રતિ અગ્નિહોત્રીએ એક દુજે કે લિયે ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી
મુંબઈ, રતિ અગ્નિહોત્રી બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી રહી છે. જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી ત્યારે દરેક તેની સુંદરતાના દિવાના થઈ ગયા હતા. લોકો રતિને સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા કહેતા હતા. બેપન્નાહ હુસ્નની મÂલ્લકા રતિની એક્ટિંગના પણ લોકો દિવાના હતા.
રતિએ એક દુજે કે લિયે ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કમલ હાસન સાથે તેની જોડીની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર-ડુપર હિટ રહી હતી. આ સાથે રતિ બોલિવૂડની ટોચની અભિનેત્રી પણ બની ગઈ. જો કે, બોલિવૂડમાં સફળ કારકિર્દી બનાવનાર આ અભિનેત્રીનું અંગત જીવન કાંટાઓથી ભરેલું હતું. લગ્ન એના માટે સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની ગયા હતા.
૧૦ ડિસેમ્બર, ૧૯૬૦ના રોજ રૂઢિચુસ્ત પંજાબી પરિવારમાં જન્મેલી રતિ અગ્નિહોત્રીએ ૧૦ વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે રતિ ૧૬ વર્ષની થઈ, ત્યારે તમિલ ફિલ્મના દિગ્દર્શક ભારતીરાજાની નજરમાં એ આવી હતી. તેમણે પુથિયા વરપ્પુગલ ઓફર કરી હતી.
રતિના પિતા પાસેથી પરવાનગી મળ્યા બાદ, દિગ્દર્શક ભારતીરાજાએ રતિ સાથે તેની પ્રથમ તમિલ ફિલ્મનું શૂટિંગ કર્યું અને પંજાબી હોવા છતાં તેણીના અભિનયની પ્રશંસા મળી હતી. કેટલીક શાનદાર તમિલ, કન્નડ અને તેલુગુ ફિલ્મો કર્યા પછી, રતિએ ૧૯૮૧માં એક દુજે કે લિયે સાથે બોલિવૂડમાં પ્રવેશ કર્યો અને હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હતી. ચાર દાયકાથી વધુની કારકિર્દીમાં રતિએ પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.
૮૦ ના દાયકાના મધ્ય સુધીમાં રતિ અગ્નિહોત્રી હિન્દી સિનેમાની ટોચની અભિનેત્રી બની ગઈ હતી. જો કે, જ્યારે રતિ તેની કારકિર્દીની ટોચ પર હતી, ત્યારે તે મુંબઈ સ્થિત બિઝનેસમેન અને આર્કિટેક્ટ, અનિલ વિરવાણીને એક ઇવેન્ટમાં મળી અને ત્યારથી બધું બદલાઈ ગયું.
જોકે તેના માતા-પિતા અનિલ સાથેના તેના સંબંધની વિરુદ્ધ હતા, પરંતુ રતિએ આગળ વધીને તેને થોડા સમય માટે ડેટ કરી હતી. રતિ અને અનિલના લગ્ન ૯ ફેબ્રુઆરી, ૧૯૮૫ના રોજ થયા અને ત્યારથી થોડા વર્ષો પછી રતિએ પોતાના પરિવાર માટે પોતાની કારકિર્દીમાંથી બ્રેક લીધો.
૨૫ વર્ષની રતિ અગ્નિહોત્રીને કલ્પના નહોતી કે તેણે જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા તે તેનો જલ્લાદ નીકળશે. રતિના માતા-પિતા માટે, અનિલ તેમની પુત્રી માટે આદર્શ પતિ ન હતો અને ટૂંક સમયમાં તેઓ સાચા સાબિત થયા હતા. લગ્નના પ્રથમ વર્ષમાં જ રતિને તેના પતિની વાસ્તવિકતા ખબર પડી. અનિલે અભિનેત્રીને ખરાબ રીતે મારવાનું શરૂ કર્યું.
જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ વસ્તુઓ વધુ ખરાબ થતી ગઈ. એક ઈન્ટરવ્યુમાં રતિએ ખુલાસો કર્યો હતો કે અનિલ તેને મારતો હતો અને તે તેનાથી બચવા માટે ઘરની આસપાસ ભાગતી હતી.
૧૯૮૬માં રતિ અગ્નિહોત્રી અને અનિલ વિરવાનીને એક પુત્ર જન્મ્યો હતો.પરંતુ બાળકના આગમન પછી પણ રતિ અને અનિલ વચ્ચેના સંબંધોમાં સુધારો ન થયો અને રતિને ૩૦ વર્ષ સુધી ઘરેલુ અત્યાચારનો ભોગ બનવું પડ્યું. રતિ અગ્નિહોત્રી ખૂબ જ પીડાદાયક જીવન જીવી રહી હતી, પરંતુ તે હંમેશા દુનિયાની સામે હસતી રહી અને કહ્યું કે તેનો પતિ અનિલ વિરવાણી અને પુત્ર તનુજ વિરવાની સાથે સુખી છે.
પરંતુ આખરે, ૨૦૧૫ માં, તેણીએ તેના બરબાદ થયેલા લગ્નજીવનના તૂટેલા ટુકડાઓને વધુ ન સંભાળવાનું નક્કી કર્યું અને તે ઘરની બહાર નીકળી ગઈ. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ મુજબ, તે ૭ માર્ચ, ૨૦૧૫ નો દિવસ હતો.
જ્યારે અભિનેત્રીનો પુત્ર તનુજ એક ફિલ્મના શૂટિંગ માટે પુણેમાં હતો અને અનિલના ગુસ્સાને કારણે તેને પોતાના જીવનો ડર લાગવા લાગ્યો હતો. રિપોર્ટ અનુસાર, રતિએ કહ્યું હતું કે, “મેં મનમાં વિચાર્યું હતું કે હું ૫૪ વર્ષની મહિલા છું અને ધીમે-ધીમે વૃદ્ધ અને નબળી બની જઈશ અને પછી એક દિવસ માર ખાઈ ખાઈને મરી જઈશ. ત્યારે રતિ અગ્નિહોત્રીને સમજાયું કે હવે તેના લગ્નમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. બરાબર એક અઠવાડિયા પછી, ૧૪ માર્ચ, ૨૦૧૫ ના રોજ, રતિ પોલીસ સ્ટેશન ગઈ અને તેના પતિ વિરુદ્ધ ઘરેલુ અત્યાચારનો કેસ દાખલ કર્યો.SS1MS