અમદાવાદ ૧૪રમી રથયાત્રા માટે સજજ
સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ વધાર્યું શંકાસ્પદ વાહનોનું સઘન ચેકીંગઃ શહેરની સરહદો સીલ કરાઈ : આઈબી અને અન્ય એજન્સીઓ એક મહીનાથી શહેરમાં સક્રીયઃ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોડ દ્વારા રથયાત્રાના રૂટ પર ચેકીંગ: રૂટ પર સીસીટીવી લગાવાયાઃ બિનવારસી વાહનો મકાનો, શંકાસ્પદ વસ્તુઓને હટાવવાની કામગીરી શરૂ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પુરી બાદ દેશભરમાં સૌથી જુની અને જેમાં હજારો લોકો હોંશે હોંશે ભાગ લે છે તેવી અમદાવાદની રથયાત્રાને જુજ દિવસો બચ્યાં છે. રથયાત્રાનાં દિવસે જગન્નાથથી શરૂ થઈ ત્રણેય રથો તથા અન્ય કાફલો છેક સરસપુર સુધી જાય છે.
આ દિવસે હજારો લોકોની ભીડ ઉપરાંત-રથયાત્રા કેટલાંક સ્થળોએ સંવેદનશીલ વિસ્તારોમાંથી પસાર થતી હોવાને લીધે અમદાવાદ શહેર તંત્ર દ્વારા કેટલીક તૈયારીઓ મહીનાઓ અગાઉથી જ કરી લેવામાં આવતી હોય છે.
આ વર્ષે પણ રથયાત્રામાંકોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સીઆરપીએફ આવી પહોચી છે. અને સવાર સાંજ ફલેગ માર્ચ કોટ વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવી છે. ઉપરાંત બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ તથા અન્ય ટીમોને પણ રથયાત્રા માટે તૈયાર કરવામાં આવી છે. સુત્રોનું માનીએ તો હાલમાં જગન્નાથ મંદીરથી ભગવાનનાં મોસાળ સરસપુર સુધીનાં માર્ગમાં આવતાં અવાવરું મકાનો, ગટરો, બિનવારસી, વાહનો ઉપરાંત અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓનું સતત ચેકીગ કરવામાં આવી રહયું છે. તથા વાહનો કે અન્ય વસ્તુઓને હટાવવામાં આવી રહી છે.
અવાવરું અને ભયજનક લાગતાં મકાનોને કારણે કોઈ જાનહાની ન થાય એ માટે મકાન માલિક ને તથા કોર્પોરેશનને પણ આ અંગેની જાણકારી આપવામાં આવી રહી છે. બોમ્બ સ્કવોડ હાલમાં પણ શંકાસ્પદ વસ્તુઓનું નિરીક્ષણ કરી રહી છે. ઉપરાંત સઘન કાર્યવાહી શરૂ કરવામાં આવે એ અગાઉ બોમ્બ સ્કવોડને એફએસએલનાં ઉચ્ચ અધિકારીઓ, તજજ્ઞો તથા પ્રોફેશનલ્સ દ્વારા રીવીઝન કરાવવામાં આવી રહયું છે.
ઉપરાંત એક વર્ષ દરમ્યાન આવેલી નવી ટેકનોલોજીથી પણ તેમને વાકેફ કરવામાં આવી રહયાં છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ, સ્થાનિક પોલીસ તથા અન્ય એજન્સીઓ દ્વારા સમગ્ર રથયાત્રા ઉપર ધ્યાન રહે એ માટે મહત્વનાં સ્થળો શોધીને ત્યાં પોઈન્ટ બનાવવામાં આવી રહયાં છે.
એક અધિકારી સાથે વાત કરતાં નામ ન આપવાની શરતે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની રથયાત્રાએ સમગ્ર દેશનાં લોકોને આકર્ષે છે. આ દિવસે કોટ વિસ્તારમાં હજારો લોકોની ભીડ વધી જાય છે. જેથી ભાંગફોડીયા તત્વો માટે લોકોને નિશાન બનાવવા આસાન રહે છે. જા કે આ સ્થિતીને પહોંચી વળવા માટે સેન્ટ્રલ આઈબીની ટીમો રથયાત્રાનાં બે મહીના અગાઉથી જ શહેરમાં સક્રીય થઈ જાય છે. તથા ભંગફોડીયા ઉપરાંત અન્ય અસામાજીક તત્વોની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખે છે.
જયારે શહેર ક્રાઈમ બ્રાંચ એક મહીના અગાઉથી સક્રીય થાય છે. સ્થાનિક ગુંડા તત્વો, રીઢા ગુનેગારોને પકડીને જેલ હવાલે કરે છે. અથવા તેમનાં પર નજર રાખી રહયાં છે. સ્થાનિક પોલીસ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, અસામાજીક તત્વોને તહેવારનાં કેટલાંક દિવસ દરમ્યાન તડીપાર કરવામાં આવશે ઉપરાંત અન્ય કેટલાંક શખ્સોની ઉપર પણ વોચ રાખવામાં આવી રહી છે.
સમગ્ર વર્ષ દરમ્યાન રૂટીન પેટ્રોલીગ વાહન ચેકીગ તથા અન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે પણ રથયાત્રાનો દિવસ નજીક આવશે તેમ વધારી દેવામાં આવશે. ઉપરાંત રથયાત્રાનાં તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા જાહેર માર્ગોને અડીને આવેલી કર્મશીયલ દુકાનો, ઓફીસો,હોસ્પીટલો, તથા અન્ય બધા જ મકાનોનાં માલિકો-સંચાલકોને સીસીટીવી લગાવવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરા લગાવવામાં આદેશ બાદ પોલીસની ટીમો દ્વારા આદેશનું પાલન કરવામાં આવ્યું છે.
કે કેમ અંગેની પણ સતત ચકાસણી કરવામાં આવી રહી છે. ઉપરાંત જે વ્યકિતઓએ આદેશનું પાલન ન કર્યું હોય એવી વ્યકિતઓ વિરૂધ્ધ શહેર પોલીસ કમીશ્નરનાં આદેશનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉપરાંત શહેર પોલીસ કમીશ્નર દ્વારા આદેશ બહાર પાડીને લાઈસન્સ ધરાવતાં ગન માલિકોને પણ પોતાનાં હથીયારો જમા કરાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. જે મુજબ હાલ કેટલાંય લાઈસન્સ ધારકોને પોતાનાં હથીયારો જમા કરાવ્યાં છે.
આ ઉપરાંત પોલીસ કંટ્રોલ રૂમ કોર્પોરેશનનાં કંટ્રોલ રૂમ ઉપરાંત અન્ય કેટલાંક કંટ્રોલ રૂમ તાત્કાલીક ધોરણે ઉભાં કરીને સીસીટીવી દ્વારા સમગ્ર શહેર ઉપર નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને રથયાત્રાનાં રૂટમાં આવતાં સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી ઈન્સ્ટોલ કહીને નજર રખાઈ રહી છે.
ઉપરાંત આઈબી તથા સ્થાનિક પોલીસ પણ છુપા વેશમાં સમગ્ર વિસ્તારોમાં ફરી રહયાં છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં પ્રવેશતાં માર્ગો પર પણ પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. અને ભારે વાહનોથી લઈને દ્વિચક્રી વાહનો સુધી તમામનું ચેકીંગ તથા પુછપરછ કરવામાં આવી રહયું છે. શંકાસ્પદ લાગતાં વાહનોને રોકીને તેમની તપાસ કરવામાં આવી રહી છે.
ઉપરાંત સમગ્ર શહેરનાં મોટા જંકશનો ઉપર પોલીસની ટીમો મોડી રાત્રે પણ કારચાલકોને અટકાવીને સઘન પુછપરછ કરી રહી છે.
રથયાત્રાનાં આડે ગણતરીનાં દિવસો બાકી રહયાં છે. ત્યારે થોડાં જ દિવસોમાં અન્ય જીલ્લાઓમાંથી પણ પોલીસની ટીમો બોલાવવામાં આવશે તથા તમામને મોક ડ્રીલ પણ કરાવવામાં આવનાર છે. આમ દરવર્ષની જેમ અમદાવાદમાં થનારી ૧૪ર મી રથયાત્રા સંપૂર્ણ રીતે શાંતિપૂર્વક પસાર થાય એ માટે તમામ એજન્સીઓ તૈયાર થઈ ગઈ છે.