RBI બેઠકના પરિણામોની જાહેરાતઃ રેપો રેટ સ્થિર, EMI પર કોઈ રાહત નહીં
નવી દિલ્હી, રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચુક્યા છે. ત્રણ દિવસ સુધી ચાલેલી આ બેઠકમાં રેપો રેટને લઈ કોઈ નિર્ણય નથી લેવાયો. રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કરાયો તેનો મતલબ એવો કે લોકોને ઈએમઆઈ કે લોનના વ્યાજ દરો પર નવી કોઈ રાહત નહીં મળે.
રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામો અંગે જાણકારી આપતા કહ્યું કે, રેપો રેટને 4 ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકાએ સ્થિર છે. આરબીઆઈના ગવર્નરે જણાવ્યું કે, ગ્લોબલ ઈકોનોમી હજુ પણ નબળી છે. જો કે વિદેશી મુદ્રા ભંડારમાં વધારો જળવાઈ રહ્યો છે.
આરબીઆઈના ગવર્નરના કહેવા પ્રમાણે છૂટક ફુગાવાનો દર હજુ પણ નિયંત્રણમાં છે તથા બીજા છ મહીના દરમિયાન મોંઘવારી દર ઘટી શકે છે. શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે કોરોનાની માર બાદ દેશની ઈકોનોમી હવે ટ્રેક પર પાછી ચઢી રહી છે તથા સારી ઉપજના કારણે ગ્રામીણ ઈકોનોમીમાં રિકવરી છે. શક્તિકાંત દાસે ફરી એક વખત નાણાંકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ રેટ નેગેટિવ રહેશે તેમ કહ્યું હતું. આ દરમિયાન શેર બજારમાં તેજી જળવાઈ રહી છે. 12 વાગ્યા બાદ સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂત રહ્યો હતો જ્યારે નિફ્ટી 11,150 પોઈન્ટથી ઉપર રહી હતી.
કોરોના કાળમાં રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ સમીક્ષા માટે ત્રીજી બેઠક યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે કોરોના સંકટના કારણે બે વખત સમય પહેલા બેઠકો યોજાઈ ચુકી છે. પહેલી બેઠક માર્ચમાં અને તેના બાદ મે 2020માં બીજી બેઠક યોજાઈ હતી. આ બંને બેઠકમાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કુલ મળીને 1.15 ટકાનો કાપ મુકવામાં આવ્યો હતો. ગત વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2019 બાદ રેપો રેટમાં 2.50 ટકાનો કાપ મુકાઈ ચુક્યો છે.