Western Times News

Gujarati News

આરસીબીએ મુંબઈનો કિલ્લો તોડ્યો, વાનખેડેમાં ૧૦ વર્ષ પછી જીત

મુંબઈ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક દાયકા બાદ વિજય મેળવીને ઈતિહાસ રચ્યો છે. આઈપીએલ ૨૦૨૫ની આ રોમાંચક મેચમાં આરસીબીએ મુંબઈ ઈન્ડિયન્સને ૧૨ રને પરાજય આપ્યો હતો.

એક સમયે હાર્દિક પંડ્યા અને તિલક વર્માની તોફાની બેટિંગને કારણે મુંબઈની જીત નિશ્ચિત જણાતી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં મેચ પલટાઈ ગયો હતો.પ્રથમ બેટિંગ કરતાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રજત પાટીદાર અને વિરાટ કોહલીની અડધી સદીની મદદથી ૨૨૧ રન બનાવ્યા હતા.

જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી અને ૧૨ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને માત્ર ૯૯ રન જ બનાવી શકી હતી. જો કે, ત્યારબાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ માત્ર ૧૫ બોલમાં ૪૨ રન અને તિલક વર્માએ ૨૯ બોલમાં ૫૬ રનની તોફાની ઇનિંગ રમીને મેચમાં રોમાંચ લાવી દીધો હતો.

આ બંને બેટ્‌સમેનો આઉટ થતાં જ આરસીબીની જીત નિશ્ચિત થઈ ગઈ હતી.૨૨૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતાં મુંબઈની શરૂઆત સારી નહોતી રહી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રોહિત શર્મા માત્ર ૯ બોલમાં ૧૭ રન બનાવીને યશ દયાલનો શિકાર બન્યા હતા.

ત્યારબાદ રેયાન રિકલટન પણ ૧૯ બોલમાં ૧૭ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. ૩૮ રનમાં બે વિકેટ પડ્યા બાદ સૂર્યકુમાર યાદવ અને વિલ જેક્સ પર ટીમનો મદાર હતો.

જો કે, સૂર્યા પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહોતો અને ૨૬ બોલમાં ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. તે પહેલાં વિલ જેક્સે ૧૮ બોલમાં ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.૯૯ રનમાં ૪ વિકેટ પડી ગયા બાદ એવું લાગતું હતું કે આરસીબી સરળતાથી જીતી જશે, પરંતુ હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ આક્રમક બેટિંગ શરૂ કરી દીધી હતી અને તિલક વર્મા સાથે મળીને મેચનો પલટો કર્યાે હતો.

૧૩મી ઓવરમાં ૧૭ રન આવ્યા, જ્યારે જોશ હેઝલવુડે ૧૪મી ઓવરમાં ૨૨ રન આપ્યા. ૧૫મી ઓવરમાં ૧૯ રન બન્યા અને ૧૬મી ઓવરમાં ૧૩ રન બનતા મેચ મુંબઈના પક્ષમાં જતો જોવા મળતો હતો. ૧૭ ઓવરના અંતે મુંબઈનો સ્કોર ૪ વિકેટે ૧૮૧ રન હતો.

જો કે, ભુવનેશ્વર કુમારે ૧૮મી ઓવરમાં તિલક વર્માને આઉટ કરીને આરસીબીને રાહત અપાવી હતી. ત્યારબાદ ૧૯મી ઓવરના પ્રથમ બોલ પર જોશ હેઝલવુડે હાર્દિક પંડ્યાને આઉટ કરીને આરસીબીની જીત લગભગ નિશ્ચિત કરી દીધી હતી. મુંબઈને છેલ્લા ૧૨ બોલમાં ૨૮ રનની જરૂર હતી, પરંતુ હેઝલવુડે ૧૯મી ઓવરમાં માત્ર ૯ રન આપ્યા.

અંતિમ ઓવરમાં ૧૯ રનની જરૂર હતી અને કૃણાલ પંડ્યાએ પ્રથમ બે બોલમાં બે વિકેટ લઈને આરસીબીની જીત પર મહોર મારી દીધી હતી.

આરસીબી માટે કૃણાલ પંડ્યાએ ૪ ઓવરમાં ૪૫ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. જોશ હેઝલવુડે ૩૭ રનમાં ૨ અને યશ દયાલે ૪૬ રનમાં ૨ વિકેટ લીધી હતી. બેટિંગમાં વિરાટ કોહલીએ ૬૭, દેવદત્ત પડિક્કલે ૩૭, કેપ્ટન રજત પાટીદારે ૬૪ અને જીતેશ શર્માએ ૧૯ બોલમાં અણનમ ૪૦ રન બનાવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.