RBIએ ૯મી વખત પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી

Files Photo
મુંબઇ, કેન્દ્રીય બેંક આરબીઆઇની દ્વિમાસિક નાણાકીય નીતિ આજે જાહેર કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનાં ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, કેન્દ્રીય બેંકે ૯મી વખત પ્રમુખ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઓક્ટોબરમાં પણ સેન્ટ્રલ બેંકે મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં આરબીઆઇએ રેપો રેટને ૪ ટકા પર જાળવી રાખ્યો હતો. જ્યારે રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા પર રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે એમએસએફ રેટ અને બેન્ક રેટ પણ ૪.૨૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યા છે. નાણાકીય નીતિની સમીક્ષા દરમિયાન, સમિતિએ મુખ્ય વ્યાજ દરોમાં કોઈ ફેરફાર ન કરવાનો ર્નિણય લીધો છે.આરબીઆઇ ગવર્નરે કહ્યું કે, શિયાળો આવી ગયો છે.
તેનાથી શાકભાજીનાં ભાવમાં ઘટાડો થશે. ખાદ્યતેલનાં ભાવને અંકુશમાં લેવા માટે સરકારે કેટલાક પગલા લીધા છે. તેમની અસર પણ દેખાઈ રહી છે.
આરબીઆઇ ગવર્નરે કહ્યુ કે, રિઝર્વ બેન્ક વિકાસ દરને પાટા પર લાવવા અને તેને ટકાઉ ધોરણે જાળવી રાખવા માટે ઉદાર વલણ અપનાવવાનું ચાલુ રાખશે. નવેમ્બરમાં ક્રૂડ ઓઈલનાં ભાવમાં નરમાઈ આવી હતી, જે સ્થાનિક બજારમાં ખર્ચ સ્તર પરનાં દબાણને હળવું કરશે. વળી, તેમણે આશા વ્યક્ત કરી હતી કે પેટ્રોલ, ડીઝલની કિંમતો પર ટેક્સનાં દરમાં ઘટાડો કરવાથી વપરાશની માંગમાં મદદ મળશે.
ભારતીય અર્થવ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા સૌથી મોટા પતનમાંથી બહાર આવી છે, અમે કોવિડ-૧૯ મહામારીનો સામનો કરવા માટે વધુ સારી રીતે તૈયાર છીએ.HS