય અને પાયાની સુવિધાઓ પહોંચી છે.
આજે રાજ્યભરના ગામડાઓમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના, વિધવા સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના જેવી કેટલીય લોકસહાય યોજનાઓ થકી અવિરત વિકાસ થઈ રહ્યો છે.
આ પ્રસંગે ઔષધીય છોડથી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ બાળાઓ દ્વારા સ્વાગત નૃત્ય પ્રદર્શિત કરવામાં આવ્યું. ગુજરાતની યશગાથા રજૂ કરતું “જય જય ગરવી ગુજરાત” ગીત તેમજ ગુજરાતના વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પ્રસ્તુત કરવામાં આવી.
આ ઉપરાંત, મિશન મંગલમ્ યોજના, PMJAY યોજના, વિધવા સહાય યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, ખેતીવાડી સહાય યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે યોજનાઓના લાભ અને કીટ વિતરણ કરવામાં આવ્યા. આ ઉપરાંત, દસક્રોઈ તાલુકાના લોકાર્પણના ૨૯ જેટલા કામો અને ૧૦ નવાં કામોની જાહેરાત સાથે કુલ ૩ કરોડ ૭૧ લાખના વિકાસ કામોની જાહેરાત કરવામાં આવી.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલ ધામેલિયા તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આલેખન : મિનેશ પટેલ