જે છે તેનાથી સંતોષ માનવો તેમાં જ ખરું સુખ રહેલું છે
માનવી જ્યારે લોભ કરે છે ત્યારે તે લાભ મેળવવાને બદલે ગેરલાભમાં જ જાય છે. લોભને કદી થોભ હોતો નથી. લોભ કરવામાં લોકો થાપ ખાઇ જાય છે. કેટલાક માનવીઓ ખરીદી કરવા જાય ત્યારે સસ્તામાં માગવા જતાં તે માલની ગુણવત્તામાં માર ખાય છે અથવા વજનમાં ઓછું મેળવે છે. વધું લોભ કરવા જતાં કોઇક વખત હાથમાં આવેલી વસ્તુ ખોઇ બેસે છે.
અતિ લોભ કરવા જતાં માનવી અનિતીનો પથ પકડવા અચકાતો નથી અને પોતે કર્મ બાંધે છે અને કહેવાય છે કે અતિ લોભ તે પાપનું મૂળ છે. ઘણી વખત માનવી કોઇકમાં ફાયદો મેળવતા બીજી વખત પછી ત્રીજી વખત એમ લોભ કરતા ફસાઇ જાય છે અને તે પોતે નુકસાનીની ખાઇમાં સરી પડે છે.
જુગારી જુગાર રમતા રમતા કોઇક એકાદ વખત જીતી જતા વારંવાર દાવ અજમાવતા મેળવેલી રકમ તો ગુમાવે છે પરંતુ સાથે સાથે પોતાની પાસે જે છે તે પણ ગુમાવતા અફસોસ સાથે નિઃસાસા નાખતા મનમાં વિચારે છે કે, ‘હું ક્યાં લોભમાં પડયો’.
એક શિયાળ કૂવા આગળ ફરતું ફરતું આવ્યું. ત્યાં તેને એક રોટલો કૂવાની પાળી પર પડેલો જોયો અને તરત જ તે રોટલો મોંમા મૂકી દીધો અને તે કૂવાની પાળી પર ચડીને ખાતો હતો ત્યાં તેની નજર કૂવામાં રહેલા પાણી પર પડી જ્યાં તેને પોતાનું પ્રતિબિંબ નિહાળી ભ્રમણામાં તેને પોતાનો પ્રતિસ્પર્ધી ગણી તેના મુખમાં દેખાતો રોટલો પડાવી લેવાની આશામાં તેણે પાણીમાં ઝંપલાવ્યું અને તેણે પોતાનો રોટલો તો ગુમાવ્યો ને સાથે સાથે પોતાનો જાન પણ ગુમાવ્યો.
જમણવારમાં કોઇક સ્વાદિષ્ટ વાનગી વધારે પડતી આરોગવા જતા તેની તબિયત કથળે છે. ‘આવી વાનગી ભવિષ્યમાં મળે કે ન મળે, લાવ વધારે ખાઇ લઉં ‘ અને પછી પરિણામમાં તેની તબિયત નરમ થઇ જાય છે. લોભરૂપી શત્રુની સોબતથી કોઇક વખત મોત પણ નીપજે છે. સમજુ માનવી તો લોભવૃતિથી દુર જ રહેવામાં શાણપણ માને છે.
જ્યારે માનવી લોભમાં પડે છે ત્યારે તેનું અનિષ્ટ જ થાય છે. નસીબમાં કોઇ વખત ફાયદો મળી જાય પરંતુ આવી તક વારંવાર નથી આવતી અને તે માનવી વધારે ને વધારે અંદર ઉતરતા જુગારમાં કે પત્તામાં કે શેરબજારમાં સટ્ટો કરતા બધું ગુમાવે છે.
અનિષ્ટોનું મૂળ લોભ છે. લાભ લેવા જતા તે લોભને થોભ હોતો નથી. લોભ એ ચાર કષાયમાંનો એક છે. સર્વ પાપનું મૂળ લોભ છે અને લોભ સંતોષનો શત્રુ ગણાય છે.
અમીરનો મહેલ જોઇને પોતાનું ઝૂંપડું કદી બાળી નાખવું ન જોઈએ. ‘જે છે તેનાથી સંતોષ માનવો તેમાં જ ખરું સુખ રહેલું છે.’
ઘણી જગ્યાએ જોવા મળે છે કે લોભિયા વસે ત્યાં ધૂતારા ભૂખે ન મરે. આજ કાલ ઘણા લોકો વિવિધ અને આકર્ષિત યોજનાઓ લોકો સમક્ષ મૂકી લોકોને લલચાવીને ધુતારાઓ તેમના કાર્યમાં સફળ થાય છે. લોભિયાઓને લોભ જાગતા ધુતારાઓ તેમાં ફાવી જાય છે અને લોભિયાઓ રડતાં રહે છે.
લોભ એક એવી તળિયા વિનાની ખાઇ છે કે જેમાં તૃપ્તિની શોધમાં માનવી અનંત અધોગતિ પામતા નષ્ટ થઇ જાય છે છતાં સંતોષ રૂપી શિખર પર પહોંચી શકતો નથી.
લોભ કરવા જતા જ્યારે માનવી લપસી જાય છે અને પછી નુકસાન વેઠ્યા બાદ પોતાને શાણપણ આવે છે ત્યારે તો ઘણું મોડું થઇ ગયું હોય છે.
કોઇ પણ ચીજ પરનો મોહ કે રાગ માનવીને લોભ કરવા પ્રેરે છે પરંતુ માનવીએ પોતે પોતાના મન પર કાબૂ મેળવવો જોઈએ. લોભ જાગતા તથા પોતાની ઈચ્છાની મર્યાદા ઓળંગી જતા અને તેનો અતિરેક થતાં તે મેળવવા ગમે તે હદે જતાં તે પાપનો ભાગીદાર બને છે..
જ્યારે માનવી લોભ કરે છે ત્યારે તે સર્વસ્વ ગુમાવે છે ત્યારે કહેવાય છે કે લોભે લક્ષણ જાય.
‘રોગનું મુળ છે સ્વાદ ! …. દુઃખનું મૂળ છે સ્નેહ !’ ‘અને પાપનું મૂળ છે લોભ.. લોભ..લોભ….’