૪ રાજ્યોમાં વાજબી ભાવની ૬૦ દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવામાં આવી
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવની દુકાનો (FPS)ને ‘જન પોષણ કેન્દ્ર‘માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેક્ટનો શુભારંભ
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર તેમજ મેયર સુશ્રી પ્રતિભા જૈનની પ્રોત્સાહક ઉપસ્થિત
આ પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં અમદાવાદ શહેરની કુલ ૧૫ સરકાર માન્ય વાજબી ભાવની દુકાનોને ‘જન પોષણ કેન્દ્ર‘માં પરિવર્તિત કરવામાં આવી
ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનો (FPS)ને ‘જન પોષણ કેન્દ્ર’માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેકટનો દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો. અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં ‘જન પોષણ કેન્દ્ર’ના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી શ્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તો ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમાર રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશનાં ૪ રાજ્યોમાં ૬૦ વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જન પોષણ કેન્દ્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૫૦ ટકાથી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વેપારીની આવકમાં વધારો થશે અને લોકો પોષણયુક્ત વસ્તુઓ સીધી ખરીદી શકશે તેમજ લોકોમાં પૌષ્ટિક વસ્તુઓને લઈને જાગૃતિ આવશે. સમગ્ર દેશમાં 3.5 લાખ વાજબી ભાવની દુકાનો આવેલી છે. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) અંતર્ગત ફ્રી રાશનનું વિતરણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર આ માટે રૂપિયા બે લાખ કરોડથી વધુ ફાળવે છે, એવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ગરીબોને ફૂડ સિક્યોરિટી આપી રહી છે. આગામી સમયમાં વધુમાં વધુ દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાનું આયોજન છે, જેથી દેશના નાગરિકો સુધી પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર પહોંચે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું કે, વન નેશન, વન રાશન કાર્ડની યોજના હેઠળ ૧૪૪ કરોડ પોર્ટેબિલિટી ટ્રાન્ઝેક્શન થાય છે. આ યોજનાથી કોઈ પણ રાજ્યની માઇગ્રેટ થયેલી વ્યક્તિ કોઈ પણ જગ્યાએથી રાશન સરળતાથી મેળવી શકે છે.
આ અવસરે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના દરેક નાગરિકોની ચિંતા કરીને આ ‘જન પોષણ કેન્દ્ર’નો પ્રારંભ કર્યો છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ પોતાના ૧૦૦ દિવસના કાર્યક્રમમાં જન પોષણ કેન્દ્રને સ્થાન આપવામાં આવ્યું હતું, જેનું આજે દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીના હસ્તે પ્રારંભ થયો છે. આ પ્રોજેકટ અંતર્ગત આજે અમદાવાદ શહેરની કુલ ૧૫ સરકારમાન્ય વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજ્યનાં વિવિધ શહેર અને જિલ્લાઓમાં પણ તબક્કાવાર જન પોષણ કેન્દ્રનો પ્રારંભ થશે, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે રાજ્યના દરેક નાગરિકની ચિંતા કરીને અનેક યોજનાઓનો ગુજરાતમાં પ્રારંભ કરાવ્યો હતો એવી જ રીતે જ્યારે વડાપ્રધાન બન્યા બાદ દેશના દરેક નાગરિકની ચિંતા કરીને પણ અનેક યોજનાઓનો પ્રારંભ કરાવી રહ્યા છે.
આ યોજના અંગે વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે, વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે, તેનો લાભ ગ્રાહકોને જ નહિ દરેક દુકાનદારને પણ મળવાનો છે. એટલું જ નહીં અમૂલની પ્રોડક્ટ પણ આ દુકાનમાં મળતી થશે. આમ, આ યોજના અંતર્ગત દુકાનદારોની આવકમાં પણ વધારો થશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ અવસરે અન્ન અને નાગરિક પુરવઠાના નિયામક શ્રી તુષાર ધોળકિયાએ જણાવ્યું કે ,આજનો દિવસ સમગ્ર દેશ તથા ગુજરાત માટે અગત્યનો દિવસ છે. વાજબી ભાવની દુકાનોએ ફક્ત ઘઉં અને ચોખા નહિ પણ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓ એકસાથે એક જ જગ્યાએ મળતી થાય તેવો સરકાર દ્વારા અભિગમ રાખીને આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ફક્ત ગ્રાહકોને જ નહિ દુકાનદારોની પણ આવક વધે અને દુકાનદાર પણ એક જવાબદાર નાગરિક બને અને દુકાનોની વિશ્વસનીયતા વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ યોજનાના બીજ માર્ચ મહિનામાં જ નખાઈ ગયા હતા. જન પોષણ કેન્દ્રના ૧૫ વેપારીઓને સરકારશ્રી તરફથી તાલીમ આપવામાં આવી છે, જેથી તે સારા વેપારી બની શકે અને સમાજમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન પણ આપી શકે.
આ પ્રસંગ નિમિત્તે ધારાસભ્ય શ્રી હર્ષદ પટેલે જણાવ્યું કે, ગુજરાતના સમગ્ર ભાઈ-બહેનો માટે આજે આનંદની ઘડી છે. આ યોજના અંતર્ગત વાજબી ભાવની દુકાનો પર ઘઉં, ચોખા બાદ હવે પછી જરૂરી પોષકતત્ત્વોવાળી વસ્તુઓ સારી અને સસ્તી મળે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે આપણે આ યોજના માટે સંકલ્પિત થયા છીએ. આવનાર ભવિષ્યમાં આ યોજના આપણી સિદ્ધિ હશે.
આ પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ શ્રી રમેશચંદ્ર મીનાએ સૌ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું અને ઉપસ્થિત વેપારીઓ અને લાભાર્થીઓને યોજના વિશે માહિતી આપી હતી. તથા આ યોજનાને આગળ વધારવા સમગ્ર વેપારીઓ અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ અવસરે કેન્દ્રીય મંત્રી શ્રી પ્રલ્હાદ જોશીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાજબી ભાવના દુકાનદાર તથા જન પોષણ કેન્દ્રના લાભાર્થી શ્રી જગદીશ ગુપ્તા સાથે સંવાદ કર્યો હતો. જેમાં દુકાનદાર શ્રી જગદીશ ગુપ્તાએ કહ્યું હતું કે, તેઓ આ દુકાન છેલ્લાં ૫૦થી વધુ વર્ષથી ચલાવે છે અને તેમાં તેમને સરકારનો પૂરેપૂરો સાથ મળ્યો છે. આ વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવાથી ગ્રાહકોને ઘણો લાભ મળવાનો છે, સાથે સાથે મારી આવકમાં પણ વધારો થશે, જે બદલ તેઓ સરકારના આભારી છે.
આ પ્રસંગે અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, ધારસભ્ય શ્રી દિનેશભાઈ કુશવાહા, ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈન, ડેપ્યૂટી મેયર શ્રી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, અમદાવાદ શહેરના અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રક શ્રી વિમલ કે. પટેલ તથા અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ તેમજ સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
જન પોષણ કેન્દ્ર યોજના
ભારત સરકારના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગ દ્વારા ફેર પ્રાઈઝ શોપ્સ (એફપીએસ)ને ‘જન પોષણ કેન્દ્ર (JPK)’ માં પરિવર્તિત કરવા માટે પહેલ શરૂ કરી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ વાજબી ભાવના દુકાનદારોની ભૌતિક માળખાકીય, નાણાકીય સ્થિરતા વધારી શકે તેવા અને વાજબી ભાવની દુકાનેથી લાભાર્થીઓને પોષક તત્ત્વોથી ભરપૂર વસ્તુઓ પૂરી પાડી શકાય તેવા ‘ન્યુટ્રીશન હબ’ તરીકે વિકસાવવાનો સમાવેશ થાય છે. આ વાજબી ભાવની દુકાનો ખાતેથી ઘઉં અને ચોખા સિવાય અન્ય પૌષ્ટિક ચીજવસ્તુઓ જેમ કે વિવિધ કઠોળ, દૂધ, મસાલા, ખાદ્યતેલ વગેરેનું પણ વિતરણ થઈ શકે, એ આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ છે.
પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ ચાર રાજ્યોમાં પ્રારંભ
ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગણા સ્માર્ટ- એફપીએસ સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની કુલ ૧૫ વાજબી ભાવની દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરની પસંદગી પામેલ વાજબી ભાવની દુકાનો વિશે
અમદાવાદ શહેરની પસંદગી પામેલ વાજબી ભાવની દુકાનો ખાતે રીનોવેશન કરવામાં આવ્યું છે તથા કુલ ૧૫ દુકાનો પૈકી હાલ ૭ દુકાનદારશ્રીઓ દ્વારા દુકાનોએ અમૂલની પ્રોડક્ટ્સના વેચાણ સબંધિત કામગીરી માટે ડિપોઝિટ ભરપાઈ કરી છે તથા કરારનામું કર્યું છે. અમૂલ તરફથી સબંધિત દુકાનદારોને ડીપફ્રીજ, ફ્રીજ, સાઈન બોર્ડ તથા માલસામાન પૂરો પાડવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા સ્મોલ ઇન્ડટ્રી ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI)ના માધ્યમથી સદર ૧૫ વાજબી ભાવના દુકાનદારને દુકાનના અપગ્રેડેશન માટે રૂા.૫૦,૦૦૦ ની ગ્રાન્ટ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવનાર છે. ઓનલાઈન પોર્ટલ પર ઓર્ડર આપનાર અમદાવાદ શહેરની વાજબી ભાવની દુકાનના ૫ (પાંચ) દુકાનદારોને SIDBI દ્વારા ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ.૨૫,૦૦૦/- તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવાયા છે,જ્યારે અન્ય દુકાનદારોની કાર્યવાહી પ્રગતિમાં છે.
દુકાનદારોને મહત્તમ રૂ.૧.૫૦ લાખની મર્યાદામાં સહાય અપાશે
આ યોજનાના અંતર્ગત ભારત સરકાર દ્વારા SIDBIના માધ્યમથી મહત્તમ રૂ.૫૦,૦૦૦ની સહાય કરવામાં આવે છે. દુકાનદારો આ યોજનાને વધુ સારી રીતે આગળ વધારી શકે તે માટે હાલ ગુ.રા.ના.પુ. નિગમ દ્વારા સબંધિત ૧૫ દુકાનદારોને રૂ.૧ લાખની મર્યાદામાં સહાય કરવામાં આવી રહી છે, આમ રૂ.૧.૫ લાખ સુધીની આર્થિક સહાય દુકાનદારોને આપવાની જોગવાઈ કરવામાં આવી છે.