RBIએ વધુ એક વખત વ્યાજ દરમાં કોઇ બદલાવ કર્યો નથી

ભારત સહિત વિશ્વમાં ઓમિક્રોન વાઈરસની સતત વધી રહેલી ચિંતા તથા દેશમાં બની રહેલી ફુગાવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાએ વધુ એક વખત વ્યાજ દરમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા કમિટીની બે દિવસીયની બેઠકના અંતે ગવર્નર શક્તિકાંતા દાસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હજુ અમે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ અને તેથી રેપો રેટ કે જે 4 ટકા છે તે યથાવત રહેશે.
રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાની સપાટીએ રહેશે જેને કારણે હાલ બેન્કોને વ્યાજદરમાં ફેરફાર કરવાનું કોઇ કારણ મળશે નહીં. રિઝર્વ બેન્કની ચિંતા ફુગાવો પણ છે. જે ભારતમાં હજુ પણ રિઝર્વ બેન્કનાં અનુમાન કરતા ઉંચી સપાટીએ છે. ઉપરાંત ઓમિક્રોન વાઇરસ જે રીતે ફેલાઈ રહ્યો છે
અને ફરી એક વખત પ્રવાસ પ્રતિબંધ સહિતની પરિસ્થિતિ બની છે તે જોતા આ વાઈરસ કેટલો અસર કરશે તેના પર રિઝર્વ બેન્કની નજર છે અને તેથી જ આગામી બે મહિના સુધી યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે રિઝર્વ બેન્કે નિર્ણય લીધો છે.
શક્તિકાંતા દાસે જણાવ્યું કે, થોડી પ્રતિકૂળતા છતાં પણ દેશના વિકાસ દરમાં કોઇ મોટુ વિઘ્ન આવે તેવી શક્યતા નહીવત છે અને તેથી અમે 9.5 ટકાના જીડીપીના અનુમાનને વળગી રહીએ છીએ. રિઝર્વ બેન્કની મોનીટરીંગ કમિટીનો આ નિર્ણય 5:1થી લેવાયો હતો. મતલબ કે કમિટીના એક સભ્ય વ્યાજ દર ઘટાડવાની તરફેણમાં હતા
પણ એકંદરે સરકારની જ લાઈન પર જઇ રહેલા શકિતાકાંતા દાસે હાલ કોઇ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે. એકંદરે દેશમાં ધીરાણની પરિસ્થિતિ પણ લગભગ સ્થગિત જેવી છે અને બેંકો પણ હવે સ્પર્ધાત્મક ધોરણે વ્યાજદર ઓફર કરી રહ્યા છે તેથી તેમાં વધુ ઘટાડો એ પણ બેન્કોના માર્જીનને અસર કરી શકે છે.
રિઝર્વ બેન્ક પાસે ચિંતાના અનેક કારણો છે અને પડકારો પણ છે. ખાસ કરીને ક્રૂડ તેલમાં ફરી એક વખત ઉછાળો જોવા મળી રહ્યો છે. રુપિયો 75ની આસપાસ ટ્રેડ કરે છે તેને પણ ટકાવી રાખવો જરુરી છે. ખાદ્યતેલ સહિતના આવશ્યક ચીજોના ભાવમાં વધારો છે અને રિઝર્વ બેન્ક ઓમિક્રોનની અર્થતંત્ર પર શું અસર થશે તે પણ ચકાસવા માગે છે.