ગોધરા લાલબાગ ટેકરી ખાતે રાવણ પૂતળા દહનનો કાર્યક્રમ યોજાશે

(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં પ્રતિ વર્ષ દશેરાના દિવસે આસુરી શક્તિ સામે દૈવી શક્તિના વિજય પ્રતીક સમા રાવણ પૂતળા દહન અને શસ્ત્ર પૂજાનું આયોજન કરવામાં આવે છે.વીતેલા બે વર્ષ દરમિયાન આ કાર્યક્રમ કોરોનાકાળને લઈ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
ગોધરા નગરપાલિકા દ્વારા લાલબાગ ટેકરી મેદાન ખાતે રાવણ પૂતળા દહન અને શસ્ત્ર પૂજાના જાહેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો ઊમટતા હોય છે.આ વર્ષે પણ નગરપાલિકા દ્વારા અંદાજીત દોઢ લાખના ખર્ચે ૩૫ ફૂટ ઉંચાઈ વાળું રાવણનું પૂતળું બનાવવામાં આવી રહ્યું છે.
જેના માટે રાજસ્થાનના ખાસ કારીગરો બોલાવવામાં આવ્યા છે. વાંસ,કાગળ સહિતની વસ્તુઓમાંથી છેલ્લા ૨૦ દિવસથી આ પૂતળું બનાવવાની કામગીરી જારી હતી જેને આજે આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. આવતીકાલે સાંજે ૭ વાગ્યાના અરસામાં રાવણ પૂતળા દહન,શસ્ત્રપૂજા અને આતશબાજીનો કાર્યક્રમ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતીમાં યોજાશે.