RBI ના નિર્ણયથી આ બેન્કના રોકાણકારોમાં બેન્ક કાચી પડી હોવાની શંકાથી ગભરાટ

RBIએ મુંબઈની ‘ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક’ પર નિયંત્રણો મુક્યાં
મુંબઈ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા અહીંના બાંદરા વિસ્તારમાં આવેલી ‘ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેન્ક’ પર નિયંત્રણો લાદ્યા હતાં.
રિઝર્વ બેન્કના આ નિર્ણયથી બેન્કના હજારો રોકાણકારોમાં બેન્ક કાચી પડી હોવાની શંકાથી ભારે ગભરાટ વ્યાપી જવા પામ્યો હતો.
રિઝર્વ બેન્ક દ્વારા બેન્ક પર નવી થાપણ લેવા કે નાણાં ઉપાડવા પર પ્રતિબંધ મુકાયો છે.રિઝર્વ બેન્કે કરેલી કાર્યવાહીના સમાચાર વાયુ વેગે ફેલાઈ જતાં બેન્કની બહાર પોતાના નાણાં ઉપાડવા માટે ખાતેદારોની લાંબી લાઈનો લાગી હતી. શુક્રવારે સવારે બેન્કના ગ્રાહકોને રિઝર્વ બેન્કના નિર્ણયની જાણ કરતો એક મેસેજ મોકલવામાં આવ્યો હતો.
બેન્કમાં વર્ષાેથી ખાતું ધરાવતાં અજય મોરે નામના એક ખાતેદારે પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લાં ૨૨ વર્ષથી હું આ બેન્કમાં એકાઉન્ટ ધરાવું છું. મારી અને મારી પત્નીની તમામ બચત આ બેન્કમાં જમાં છે. અગાઉથી કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર આ રીતે નિયંત્રણો લાદી દેવાતાં હવે અમે અમારાં જ પૈસા માટે વલખાં મારી રહ્યાં છીએ.
અનેક લોકોએ રિઝર્વ બેન્કના આવા ઓચિંતા નિર્ણયની નિંદા કરી હતી અને જણાવ્યું હતું કે, મધ્યસ્થ બેન્કે ગ્રાહકોને પહેલાં સાવધ કરવા જોઈતાં હતાં.
રિઝર્વ બેન્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બેન્કની તરલતાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લેતાં હાલ પૂરતું તેને સેવિંગ્સ કે કરન્ટ ખાતામાંથી કોઈ પણ પ્રકારના ઉપાડ નહીં કરવા દેવા નિર્દેશ અપાયો છે. જોકે રિઝર્વ બેન્કના નિર્દેશો અનુસાર તેને થાપણની સામે લોનની માંડવાળ માટે મંજૂરી અપાઈ છે.SS1MS