રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું વધુ સરળ બનશે
(પ્રતિનિધિ)રાજકોટ, રાજકોટના હિરાસર એરપોર્ટ પર પહોંચવું હવે વધુ સરળ બનશે. રાજકોટ એસ.ટી વિભાગે મુસાફરોના હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે હવે રાજકોટથી અમદાવાદ જતી અને રાજકોટ આવતી તમામ બસોને નેશનલ હાઇવે પર એરપોર્ટ નજીક સ્ટોપેજ આપવામાં આવ્યું છે.
આ નિર્ણય અંતર્ગત હવે રાજકોટ આવતી-જતી આશરે ૪૨૫ કરતા વધુ બસો હિરાસર એરપોર્ટ પર સ્ટેન્ડ કરશે. જેના કારણે એરપોર્ટ જવા ઇચ્છતા મુસાફરો સરળતાથી પહોંચી શકશે. આ નિર્ણય અંતર્ગત વોલ્વો અને સ્લિપર સહિત તમામ બસો સ્ટેન્ડ કરશે. જી્ વિભાગના અધિકારીઓનો દાવો છે કે આ નિર્ણયથી હજારો મુસાફરોને લાભ થશે.
જો કે, એસ.ટી દ્વારા હિરાસર એરપોર્ટ નજીક ઉતર્યા બાદ એરપોર્ટ ટર્મિનલ સુધી પહોંચવા માટે મુસાફરોએ ૮ કિમીનું અંતર કાપવું પડશે એટલે કે આ ૮ કિમી અંતર કાપવા માટે મુસાફરોને વધુ એક વાહનનો સહારો લેવો પડશે. જેના માટે અત્યાર સુધી કોઇ વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી મુસાફરોને ૮ કિમી અંતરના વધારાનો ખર્ચ વેઠવો પડશે.