દિવાળી વેકેશનમાં એરપોર્ટ પર પેસેન્જરનો રેકોર્ડ બ્રેક ધસારો
અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટની સાથે સાથે મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. મુસાફરોને સુવિધા નહીં મળતાં તેઓ સતત સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે. એરપોર્ટ સંચાલકોના દાવા મુજબ માત્ર ઓક્ટોબર માસમાં જ પોણા દસ લાખ મુસાફરોના એરપોર્ટ પર આવાગમન થયા છે.
મુસાફરોને કોઇ પરેશાની ન થાય, તેમની સુરક્ષા માટે સ્થાનિક પોલીસ સતત દોડતી રહી છે. પોલીસની તકેદારીને લઇને એરપોર્ટ મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. ગૃહ મંત્રી સહિતના વીવીઆઇપીના આગમનને લઇને થ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ સંચાલકોના દાવા મુજબ ઓક્ટોબર માસમાં એરપોર્ટ પરથી ૪.૯૫ લાખ મુસાફરોએ પ્રસ્થાન કર્યું હતું. ૪.૮૫ લાખ મુસાફરોના આગમન થયા છે.
રેકોર્ડ બ્રેક મુસાફરોના આવાગમન ટાણે મુસાફરોને સુવિધા પૂરી પાડવામાં એરપોર્ટ તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું હોય તેવા ફીડબેક મુસાફરો દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. બન્ને ટર્મિનલ પાસે પોલીસના પેટ્રોલિંગને લઇને પણ મુસાફરોને રાહત રહી હતી.
આ ઉપરાંત નવરાત્રિ- દિવાળી ટાણે કેન્દ્રીય ગૃહ મંત્રી સહિતની વીવીઆઇપી મૂવમેન્ટમાં પણ પોલીસે ખડેપગે સેવા આપી હતી.એરપોર્ટ સંચાલકો દ્વારા નવા ચેક હોલ, એરોબ્રિજમાં વધારો, બેઠક ક્ષમતામાં વધારો કરવાના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે જ મુસાફરો દ્વારા ફૂડકોર્ટમાં ગંદકી, તૂટેલી ટ્રોલી, મુસાફરોના અપમાન અને તેમને સુવિધાઓ નહીં મળતી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે.
આ તમામ બાબતો વચ્ચે મુસાફરોની ફરિયાદ સાંભળવાવાળું જ કોઇ ન હોવાથી મુસાફરો એરપોર્ટ પર લાચારી અનુભવી રહ્યા છે. પાર્કિંગમાં વસૂલાતા વધારાના ચાર્જ અંગે પણ મુસાફરોને ન્યાય મળતો નથી.
ઓક્ટોબર માસમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોના ધસારાને કારણે ઘણી અસુવિધા થઇ પરંતુ સુરક્ષાના મુદ્દે કોઇ ક્ષતિ રહી જાય નહીં તે માટે ડીસીપી ઝોન-૪ ડો. કાનન દેસાઇ અને ઇન્સ્પેક્ટર ખાંભલા ઠાકોરની ટીમે સતત પેટ્રોલિંગ કર્યું હતું.SS1MS