૪થી જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની પરંપરાગત ભવ્ય રથયાત્રા યોજાશે
કોમી એખલાસ, સદભાવપૂર્ણ અને શાંતિપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે- ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા તા. ૪ થી જુલાઇના રોજ અમદાવાદ ખાતે યોજાનાર છે. આ રથયાત્રા કોમી એખલાસ, સદભાવપૂર્ણ વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યનો પ્રત્યેક નાગરિક રથયાત્રાને માણી-નિહાળી શકે અને ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સર્વગ્રાહી કામગીરી કરી છે. જે અંતર્ગત શહેર પોલીસ, અમદાવાદ મહાનગરપાલિકા, પેરામિલિટરી ફોર્સ અને ચેતક કમાન્ડો એમ વિવિધ વિભાગોનું સંકલન કરી વહીવટીતંત્ર દ્વારા સમીક્ષા બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે, રથયાત્રા દરમિયાન કોમી એખલાસની લાગણી જળવાય તે માટે પણ જરૂરી પગલા લેવામાં આવ્યા છે તથા આ બાબતની તકેદારી રાખવા સૌને અપીલ પણ કરવામાં આવી છે. અખાડા સંચાલકોને મંજૂરી મળી હોય તેટલા જ વાહનો સાથે રાખવાની તથા તીક્ષ્ણ હથિયાર સાથે ન રાખવાની તાકીદ કરવામાં આવી છે.
વધુમાં રથયાત્રામાં જોડાયેલા રથના શિખર ઉપર મંદિરના પૂજારી તથા નિયત કરાયેલ માણસો જ બેસે તેની તકેદારી રાખવામાં આવશે. રથયાત્રા સમયસર નીકળે, વિરામ સ્થળે પહોંચે અને નીજ મંદિરે નિયત સમયે પહોચે તેની જવાબદારી સામૂહિક છે. આ માટે પોલીસ, મહાનગરપાલિકા અને ફરજમાં જોડાયેલ સૌ કોઈ લોકોને સહયોગ કરવા વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરાઇ છે. અમદાવાદના મેયર શ્રીમતિ બિજલબેન પટેલે જણાવ્યું કે, મહાનગરપાલિકાએ રથયાત્રાના રૂટ પર રસ્તાઓનું રીપેરીંગ, સુશોભન, લાઇટના થાંભલાઓ કે વૃક્ષો અડચણરૂપ ન બને તેનો પણ ખ્યાલ રાખ્યો છે. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા પણ સંપૂર્ણપણે તકેદારીયુક્ત પગલાં લેવાયાં છે.
અમદાવાદ પોલીસ કમિશનરશ્રી એ.કે.સિંઘે જણાવ્યું કે, રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખી છે. રથયાત્રા તેના પરંપરાગત રૂટ પર અને શાંતિપૂર્ણ રીતે નીકળે તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મંદિર ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઇ જહાએ જણાવ્યું કે, ટ્રકના શણગાર અને સુશોભન કોઇપણ રીતે રથયાત્રાના માર્ગ પર અડચણરૂપ ન બને તે માટે ટ્રક એસોસિએશનને ખાસ તાકીદ કરવામાં આવી છે.
આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય નહેરા, જગન્નાથ મંદિરના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રભાઇ જહા તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.