૩૫ લાખના ખર્ચે બનેલો RCC રસ્તો પ્રથમ વરસાદે જ બેસી ગયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માંથી સામે આવ્યો છે.જ્યાં ૪૦ વર્ષથી આરસીસી રસ્તાની માંગણી કરનારાઓની માંગ સંતોષાય અને આરસીસી રસ્તો બનાવવાનો શરૂ થયો.પરંતુ આ આરસીસી રસ્તો એક જ અઠવાડિયામાં પ્રથમ વરસાદે જ બેસી જતા સ્થાનિકોએ આરસીસી રસ્તો પુનઃ બનાવવાની માંગ સાથે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં ચાર રસ્તાથી ડુંગાજી સ્કૂલ સુધીનો ૩૫ લાખ રૂપિયાનો આરસીસી રસ્તો બનાવવા માટે મંજૂર થયો હતો અને છેલ્લા કેટલાક માસ થી ગોકળગાયની ગતિ એ તેની કામગીરી પણ ચાલી રહી હતી.
ગત રોજ વરસેલા પ્રથમ મુશળધાર વરસાદમાં કોન્ટ્રાક્ટર બનાવેલો આ આરસીસી રસ્તો ધોવાઈ જતા સ્થાનિકોએ રસ્તા ઉપર ઉતરી આવી કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે ભારે હોબાળો મચાવ્યો હતો.એટલું જ નહીં ચાર રસ્તા નજીકથી વાહન પસાર થતાં આરસીસી રસ્તો બેસી જતા તેમજ રેતી અને કપચીનો ઢગલો થઈ જતા સિમેન્ટનો ઉપયોગ ન કરાયો હોવાના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર સામે સ્થાનિક લોકો અને દુકાનદારોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે.
કોન્ટ્રાક્ટરે બનાવેલો આરસીસી રસ્તો હાથથી ઉખડી જતા રસ્તાની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને સંપૂર્ણ આરસીસી રસ્તો ગત મોડી રાત્રે વરસેલા વરસાદમાં ધોવાઈ જતા કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચાર ની પોલ છતી થઈ ગઈ છે.
અહીંયા સવાલ ભરૂચ નગરપાલિકાના જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ નો પણ થાય છે.જ્યારે આરસીસી રસ્તો બનતો હોય ત્યારે તેની ગુણવત્તા ચકાસવાની તેમજ તેના નિરીક્ષણ કરવાની જવાબદારી તેઓની હોય છે.
પરંતુ તેઓ તેમની જવાબદારી નિભાવવાની બદલે એ.સી.કેબિન મા બેસી રહેતા પ્રજાના પરસેવા રૂપી વેરા ના નાણાં આવી રીતે વરસાદ મા વહી જતાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ભરૂચમાં વિકાસ થતો હોય છે પરંતુ તેમાં અધિકારીઓ ની મીલીભગતમા કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આક્ષેપ થતાં રહ્યા છે
ત્યારે સ્થાનિકોની ફરિયાદ બાદ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી તેના પર ઢાંક પીછોડો કરવામાં આવે છે તે જાેવું રહ્યું.