Western Times News

Gujarati News

રથયાત્રાને લઈ શહેરના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધી

Police Checking car

File Photo

સંવેદનશીલ કેસોના તમામ આરોપી પર પણ પોલીસની ‘બાજનજર’: શંકાસ્પદ લાગતા યુવકોની પુછપરછ

(એજન્સી) અમદાવાદ, કોરોનાકાળના બે વર્ષ બાદ અમદાવાદમાં ધામધુમથી ૧૪પમી રથયાત્રા ૧ જુલાઈના રોજ નીકળવાની છે, જેમાં હજારોની સંખ્યામાં નહી, પરંતુ લાખોની સંખ્યામાં ભકતોનું ઘોડાપુર ભગવાનની નગરચર્યાના દર્શન કરવા માટે આવશે.

રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટે પોલીસે માઈકો લેવલે પ્લાનિંગ કર્યું છે અને રથયાત્રાના રૂટને પોલીસ છાવણીમાં ફેરવી દીધો છે. રથયાત્રામાં શાંતિનો માહોલ ડહોળાય તેવા સેન્ટ્રલ આઈબી તેમજ સ્ટેટ આઈબીના ઈનપુટને ધ્યાનમાં રાખીને પોલીસ એલર્ટ છે અને સંવેદનશીલ કેસોમાં છુટેલા તમામ આરોપીઓ પર બાજનજર રાખીને બેઠા છે.

વર્ષ ર૦૦૮માં અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં ખાસ કોર્ટે ચુકાદો આપતા કેટલાક આરોપીઓને નિર્દોષ છોડી મુકયા હતા. આ સિવાય અક્ષરધામ આતંકી હુમલાનો કેસ તેમજ જેહાદી ષડયંત્ર જેવા અનેક કેસોમાં આરોપીઓને નિર્દોષ છોડી મુકયા હતા. આ તમામ આરોપીઓ હાલ પોતપોતાના ઘરે છે અને નાનું મોટું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. તમામ આરોપીઓ ગુનાઈત કૃત્ય સાથે સંકળાયેલા છે કે નહીં તે મામલે પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ વોચ રાખીને બેઠા છે.

રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સંવેદનશીલ કેસોમાં નિર્દોષ અથવા તો સજા કાપીને છુટેલા તમામ આરોપીઓ પર પોલીસ અને સુરક્ષા એજન્સીઓ બાજનજર રાખીને બેઠા છે. છુટેલા આરોપીઓ પૈકી શંકાસ્પદ લાગતા આરોપીઓની સઘન પુછપરછ પણ કરી છે.

દેશમાં શાંતિનો માહોલ ડહોળવા માટેની જે પેટર્ન ચાલી રહી છે તેને જાેતાં અમદાવાદની રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહી તે માટેની પૂરી તકેદારી પોલીસે રાખી છે. તકેદારીના ભાગરૂપે અમદાવાદને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે રાતે કોઈ પણ કાર તેમજ ટુ વ્હીલરનું ચેકિંગ કરવા માટે ઠેરઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે.

આ સિવાય અમદાવાદમાં એન્ટ્રી કરવાના તમામ રસ્તા પર પોલીસની નાકાબંધી છે જાે કોઈ કારચાલક શંકાસ્પદ લાગે તો તેની કડક પુછપરછ કરવામાં આવે છે. સાથોસાથ કારની તલાશી પણ લેવામાં આવી રહી છે. રથયાત્રામાં કોઈ માથાકૂટ થાય નહી તે માટે અસામાજિક તત્વોની તમામ મુવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે.

રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વર્ષે ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં બોડીવોન કેમેરા, ડ્રોન, કેસ ડિટેકશન કેમેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રથયાત્રામાં રપ હજાર પોલીસ કર્મચારીઓ રહેશે,

જેમાં આઠ ડીજી અને આઈજી, ૩૦ એસપી, ૩પ એસીપી, એસઆઈપી અને સીઆરપીએફની ૬પ કંપની બંદોબસ્તમાં તહેનાત રહેશે. રથયાત્રા પહેલા રૂટ પર પોલીસ ફલેગમાર્ચનું આયોજન પણ કરશે અને સંવેદનશીલ વિસ્તારમાં સરપ્રાઈઝ ચેકિંગ પણ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.