વાંચે ગુજરાત વરસનો નહીં પરંતુ જીવનભરનો પ્રકલ્પ છે: ડો. ભરત મહેતા
જાંબુઘોડામાં શૈક્ષણિક સાંસ્કૃતિક મંચની સંગોષ્ઠી સંપન્ન
ભાવનગર, ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દર છ મહિને સંગોષ્ઠીનું આયોજન કરે છે.તેમાં ગુજરાતના પ્રયોગશીલ શિક્ષકો ઉત્સાહભેર જોડાઈ છે.કોઈ એક વિષય પર પરિસંવાદ,જૂથ ચર્ચા અને કાર્ય શાળાનું આયોજન કરવામાં આવે છે. તારીખ 20 -21 જાન્યુઆરીના રોજ પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા ધનપુરી પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર ખાતે “વાંચન શિક્ષણ” પર સંગોષ્ઠીનું આયોજન થયું
સંગોષ્ઠીના પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ મંગલદીપ અને શ્રી દિપ્તીબેન જોશીના ભજન ગાનથી થયો હતો.શ્રી મહેન્દ્રભાઈ ગજ્જર અને શ્રી મોહનભાઈ જાદવ પ્રાથમિક શિક્ષક તરીકે સેવા નિવૃત્ત થયાં છે.તે ઉપલક્ષ્યમાં બંને શિક્ષક મિત્રોનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને નિવૃત્તિ અભિવાદન કરવામાં આવ્યું.
શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકોનું “મોરારિબાપુ: વ્યક્તિ નહીં વિચાર” અને “નોખા મલક નોખા મનેખ” તથા શ્યામજીભાઈ દેસાઈના એક પુસ્તકનું દર્શન કરાવવામાં આવ્યું.ઉદ્ઘાટન સત્રના પ્રસંગે લોકભારતી સંસ્થાના પૂર્વ નિયામક અને વક્તા શ્રી પ્રવીણભાઈ ઠક્કરે જીવનના તમામ તબક્કે જે રીતે વાંચન ઉપયોગી છે એના ઉદાહરણો દ્વારા સૌને શિક્ષક તરીકેની ભૂમિકામાં વાંચનની અગત્યતતા સમજાવી હતી.
બીજા એક સત્રમા ગોધરાની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વિભાગના વડા શ્રી ડો. કુમાર જૈમીન શાસ્ત્રીજીએ વાંચનને જીવનનો અર્ક કાઢવા ઉપયોગી ગણ્યું.સાંજના જાંબુઘોડા સ્ટેટના રાજવી મા.શ્રી વિક્રમસિંહ અને મા.કુવંર શ્રી કર્મવીરસિંહની મુલાકાત કરવામાં આવી હતી. રાજવી પરિવારે પોતાના રાજ્યના અને ત્યાર પછી જીવનના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થતાં પ્રસંગોનું વર્ણન કરી બધાં શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો હતો.
રાત્રિ સત્ર દરમિયાન ‘મારી શાળા મારાં પ્રયોગો’ અને’ ગમતું પુસ્તક:ગમતી વાત’ પ્રસ્તુતકર્તાઓ સર્વશ્રી લક્ષ્મણભાઈ પરમાર, ડો. કિરીટ ચૌહાણ, દીપ્તિ જોશી, લીલાબેન ઠાકરડા,વિલ્સુબેન જેઠવા તથા મિતેશ જેઠવા વગેરેએ રજૂઆત કરી હતી.
તારીખ 21 ના રોજ વહેલી સવારે સંગોષ્ઠીના સૌ સાધક ભાઈ બહેનો સાથે પક્ષી નિરીક્ષક તથા સાવલી કોલેજના પ્રા.નિખિલ મોરી જોડાયાં હતાં.સવારના સત્રમાં પ્રા. નિખિલ મોરીએ “સાહસ- પ્રવાસ સાહિત્ય’ પર પ્રકાશ પાડીને સ્વામી આનંદ સહિતના પ્રવાસ લેખકોના સુંદર વર્ણનોની રજૂઆત કરી હતી.
સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક તથા” પરબ “ના તંત્રી ડો.ભરત મહેતાએ સમગ્ર દેશમાં વાંચન,પુસ્તકો અને પુસ્તકાલયોની કેફિયત રજૂ કરી ખુબ મક્કમતાથી સરકારી નીતિ પર વાત કરતાં કહ્યું કે વાંચન એક વર્ષનો પ્રોજેક્ટ નથી. તે જીવનભર ચાલતું મહાઅભિયાન છે.ડો.જયદેવ શુક્લે આ પ્રસંગે પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
સમગ્ર આયોજનમાં મંચ સંયોજક શ્રી તખુભાઈ સાંડસુરની ભુમિકાને સૌએ આવકારી હતી.સહસંયોજકશ્રી શ્યામજીભાઈ દેસાઈ તથા શ્રી ડો.મહેશ ઠાકર તથા દિલીપભાઈ ભટ્ટે ચાવીરૂપ કાર્ય કર્યું હતું.ડો ઠાકર તરફથી એક પર્સ અને ડો.દંમયતીબા સિંધા પરિવાર તરફથી આયુર્વેદ કિટ સ્મૃતિભેટ સ્વરુપે અપાઈ હતી.સંચાલન શ્રી ભગવતદાન ગઢવી તથા આભાર દર્શન શ્રી જીતુભાઈ જોશીએ કર્યું હતું.