Western Times News

Gujarati News

ચાર ઈસમોએ પત્રકાર હોવાનો રોફ જમાવી સસ્તા અનાજની દુકાને તોડ કરવાનો પ્રયત્ન કર્યો

મોરિયામાં સસ્તા અનાજની દુકાને તોડ કરવા આવેલા ચાર ઈસમો ઝડપાયા

પાલનપુર, પાલનપુર તાલુકાના મોરીયા ગામે સસ્તા અનાજની દુકાને ટ્રકમાંથી ઉતરી રહેલા સરકારી અનાજના જથ્થાના નડીયાદ અને ભરૂચના ચાર ઈસમોએ પત્રકારોનો રોફ જમાવી ફોટા પાડયા હતા અને દુકાનદારને બ્લેકમેઈલ કરી રૂ.૧૦,૦૦૦ માંગી રૂપિયા ર૦૦૦નો તોડ કરનારા નડિયાદ અને ભરૂચના ચાર પત્રકારોને પોલીસે ઝડપી લીધા હતા.

પાલનપુર તાલુકાના મોરીયા ગામે પંડિત દીનદયાલ ગ્રાહક ભંડારમાં સોમવારે સાંજના સુમારે ટ્રકમાંથી સરકારી અનાજનો જથ્થો ઉતરી રહ્યો હતો ત્યારે ચાર શખ્સો ગાડી લઈને આવ્યા હતા અને ટ્રકના ફોટા પાડી, વિડીયો ઉતારી ચાવી કાઢી લીધી હતી. આથી દુકાનદાર રાજેશકુમાર પોપટલાલ બારોટે પુછતાછ કરતાં નડિયાદનો જય મહેશકુમાર શ્રીમાળીએ આઈકાર્ડ બતાવી તેની સાથેના ભરૂચનો ગૌતમકુમાર જીવણલાલ ડોડીયા,

નુરમહંમદ અબદુલ્લા પટેલ અને નડિયાદનો હાર્દિક ભુપેન્દ્રભાઈ દેવકીયા ગુજરાત વિઝનના ડીજીટલ મિડિયાના પત્રકારો હોવાની ઓળખ આપી હતી જેમણે દુકાનદારને કહ્યુ હતું કે તમે સરકારી અનાજનો જથ્થો ગ્રાહકો ને ન આપી બારોબાર અન્ય સ્થળે વેચાણ કરો છો જે સમાચાર અમારા દૈનિક પેપર અને ન્યુઝ ચેનલમાં પ્રસિધ્ધ કરી લાયસન્સ રદ કરાવીશું.

જોકે દુકાનદારે જથ્થો કાયદેસર હોવાનું કહ્યું હતું છતાં ચારેય જણાંએ ડરાવી ધમકાવી લાયસન્સ રદ ન કરાવવું હોય તો રૂ.૧૦,૦૦૦ની માંગણી કરી હતી અને ડરાવી ધમકાવી રૂપિયા ર૦૦૦ પડાવી લીધા હતા આથી રાજેશકુમારે તાલુકા પોલીસ મથકમાં ફોન કરતાં પોલીસની ટીમ ત્યાં દોડી આવી હતી અને ચારેય શખ્સોને પોલીસ મથકે લઈ જવાયા હતા જયાં દુકાનદારની ફરિયાદના આધારે તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.