RBI મોનેટાઈઝેશન પર પૂર્વ ગવર્નર રઘુરામ રાજને સવાલ ઉઠાવ્યા
નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને RBIની મોનિટાઈઝેશન પોલિસી પર સવાલ ઉઠાવ્યા છે. રાજને જણાવ્યું કે, આર્થિક મંદી વચ્ચે સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે RBI પોતાની બેલેન્સ શીટ વધારીને સરકારનું દેવું પોતાના માથે લઈ રહી છે. જે સમસ્યાનું સ્થાયી સમાધાન નથી, પરંતુ તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે છે.
રાજને જણાવ્યું કે, “RBI અનેક ઉભરતા માર્કેટમાં આ પોલિસી અપનાવી રહ્યું છે, પરંતુ દરેક ચીજની કિંમત હોય છે અને મફતમાં કશું જ નથી મળતું. ” સિંગાપુરની DBS બેંક દ્વારા આયોજિત એક સમ્મેલનમાં રઘુરામ રાજને જણાવ્યું કે, RBI સરકારી બોન્ડ ખરીદીને પોતાનું દેવું વધારી રહી છે. આ સમગ્ર પ્રક્રિયામાં RBI બેંકોથી રિવર્સ રેપો રેટ પર લોન લઈને સરકારને ઉધાર વેચવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લોકોને લોન આપવા માટે બેંકો પાસે પૂરતુ ધન છે. આમ છતાં રેપો રેટ ઓછું કરીને લોનને વધુ સસ્તી કરવામાં આવી રહી છે. લોન સસ્તી હોવા છતાં લોકો જોખમ ઉઠાવવા માટે તૈયાર નથી. લોકો રોજગારી ગુમાવી રહ્યાં છે, જેના કારણે તેમનું ફોક્સ બચત ઉપર જ છે. આવી સ્થિતિમાં બેંકો પોતાની મૂડી RBIમાં જમા કરી દે છે, જેના પર તેમને વ્યાજ મળે છે. આ વ્યાજને રિવર્સ રેપો રેટ કહેવાય છે. પૂર્વ ગવર્નર રાજનનું કહેવું છે કે, RBI આ રકમ સરકારને આપી રહી છે.
જ્યારે વધારે નોટો છાપવા પર રાજને જણાવ્યું કે, “દરેક બાબતની એક સીમા હોય છે. આ પ્રકારે વધુ નોટો સપ્લાયની પણ એક મર્યાદા છે. આ સુવિધા માત્ર એક મર્યાદિત સમય માટે જ હોય છે. ભારતમાં હાલ નહીં, પરંતુ સંપૂર્ણ લૉકડાઉન હટશે, પછી તેની નકારાત્મક અસર જોવા મળશે. જેની સીધી અસર ફાઈનાન્સિયલ સેક્ટર પર પડશે.”