દરેક ઘટના ઘટવા પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે
રોઝ રોઝ આંખો તલે…-“છોટી સી દિલ કી ઉલજન હૈ, એ સુલજાદો તુમ,
જીના તો સીખા હૈ મરકે, મરના સીખાદો તુમ”
દરેક વસ્તુ બનવા પાછળ, દરેક ઘટના ઘટવા પાછળ કોઈ ને કોઈ કારણ હોય છે અને જયારે કારણ ના હોય ત્યારે કિસ્સા હોય છે. કોઈ ગીત હોય, કોઈ ગઝલ હોય, કોઈ શોધ હોય કે કોઈ સ્ટાર્ટ અપ કંઈ પણ સર્જાવા પાછળ કોઈ ને કોઈ પરિબળ જવાબદાર હોય છે.
આ જે ટાઈટલ આપ્યુ છે આર્ટીકલને એ ગીત “રોઝ રોઝ આંખો તલે” અને બીજુ એક ગીત “મેરા કુછ સામાન” તથા “યાદ આ રહી હૈ” આ ત્રણ ગીતની આજે વાત કરીશ. આ ગીતો બનવા પાછળના કિસ્સાઓની વાત કરીશ. આ ત્રણે ગીતોમાં પંચમ દા એટલે કે રાહુલ દેવ બર્મન સાહેબનું સંગીત છે.
“જીવા” ફિલ્મનું આ ગીત જેમાં સંજય દત્ત અને મંદાકિની લીડ રોલમાં હતા. ગુલઝાર સાહેબના લિરિક્સ અને આર ડી બર્મન સાહેબનું મ્યુઝિક, ગાયુ હતુ કિશોર કુમારના દીકરા અમિત કુમારે…. હવે વાત કઇંક એવી છે. આ ફિલ્મ રિલીઝ થઇ હતી ૧૯૮૬માં અને ૧૯૮૪માં આ ગીત રેકોર્ડ થયુ હતુ.
ગુલઝાર સાહેબ જયારે આ ગીતનાં શબ્દો લખીને પંચમદાને બતાવવા આવ્યા ત્યારે પંચમદા એ કહ્યું કે આ આખું ગીત તો ફીમેલ સિંગર માટે જ છે. આમાં મેલનો તો કોઈ પાર્ટ જ નથી. ત્યારે ત્યાં જ ગુલઝાર સાહેબે મેલ સિંગરનો પાર્ટ લખી દીધો. તરત જ પંચમદા એ કિશોર કુમારને ફોન કર્યો ત્યારે કિશોર કુમારે કહ્યુ કે હા, બોલો શું ગાવાનું છે?
પંચમ દાએ કહ્યું કે “તમારો દીકરો શું કરે છે?” કિશોર કુમાર કહે “કેમ?” ત્યારે પંચમદાએ કહ્યું કે; “તમારૂ બજેટ પોસાય એમ નથી. લાખ રૂપિયા આપી શકાય એમ નથી.” ત્યારે કિશોર કુમારના દીકરા અમિત કુમારે આ ગીત ગાયુ. લાખ ને બદલે ગીત ફક્ત અઢી હજારમાં ગવાઈ ગયુ. આ ગીત એવું છે કે તમને ગમે ત્યારે સાંભળવુ ગમે.
“સાવન કે કુછ ભીગે ભીગે દિન રાખે હૈ, ઔર તુમ્હારે ખત મેં લીપટી રાત પડી હૈ.
વો રાત બુજા દો, મેરા વો સામાન લૌટા દો”
બીજુ ગીત છે “મેરા કુછ સામાન”..! આ ગીત ૧૯૮૭માં આવેલી ફિલ્મ “ઇઝાઝત”નું છે. નસીરૂદ્દીન શાહ, રેખા અને અનુરાધા પટેલ આ ફિલ્મમાં મુખ્ય કલાકારો હતા. આ ફિલ્મનું આ એક ગીત કે જેને ઓસ્કાર અવોર્ડ મળ્યો છે. તે ગીત બન્યું એની વાત બહુ ખાસ છે.
ગુલઝાર સાહેબ આ ગીતના શબ્દો લખીને પંચમદાને મળવા એમના સ્ટુડિયો પર ગયા અને આ ગીત તેમને સંભળાવ્યુ. કોઈ ગમ્યુ કે ના ગમ્યુ એવુ કહે પણ આ તો પંચમદા એમણે કહ્યુ કે; “આ શું લખીને આવ્યા છો? આ કેવું ગીત? કોઈ પસ્તી વાળો ફેરિયો કે શાકવાળો બુમો પાળતો હોય એવું લાગે છે પણ લકીલી આશાજી ત્યા હાજર હતા. એમણે કહ્યું કે ના… ગીત તો બહુ સરસ છે બનાવો સરસ બનશે અને પછી પંચમદા એ આ ગીત બનાવ્યુ. આ એ સમયનું બેસ્ટ ગીત હતુ. આ ફિલ્મના દરેક ગીત એટલા જ સરસ છે.
“યાદ આ રહી હૈ તેરી યાદ આ રહી હૈ”
હવે આ ગીતની વાત છે “યાદ આ રહી હૈ”, ૧૯૮૧માં આવેલી ફિલ્મ લવ સ્ટોરીનું આ ગીત છે. શબ્દો લખ્યા હતા આનંદ બક્ષી સાહેબે અને ગાયુ છે અમિત કુમારે, પંચમદાએ સંગીત આપ્યું હતુ. હવે આમાં વાત કંઇક આવી છે. આ ગીત રેકોર્ડ કરવાનું હતુ ત્યારે અમિત કુમાર અને પંચમદા સાથે બેઠા અને અમિત કુમાર ગાઈ રહ્યા હતા.
અમિત કુમારને લાગ્યું કે પંચમદાનો મૂડ કંઇક ઠીક નથી લાગતો એવું વિચારી એમણે પંચમદાને પૂછ્યું; “તમે કઈ ઠીક નથી લાગતા.” ત્યારે પંચમદાએ જવાબ આપ્યો; “ હા, મને ગીતમાં મજા નથી આવતી. અમિત કુમારે કહ્યું “સંગીત તો તમે આપ્યું છે” ત્યારે પંચમદા કહે; “હા, ભલે પણ ભજન જેવુ લાગે છે.”
જયારે આ ગીત રેકોર્ડ થઇ રહ્યું હતુ ત્યારે બીજા બે મહાનુભાવો ત્યાં હાજર હતા. એક હતા અમિત કુમારના પિતા કિશોર કુમાર અને બીજા રાજ કપૂર. એ વખતે કિશોર કુમાર કહેતા કે; જાે જાે હોં છોકરો બરાબર ગાય છે કે નહિ ત્યારે પંચમદા એ બંનેને બરાબર ગાય છે એમ કહીને બહાર ચાલ્યા જવા કહ્યું ને પછી આ ગીત “યાદ આ રહી હૈ, તેરી યાદ આ રહી હૈ” રેકોર્ડ થયુ. જે આજેય કોઈને પણ યાદ રહી જાય એવું છે.