અનેક રાજ્યોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો

બિહારથી લઈને પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશભરના અનેક શહેરોમાં રાવણનું દહન કરવામાં આવ્યું
નવી દિલ્હી, વિજયાદશમીના તહેવાર પર દેશભરમાં રાવણનું દહન કરવામાં આવ્યું છે. બિહારથી લઈને પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બિહારની રાજધાની પટનાના ઐતિહાસિક ગાંધી મેદાન પર દશેરાના તહેવાર નિમિતે રાવણ દહન કરવામાં આવ્યું છે. તો પંજાબના અમૃતસરમાં રાવણ દહનની તસવીરો સામે આવી છે.
ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં વરસાદ બાદ પણ રાવણ દહન કરવામાં આવ્યું છે. બુધવારે રાજધાની લખનઉ સહિત ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો. દશેરાના દિવસે વરસાદને કારણે કાનપુર, લખનઉ તથા અન્ય જિલ્લામાં ઘણી જગ્યાએ રાવણ દહનના સ્થાનો પર પાણી ભરાઈ ગયું જેથી રાવણ દહન કાર્યક્રમમાં વિઘ્ન પડ્યું હતું.
રાજધાની લખનઉ તથા આસપાસના વિવિધ જિલ્લામાં આજે સવારથી વરસાદ શરૂ થયો હતો. ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લામાં આ વરસાદને કારણે દશેરા કાર્યક્રમના આયોજન પર ખરાબ અસર પડી હતી. ઘણી જગ્યાએ દહન માટે ઉભા કરાયેલા રાવણ, કુંભકર્ણ અને મેધનાથના કાગળના બનેલા પૂતળા પલળી ગયા હતા.
લદ્દાખના લેહમાં પોલો ગ્રાઉન્ડ પર દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવ્યું. પંજાબના લુધિયાણાના દરેસી ગ્રાઉન્ડમાં રાવણ દહન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા.
ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનમાં દશેરાના દિવસે પરેડ ગ્રાઉન્ડ ખાતે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પંજાબના અમૃતસરમાં ધામધૂમથી દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. અહીં રાવણના પૂતળાને સળગાવવામાં આવ્યું હતું.