પાટણ જિલ્લાના રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા જાતેજ ઈ-કેવાયસી કરી શકશે
(માહિતી) પાટણ, સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને ૧૦૦% ઈ-કેવાયસી કરવા જણાવવામાં આવેલ છે. પાટણ જિલ્લામાં આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક કરેલ હોય તેવા રેશનકાર્ડ ધારકો સરળતાથી ઈ-કેવાયસી કરી શકે તે માટે સરકાર દ્વારા માય રાશન એપ્લીકેશનની રચના કરવામાં આવેલ છે.
તેથી હવે જિલ્લાના રેશનકાર્ડ ધારકો ઘરે બેઠા જ જાતે ઈ-કેવાયસી કરી શકશે. હાલ ભારત સરકાર દેશના નાગરિકોને ફેમીલી કાર્ડ આપવાની યોજના વિશે વિચાર કરી રહી છે. જેના ભાગરૂપે રાશનકાર્ડના માધ્યમથી પરિવારનો ડેટા અપડેટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી રહેલ છે. પાટણ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ સમાવિષ્ટ ૧૧,૨૭,૯૨૪ એનએફએસએ જનસંખ્યા
તથા ૬,૦૪,૦૭૭ નોન-એનએફએસએ જનસંખ્યા મળી કુલ ૧૭૩૨૦૦૧ જનસંખ્યા જિલ્લામાં વસવાટ કરે છે. જિલ્લામાં રેશનકાર્ડ ધારકો ગ્રામ પંચાયત કચેરીના ઈ-ગ્રામ સેન્ટર ખાતે રૂબરૂ હાજર રહી બાયોમેટ્રિક સિસ્ટમથી પણ ઈ-કેવાયસી કરાવી શકે છે. જેનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ.૫/- સરકાર, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ દ્વારા ભોગવવામાં આવશે.
તેથી જેથી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જિલ્લાના તમામ એનએફએસએ અને નોન-એનએફએસએ રેશનકાર્ડ ધારકોને ૧૦૦% ઈ-કેવાયસી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી પાટણની અખબારીયાદી મારફતે અપીલ કરવામાં આવી છે.