RBI અમદાવાદ કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ પર કાર્યક્રમ યોજાયો

ભારતની G20 અધ્યક્ષતા હેઠળ અને ગાંધીનગરમાં 14-18 જુલાઈ, 2023 દરમિયાન નિર્ધારિત 3જી નાણા પ્રધાનો અને સેન્ટ્રલ બેંક ગવર્નરો (FMCBG) અને નાણા અને સેન્ટ્રલ બેંક ડેપ્યુટીઝ (FCBD) મીટિંગના ભાગરૂપે, વ્યાપક જાગૃતિ અને
ભાગીદારીના ઉદ્દેશ્યથી, 14 જૂન, 2023 ના રોજ, અમદાવાદની સરકારી મહિલા પોલીટેકનિક કોલેજ ખાતે ભારતીય રિઝર્વ બેંક દ્વારા ‘મહિલા સશક્તિકરણ’ પર જનભાગીદારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં લગભગ 150 વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો.
પ્રારંભમાં કોલેજના આચાર્ય ડૉ.બી.બી. સોનેજીએ તમામ સહભાગીઓ અને અધિકારીઓને આવકાર્યા હતા. ત્યારબાદ, શ્રી અશોક પરીખ, જનરલ મેનેજર પ્રભારી અધિકારી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આયોજનના હેતુ અને માળખાની રૂપરેખા આપીને કાર્યક્રમનો આરંભ કર્યો.
ત્યાર બાદ ઈલેક્ટ્રોનિક બેન્કિંગ અને જાગૃતિ પર એક સત્ર યોજાયું જેમાં વિદ્યાર્થિનીઓને ઈલેક્ટ્રોનિક બેન્કિંગ, ગ્રાહક ફરિયાદ નિવારણ પદ્ધતિ અને સાયબર સલામતીની મૂળભૂત બાબતો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યસ્થળ પર જાતીય સતામણી નિવારણ પર એક સત્ર અમદાવાદ વિમેન્સ એક્શન ગ્રૂપ (AWAG) ના સેક્રેટરી ડૉ. ઝર્ના પાઠક દ્વારા આપવામાં આવ્યું હતું, જેઓ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદની પ્રાદેશિક ફરિયાદ સમિતિના બાહ્ય સભ્ય પણ છે, જેમણે ઉત્પીડન અને પોતાને બચાવવાનાં પગલાં અને POSH એક્ટ સાથે સુસંગત ઉકેલ મેળવવા માટે સંભાવિત પરિસ્થિતિઓ વિશે જાણકારી આપી.
સમાપન પહેલા, ભારતીય રિઝર્વ બેંકમાં કારકિર્દીની તકો પર એક સંક્ષિપ્ત સત્ર પણ યોજવામાં આવ્યું હતું જેથી યુવા માનસને સંસ્થાનો એક ભાગ બનીને રાષ્ટ્રની સેવા કરવા પ્રેરણા મળે.
કાર્યક્રમ એક પ્રશ્નમંચ સત્ર સાથે સમાપ્ત થયો, જેમાં વિદ્યાર્થિનીઓએ સક્રિયપણે ભાગ લીધો. આ કાર્યક્રમને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, જેમણે આરબીઆઈની ટીમ માટે તાળીઓના ગડગડાટથી અભિવાદન કર્યું.