રાવણ ફક્ત બે લોકોની સાંભળતો હતો-મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે: રાહુલ ગાંધી
સેના મણિપુરમાં એક દિવસમાં શાંતિ સ્થાપી શકે છેઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે બીજા દિવસે ચર્ચા થઈ રહી છે જેમા સાંસદ પદ પરત મળ્યાં બાદ રાહુલ ગાંધી પહેલીવાર લોકસભામાં બોલી રહ્યાં હતા. રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા મોદી સરકાર સામે નિશાન તાક્તા કહ્યું કે તમે લોકોએ મણિપુરમાં હિન્દુસ્તાન, ભારત માતાની હત્યા કરી છે.
તમે ભારતની સુરક્ષા કરનારા નથી પણ તમે તેમના હત્યારા છો. ભારતીય સૈન્ય એક જ દિવસમાં મણિપુરમાં શાંતિ લાવી શકે છે પરંતુ તમે તેનો ઉપયોગ કરતાં નથી. હું મોદીજીને એટલું કહીશ કે તેઓ હિન્દુસ્તાનની અવાજ નથી સાંભળતા તો કોનો અવાજ સાંભળે છે.
તેમણે રાવણનું ઉદાહરણ આપતાં કહ્યું કે રાવણ ફક્ત બે લોકોની સાંભળતો હતો. એ જ રીતે મોદીજી પણ બે જ લોકોનું જ સાંભળે છે. રાહુલ ગાંધીએ આક્રમક વલણ અપનાવતા સત્તાપક્ષ સામે આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે આ લોકોની રાજનીતિએ જ મણિપુરમાં હિન્દુસ્તાનની હત્યા કરી છે.
રાહુલ ગાંધીએ આ દરમિયાન બે ઉદાહરણો પણ આપ્યા હતા જેમાં બે મહિલાઓએ તેમની આપવીતી વર્ણવી હતી. ભારત એ એક અવાજ છે. જાે આપણે તેને સાંભળવું હોય તો આપણે અહંકારને ભૂલવું પડશે. તેમણે કહ્યું કે હું થોડા દિવસ પહેલા મણિપુર ગયો હતો પણ આપણા વડાપ્રધાન ન ગયા.
કેમ કે તેમના માટે તે હિન્દુસ્તાનનો ભાગ નથી. રાહુલ ગાંધીએ આ દરમિયાન એક ખેડૂતનો કિસ્સો શેર કર્યો. જેમાં કહ્યું કે એક ખેડૂત મને મળ્યો હતો. તેણે મને રુ નો બંડલ આપ્યો. તેણે કહ્યું કે મારી પાસે આ જ રહી ગયું છે. મેં તેને પૂછ્યું કે વીમાના પૈસા મળ્યાં? તો તેણે કહ્યું કે મને વીમાના પૈસા નથી મળ્યાં. આ પૈસા ભારતના મોટા ઉદ્યોગપતિઓ ખાઈ ગયા.